200 બેડની આધુનીક હોસ્પિટલ જસદણ પંથકની હેલ્થ લાઈફલાઈન બનશે રૂબરૂ નહી આવે તો વર્ચ્યુઅલ લોકાર્પણની શકયતા
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી હોય વીવીઆઈપી મુલાકાતના દોર વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી ગયા મહિને જામનગરની મુલાકાત બાદ હવે જસદણ તાલુકાનાં આટકોટમાં તેમની મુલાકાત માટે તૈયારીઓ થઈ રહી છે. જસદરથી આશર 9 કી.મી. દૂર આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 200 બેડની આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ છે. તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પાટીદાર સમાજ દ્વારા આટકોટમાં આશરે 50 કરોડનાં ખર્ચે લોકાર્પણ કરવાનુંઆયોજન કરાયું છે. હાલ વડાપ્રધાનનો કોઈ સતાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ પીએમઓ દ્વારા જણાવ્યું હતુ કે કાર્યક્રમ અંગે માહિતી માંગવામાં આવી છે. કલેકટર તંત્રએ પણ આયોજકોનો હોસ્પિટલ બાબતે સંપર્ક કર્યો હતો જોકે વડાપ્રધાન આ હોસ્પિટલ રૂબરૂ મુલાકાતે આવી ન શકે તો કદાચ વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કરે તેવી પણ એક શકયતા છે.
આ હોસ્પિટલનાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે હાલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા છે અને તેમણે 2009માં આઝાદી પછી જસદણ વિછિયા ધારાસભાની બેઠક પર ભાજપનું ખાતું ખોલાવી એક ઈતિહાસ રચ્યોહતો. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રના વિસ્તારોના ગરીબ દર્દીઓને મોટા પ્રમાણમાં ફાયદો થશે એમ ભાજપના આગેવાનો ઈમરાનભાઈ ખીમાણી, અલ્પેશભાઈ રૂપારેલીયા, વિજયભાઈ રાઠોડ, નારણભાઈ વકાતરએ જણાવ્યું હતુ.