કોર્પોરેશનનાં કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય માથાકુટ થયાની પણ ચર્ચા
મહાપાલિકાની મંજુરી લીધા વગર રાજમાર્ગો પર નડતરરૂપ થતા હોર્ડિંગ્સ બોર્ડ હટાવવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આપેલા આદેશને પગલે આજે એસ્ટેટ શાખા દ્વારા શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં અલગ-અલગ પાંચ સ્થળેથી ઓપ્પો અને વિવો મોબાઈલ કંપનીનાં હોર્ડિંગ્સ બોર્ડ હટાવી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશનનાં સ્ટાફ અને વેપારીઓ વચ્ચે સામાન્ય રકઝક થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, શહેરમાં કોર્પોરેશનની મંજુરી લીધા વગર અને રાજમાર્ગોને નડતરરૂપ થતા હોર્ડિંગ્સ બોર્ડ તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે જેના પગલે આજે એસ્ટેટ શાખા દ્વારા શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ક્રિષ્ના મોબાઈલમાં ૨૫૦ ચો.ફુટ જગ્યામાં ખડકાયેલું ઓપ્પો-વિવોનું હોર્ડિંગ્સ બોર્ડ, આશ્રમ રોડ પર ખોડલદિપ મોબાઈલનું ૧૧૬ ચો.ફુટ જગ્યામાં ખડકી દેવાયેલા ઓપ્પો-વિવોનાં હોર્ડિંગ્સ બોર્ડ, હોનેસ્ટ મોબાઈલ દ્વારા ૬૦ ચો.ફુટ જગ્યામાં ખડકાયેલું ઓપ્પો-વિવોનાં હોર્ડિંગ્સ બોર્ડ, કુવાડવા રોડ પર પુરુષાર્થ ઓટો દ્વારા ૨૫૦ ચો.ફુટ જગ્યામાં ખડકાયેલું વિવોનું હોર્ડિંગ્સ બોર્ડ અને પેડક રોડ પર શિવશકિત મોબાઈલ દ્વારા ૫૨૨ ચો.ફુટ જગ્યામાં મંજુરી વિના ખડકી દેવામાં આવેલા ઓપ્પો અને વિવો મોબાઈલ કંપનીનાં હોર્ડિંગ્સ બોર્ડ હટાવી દેવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ બોર્ડ હટાવતી વેળાએ વેપારીઓ અને કોર્પોરેશનનાં કર્મચારીઓ વચ્ચે સામાન્ય માથાકુટ થવા પામી હતી. વેપારીઓએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે, કોર્પોરેશન અમુક હોર્ડિંગ્સ બોર્ડ જ ઉતારે છે બાકીનાં વેપારીઓનાં હોર્ડિગ્સ બોર્ડ હટાવતું નથી. જોકે કોર્પોરેશનનાં અધિકારીઓ આવી કોઈપણ પ્રકારની માથાકુટ થઈ ન હોવાનું જણાવી રહ્યા છે.