કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે અંત તરફ હોય તેમ નવા કેસ ઘટી રહ્યા છે. તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ જોતા હવે સરકારે રાહતનો શ્વાસ લઈ લોકડાઉન જેવા કડક નિયમો હળવા કરવાનું શરૂ કર્યું છે. નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ તેમજ રાત્રી કરફ્યૂ એક કલાક ઘટાડયા બાદ હવે હોટેલ અને રેસ્ટોરન્ટને 12 કલાક ખુલ્લા રાખવાની છૂટ આપી દેવાઈ છે.
હોટેલ અને રેસ્ટોરન્ટ હવે સવારના 9 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન હજુ કોઈ વ્યક્તિ હોટલ કે રેસ્ટોરન્ટમાં બેસીને જમી શક્શે નહીં. આ 12 કલાક દરમ્યાન પાર્સલ સુવિધા ચાલુ રહેશે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કરફ્યુને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં જણાવાયું છે કે હોટેલ રેસ્ટોરન્ટ ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે.
જો કે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર હોટેલ અને રેસ્ટોરન્ટ સવારથી નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લી રખાશે. જ્યારે દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. રાત્રી કરફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અને આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાઈટ કરફ્યૂ અને પ્રતિબંધોને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવા જાહેરનામામાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત અપાઈ છે.