સરસ્વતી વિદ્યામંદિર સંકુલના યજમાનપદે
સરસ્વતી વિદ્યામંદિર સંકુલના ભૂતપૂર્વ વાલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી શાળા અને વિદ્યાર્થીઓને સન્માનિત કરશે
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા તા.૧૪ સપ્ટેમ્બર બપોરે ૩ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં યજમાનપદ હેઠળ આયોજીત કરવામાં આવ્યા છે. વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ કાર્યક્રમનાં સમારંભ અધ્યક્ષ તરીકે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી મહામંત્રી નીતિનભાઈ પેથાણી, બીએપીએસ સંત સાધુ અપૂર્વ મુનિદાસ, ઉધોગપતિ જયંતીભાઈ જાકાસણીયા તેમજ વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાભારતીની ગુજરાતમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થા અને તેમના તેજસ્વી તારલાઓનું સન્માન કરશે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત સંકુલોના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણ સેવા સમાજ વિદ્યાભારતી અર્ધી સદીથી શૈક્ષણિક અને બૌદ્ધિક જયોત પ્રજવલિત કરીને સમાજને ઉમદા કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું પ્રદાન કરી રહી છે. ભારત અને કદાચ વૈશ્ર્વિક કક્ષાએ આ સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા હશે જેના દરેક પ્રાંતમાં શૈક્ષણિક સંકુલો આવેલા છે. સ્વયં સ્વર્ગીય અટલ બિહારી બાજપેયી પણ આ સંસ્થા સાથે સંબંધ ધરાવતા છેલ્લા કેટલાક દસકોથી ભારતભરનાં અલગ-અલગ રાજયોમાં અને ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી વિદ્યામંદિર સંકુલની વિવિધ શાખાઓ યોગ આધારિત શિક્ષણ પઘ્ધતિ સાથે માતૃભાષામાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની શ્રેષ્ઠ કામગીરી સાથે સર્વશ્રેષ્ઠ પરીણામ લાવી રહી છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનાં જતન અને સવર્ધન સાથે બાળકોનાં સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠકકર, અનિલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સિવાય સંસ્થાના વ્યવસ્થાપક કમિટીના સદસ્યો ખંતીલભાઈ મહેતા, નીલભાઈ ગોવાણી, સમીરભાઈ પંડિત અને ભાવિકભાઈ મહેતા તેમજ પ્રધાનચાર્ય અને આચાર્યગણ પણ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં જહેમત ઉઠાવી રહ્યા છે.