આ પૃથ્વી પર જોવા મળતા લગભગ બધા જ – વનસ્પતિ સહિતના સજીવના જીવનનો આધાર પ્રાણવાયુ ઉપર છે.બધા જીવ વિભિન્ન રીતે આજીવન શ્વાસને ગ્રહણ કરે છે.આનાથી તેમના જીવનની બધી જ ક્રિયાઓ અને ઊર્જા ઉત્પન્ન થાય છે.શ્વાસ ગ્રહણ કરવાનું બંધ થઈ જાય તો,સજીવ મૃત્યુ પામે છે.પાણી વિના જીવન કેટલોક સમય સુધી ટકી શકે છે,પરંતુ શ્વાસ વિના મિનિટો સુધી પણ જીવવું સંભવ નથી.જીવ માત્ર દ્વારા શ્વાસ નાક દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.

શ્વાસ ગ્રહણ કરવાની રીત ખૂબ જ મહત્વ ધરાવે છે.કયા પ્રકારે અને કઈ બાજુથી શ્વાસ ગ્રહણ કરવામાં આવે છે,તેનો જીવ પર ગંભીર પ્રભાવ પડતો હોય છે.વિશિષ્ટ પ્રકારથી શ્વાસ ગ્રહણ કરવાની રીત પર જ પ્રાણાયામનો આધાર છે.સ્વર વિજ્ઞાન જાણનાર ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિઓમાં ફસાતા નથી.કદાચ જો ફસાઈ જાય તો પણ સહેલાઈથી વિપરીત પરિસ્થિતિને અનુકૂળ બનાવી બહાર નીકળી જાય છે.સ્વર વિજ્ઞાન એક ખૂબ જ સરળ વિદ્યા છે.આ વિદ્યા ને પ્રસિદ્ધ સ્વર સાધક યોગીરાજ યશપાલજીએ ’વિજ્ઞાન’ કહીને સન્માનિત કરી છે.તેમના કહેવા અનુસાર સ્વરોદય નાકના છિદ્રથી ગ્રહણ કરવામાં આવતો શ્વાસ છે.જે વાયુના રૂપમાં હોય છે.શ્વાસ જ જીવનો પ્રાણ છે.એ શ્વાસને સ્વર કરવામાં આવે છે.

‘સ્વર વિજ્ઞાનની મદદથી દિવ્ય જીવનનું નિર્માણ કરી શકાય છે.’

સ્વર ચાલવાની ક્રિયામાં સ્વરનો ઉદય થાય તેને સ્વરોદય કહેવામાં આવે છે.તેમની કેટલીક વિધિઓ બતાવવામાં આવી છે અને આ વિષયના રહસ્યને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,તેને ’વિજ્ઞાન’ કહેવામાં આવે છે.સ્વરોદય વિજ્ઞાન એક ખૂબ જ સરળ પદ્ધતિ છે,જેને શ્વાસ લેવા વાળા પ્રત્યેક જીવ પ્રયોગમાં લઈ શકે છે.સ્વરોદય પોતે જ પોતાની રીતે પૂર્ણ વિજ્ઞાન છે.તેના જ્ઞાન માત્રથી જ વ્યક્તિ અનેક લાભથી લાભાન્વિત થવા લાગે છે.તેનો લાભ મેળવવા માટે કોઈ કઠિન ગણિત,સાધના,મંત્ર જાપ,ઉપવાસ કે કઠિન તપસ્યા કરવાની જરૂર રહેતી નથી.ફક્ત શ્વાસની ગતિ તેમજ દિશાની સ્થિતિ જાણવા માટેનો અભ્યાસ માત્ર કરવાનો હોય છે.આ વિદ્યા એટલી સરળ છે કે જો થોડી ઘણી પણ લગન અને શ્રદ્ધાથી તેનું અધ્યયન અથવા તો અભ્યાસ કરવામાં આવે તો જિંદગીભર તેના અસંખ્ય લાભોથી અભિભૂત થઈ શકાય છે.

સ્વર વિજ્ઞાન પોતાની રીતે જ દુનિયાનું શ્રેષ્ઠ જ્યોતિષ વિજ્ઞાન છે.તેમના સંકેત ક્યારેય ખોટા નથી હોતા.તે શરીરની માનસિક અને શારીરિક ક્રિયાઓથી લઈને દૈવી સંપર્કો અને પરિધિ ઘટનાઓ સુધી પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.સ્વર વિજ્ઞાન દુનિયાના પ્રત્યેક વ્યક્તિના જીવન માટે મહત્વપૂર્ણ છે.સ્વર વિજ્ઞાનની મદદથી આપ જીવનને નવી દિશા અને દ્રષ્ટિ આપી શકો છો.દિવ્ય જીવનનું નિર્માણ કરી શકાય છે.લૌકિક કે પારલૌકિક યાત્રાને સફળ બનાવી શકાય છે.એટલું જ નહીં,પરંતુ આપ આપના સંપર્કમાં આવનાર વ્યક્તિ અને એમના ક્ષેત્ર સંબંધી પ્રવાહોને પણ બદલાવી શકવાનું સામર્થ્ય મેળવી શકો છો.શ્વાસ-પ્રશ્વાસ પર ધ્યાન લગાવતાં લગાવતાં જીવ ઘણીવાર ઊંડી સાધનામાં પહોંચીને આત્મ સાક્ષાત્કાર કરતાં કરતાં અનંત ઊર્જાનો માલિક બની જાય છે.આ દિવ્યતા છે.કુંડલીની જાગરણનું આ પ્રવેશ દ્વાર છે.’શિવ સ્વરોદય’ સંસ્કૃતનો અતિ પ્રાચીન ગ્રંથ છે.

જેમાં 357 શ્લોક દ્વારા સ્વરને શરીરના પંચતત્ત્વ અને પંચપ્રાણ સાથે જોડીને એક અદ્ભુત જાણકારી આપવામાં આવી છે.આપણે આપણી દિનચર્યામાં સ્વર વિજ્ઞાનને જોડીને આપણા જન જીવનના સ્તરને ખૂબ સહજતાથી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ છીએ.ભારતીય જ્યોતિષશાસ્ત્રના અંક જ્યોતિષ,સ્વપ્ન જ્યોતિષ,શુકન જ્યોતિષ અને સામુદ્રિક જ્યોતિષની જેમ જ આ પણ તેનો એક ભાગ છે.સ્વરોદય જ્યોતિષ અર્થાત્ સ્વર વિજ્ઞાન ખૂબ જ પ્રાચીન અને તાત્કાલિક પ્રભાવ પાડનાર માનવ શરીરના પંચતત્વ સાથે જોડાયેલું છે. સંસારના બધા જીવોમાં મનુષ્ય જ એકમાત્ર કર્મ યોની છે.બાકીના બધા જીવ ભોગ યોની છે.મનુષ્ય પોતાનો જન્મ સફળ કરી શકે એટલા માટે સનાતન ધર્મ શાસ્ત્રમાં ઘણી બધી પદ્ધતિઓ છે,એ માંહેની આ એક પદ્ધતિ છે,સ્વર સાધના.સ્વર સાધના એક પૂર્ણ વિજ્ઞાન છે.સ્વર વિજ્ઞાનની સાધનાથી જ આપણા ઋષિમુનિઓ ભૂત,ભવિષ્ય અને વર્તમાનને જાણી શક્યા હતા.સ્વરોદય વિજ્ઞાન બધાથી સરળ અને પ્રભાવી છે.એને આસાનીથી સમજીને દરેક સમયે તેનો ઉપયોગ કરી શકાય છે.

સૌથી પ્રથમ તો હાથ દ્વારા નાકના છિદ્રમાંથી બહાર નીકળતા શ્વાસનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે.તપાસ કરો કે નાકના કયા છિદ્રથી શ્વાસ બહાર નીકળે છે.સ્વરોદય વિજ્ઞાન અનુસાર શ્વાસ જમણા છિદ્રથી બહાર નીકળી રહ્યો હોય તો તે સૂર્ય સ્વર કહેવાય છે,આનાથી ઊલટું જો શ્વાસ ડાબા છિદ્રથી નીકળી રહ્યો હોય તો તેને ચંદ્ર સ્વર કહેવામાં આવે છે.તેમજ જો બંને છિદ્રથી શ્વાસ નીકળવાનો એહસાસ થાય તો તેને સુષુમ્ણા સ્વર કહેવામાં આવે છે.શ્વાસને બહાર નીકળવાની ઉપરની ત્રણેય ક્રિયાઓ ઉપર જ સ્વરોદય વિજ્ઞાનનો આધાર છે.સૂર્ય સ્વર પુરુષ પ્રધાન છે.તેમનો રંગ કાળો છે.તે શિવ સ્વરૂપ છે.તેનાથી ઊલટું ચંદ્ર સ્વર સ્ત્રી પ્રધાન છે.તેનો રંગ ગોરો છે.તે શક્તિ અર્થાત્ પાર્વતીનું સ્વરૂપ છે.ઈડા નાડી શરીરના ડાબા તરફ આવેલી છે,તેમજ પિંગલા નાડી શરીરના જમણી તરફ આવેલી છે.

કરોડરજ્જુના મૂળ અર્થાત્ મુલાધાર ચક્રથી લઈને માથા સુધી સુષુમ્ણા નાડી વિસ્તરેલી હોય છે.સુષુમ્ણા નાડીની જમણી બાજુ સૂર્ય સ્વર નાડી – પિંગલા હોય છે.જ્યારે સુષુમ્ણા નાડીની ડાબી તરફ ચંદ્ર સ્વર નાડી – ઈડા હોય છે.જો કે સ્વર સંચાર ક્રિયામાં અનેક પ્રાણવાહી નાડીઓ આવેલી હોય છે.જેમાં મુખ્ય નાડી ઈડા,પિંગલા અને સુષુમ્ણા જ છે.મનુષ્ય શરીરમાં 72,000 નાડીઓ,ધમનીઓ,શિરાઓ અને કોશિકાઓની જાળ ફેલાયેલી હોય છે.તેમનું નિયંત્રણ માથા દ્વારા થાય છે.માથામાંથી ઉત્પન્ન થતાં શુભ અને અશુભ વિચારોનો પ્રભાવ નાડી તંત્ર પર પડતો હોય છે.જેને કારણે સ્વરના પ્રવાહનો ક્રમ ધીમો અને તેજ થતો રહે છે.તેમનો પ્રભાવ મૂલાધર,સ્વાધિષ્ઠાન, મણીપુર,અનાહત,વિશુદ્ધ,આજ્ઞા અને સહસ્રાર ચક્રો પર પણ પડે છે.જેને લીધે શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ તેમજ ઘટનાઓનો પૂર્વાભાસ થાય છે.આ સ્વરોદય જ્યોતિષ છે.  સ્વર વિજ્ઞાનની થોડી ઘણી સમજણ પણ જીવન માટે વરદાન રૂપ સિદ્ધ થઈ શકે છે.આજે મનુષ્યની દિનચર્યા આહાર- વિહારના નિયમોને અનુરૂપ જોવા મળતી નથી.ખૂબ જ મોડી રાત્રે સૂવું અને સવારે ખૂબ જ મોડા ઊઠવાની ફેશન થઈ ગઈ છે.ખાવા પીવામાં અસંતુલન જેવા કારણોને લીધે સ્વરની ગતિમાં અનિયમિતતા આવી જાય છે.તેને લીધે અનેક પ્રકારની બીમારીઓ લાગુ પડી જાય છે. આથી આપણાં ધન અને સમયનો વ્યર્થ વ્યય થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.