કોરોનાના વળતા પાણી શરૂ, બપોર સુધીના 35 કેસ જ નોંધાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 35 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 40707 પર પહોંચી ગઈ છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 1226 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રાજકોટમાં 219 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં 24 કલાકમાં 20 દર્દીના મોત થયા છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 19 દર્દીના મોત થયા હતા. જેમાં 3 દર્દીનું કોવિડથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકરમાઈકોસિસના દર્દી વધી જતા સ્થિતિ વધારે કફોડી બની છે. કોરોનાના 407 દર્દી સારવાર લઈ રહ્યા છે અને ક્રમશ: ડિસ્ચાર્જ થતા આ સંખ્યા ઘટી રહી છે. જ્યારે મ્યુકરમાઈકોસિસમાં દરરોજ 30 દર્દી નવા દાખલ થતા 492 થયા છે. 500 બેડની કુલ ક્ષમતા સાથેનો રાજ્યનો સૌથી મોટો મ્યુકરમાઈકોસિસ વોર્ડ રાજકોટમાં હતો પણ હવે તે પણ ભરાવા લાગતા નવા આયોજનના ભાગરૂપે સમરસ હોસ્ટેલને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરવામાં આવતા આજથી દર્દીઓને ત્યાં મોકલાશે. સમરસ હોસ્ટેલ કોરોનાની સારવાર માટે મહત્વનું કેન્દ્ર સાબિત થયું હતું.

ત્યાં 1000 બેડની ક્ષમતા છે જોકે હવે દર્દીઓ ઘટતા ત્યાં 100 જ સારવાર હેઠળ છે. જો ઓપરેશનની જરૂર પડે તો જ તેમને સિવિલમાં લઈ અવાશે અને ત્યાં સર્જરી કરી પછી પોસ્ટ સર્જરીની સારવાર સિવિલમાં થશે. જે દર્દીઓ સ્ટેબલ છે તેઓને શુક્રવારથી શિફ્ટ કરાશે. આ નિર્ણયથી દર્દીઓના વિભાગ પડી જતા દરેક પર પૂરતું ધ્યાન આપી શકાશે. જોકે દાખલ થવાની તમામ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલમાંથી જ થશે. સમરસમાં સીધા દાખલ થઈ શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના દર્દી સૌરાષ્ટ્રભરમાંથી આવી રહ્યા છે. જેથી દર્દીની સંખ્યા વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.