હોટલ સંચાલક સહિત ત્રણ શખ્સોએ મોડીરાત્રે બઘડાટી બોલાવી ખૂનની ધમકી દીધી
શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ પણ કોરોના દર્દીઓ માટે બેડ મેળવવાનો પ્રશ્ન વિકટ છે. લોકો હવે ધીરજ ગુમાવી હોય તેમ શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે…તેવું કહી ત્રણ શખ્સોએ હોસ્પિટલના ડોકટરને ગાળો ભાંડી તેમને ઢીકાપાટુનો માર મારી તેમજ વચ્ચે પડેલા સ્ટાફના ત્રણ કર્મચારીઓને પણ ઘુસ્તાવી ‘હોસ્પિટલ કેમ ચાલુ રાખો છો, પતાવી દઇશ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો’ કહી ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચતાં આર. આર. હોટેલવાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે.
પુષ્કરધામ મેઇન રોડ પાસે શિવધામ સોસાયટી-1માં રહેતાં અને એસટી બસ સ્ટેશન પાછળ કનક રોડ પર સત્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. અમર જગદીશભાઇ કાનાબાર ની ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ડો. અમર કાનાબારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું સત્કાર કોવિડ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવું છું. રવિવારે રાત્રે દસેક વાગ્યે હું હોસ્પિટલમાં હાજર હતો. રિસેપ્શનમાં કર્મચારીઓ તેજસ ગોસ્વામી અને જયદિપ ડોડીયા બેઠા હતાં. તે વખતે જયદિપનો મને ફોન આવેલો અને કહેલું કે સાહેબ તમે નીચે આવો. આટલી વાત થઇ ત્યાં રિસેપ્શન પર આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સ જયદિપ પાસેથી ફોન લઇ કહેલું કે-‘તું નીચે આવ, હું દિવ્યરાજસિંહ ઝાલા આર.આર. હોટેલવાળા બોલુ છું’. જેથી હું નીચે રિસેપ્શન પર આવતાં દિવ્યરાજસિંહે મને કહેલું કે અમારું પેશન્ટ લેવું પડશે. જેથી મેં તેને કહેલું કે સ્ટાફનો અભાવ છે, બેડની વ્યવસ્થા અને ઓકિસજનની લાઇનવાળો બેડ પણ અત્યારે ઉપલબ્ધ નથી.
જેથી દિવ્યરાજસિંહ અને તેની સાથેના બે શખ્સોએ મારી સાથે ગાળાગાળી શરૂ કરી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં દિવ્યરાજસિંહે ઉશ્કેરાઇ જઇ મને બચાવવા વચ્ચે પડતાં આ ત્રણેયને પણ આ શખ્સોએ ઢીકાપાટુ માર્યા હતાં. આ રીતે માથાકુટ કરી ત્રણેય હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતાં.
એ પછી ફરીથી ત્રણેય અમને મારવાના ઇરાદે જબરદસ્તીથી પાછા હોસ્પિટલમાં આવ્યા હતાં અને ‘તમે કેમ અમારું પેશન્ટ અહિ દાખલ ન કરો?’ તેમ કહી બીજી વખત પણ ગાળો દઇ માર માર્યો હતો. જેથી હોસ્પિટલના બીજા ડોકટર હર્ષિલભાઇ કોટકે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફોન કરતાં આ ત્રણેય જણા તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો તેમ કહી ફરીથી ગાળો બોલવા માંડ્યા હતાં અને ‘અહિ કેમ હોસ્પિટલ ચાલુ રાખ છો, તમને મારી નાંખીશ’ એવી ધમકી આપી હતી.એ-ડિવીઝન પોલીસની પીસીઆર વેન આવી ગઇ હતી અને મેં પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.