શાપર-વેરાવળમાં પરપ્રાંતિય શ્રમજીવી વચ્ચે થયેલા ઝઘડાના કારણે બોથડ પદાર્થ મારી ઢીમ ઢાળી દીધું
જામકંડરોણા તાલુકાના રામપર ગામે પરપ્રાંતિય દંપત્તી વચ્ચે મજુરી કામ બાબતે થયેલા ઝઘડાના કારણે કુહાડીના ઘા ઝીંકી પતિએ પોતાની પત્નીની હત્યા કર્યાનું અને શાપર-વેરવળમાં બે પરપ્રાંતિય શ્રમજીવી વચ્ચે થયેલા ઝઘડામાં બોથર્ડ પદાર્થ મારી યુવાનની હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ લંબેલા ગામના વતની અને જામકંડોરણા તાલુકાના રામપર ગામના વિપુલભાઇ ચોવટીયાની વાડીએ મજુરી કામ કરતા દિનેશ વાલીયા બીલવાલ અને તેની પત્ની રમીલા દિનેશ બીલવાલ વચ્ચે મજુરી અને ઘર કામના પ્રશ્ર્ને ઝઘડો થતા ઉશ્કેરાયેલા દિનેશ વાલીયાએ પોતાની પત્ની રમીલાને કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાનું જામકંડોરણા પોલીસમાં નોંધાતા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા દિનેશ વાલીયાને ઝડપી લીધો છે.
મુળ અમદાવાદના સરવાળીના વતની અને શાપર-વેરાવળ ખાતે મજુરી કામ કરતા સંજયભાઇ કાનજીભાઇ ડાભી નામના 26 વર્ષના યુવાનના માથામાં બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી ગૌરવકુમાર નામના શખ્સે હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. મૃતક સંજય ડાભી અને ગૌરવકુમાર શિતળા માતાજીના મંદિર નજીક હતા ત્યારે બંને વચ્ચે કોઇ મુદે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ગૌરવકુમારે બોથર્ડ પદાર્થના ઘા મારી ઢીમઢાળી દીધાનું પોલીસની પ્રથમિક તપાસમાં બહાર આવ્યું છે. બંને વચ્ચે શા માટે ઝઘડો થયો તે અંગે પોલીસે ગૌરવકુમારની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
મૃતક સંજય ડાભી ત્રણ ભાઇમાં વચ્ચેટ હતો અને તાજેતરમાં જ પ્રેમ લગ્ન કરી શાપરમાં પટેલ ભોજનાલય નજીક રહી છુટક કલર કામની મજુરી કરતો હતો. જ્યારે હત્યાના ગુનામાં ઝડપાયેલા ગૌરવ તેના પાડોશમાં જ રહેતો હોવાથી બંને એક બીજાથી પરિચીત હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.