“શેષાન આવ્યા પહેલાની ચૂંટણી પ્રક્રિયાઓ ઉપર સત્તા, સંપત્તિ અને બાહુબલીઓ (ગુંડાઓ)નું સામ્રાજય છવાયેલુ રહેલુ !
ચૂંટણી સંહિતા
ગઢડા ફોજદાર જયદેવ શિર દર્દ જેવો ક્ધયા શાળા પેશકદમીનો પ્રશ્ર્ન સહેલાઈથી ઉકલી જતા આનંદમાં હતો કે હવે નિરાંત ! પરંતુ પોલીસને નિરાંત કયાંથી હોય? ગાંધીનગરમાં ગુજરાતની ખજુરીયા સરકારના કાર્યદક્ષ મુખ્યમંત્રીને બદલીને રીમોટ મુખ્ય મંત્રી મુકવા છતા પણ રાષ્ટ્રીય પાર્ટીને સંતોષ નહિ થતા અને સત્તાનું ‘આખુ ગાજર’ ખાઈ જવા માટે મધ્ય સત્ર ચૂંટણીમાં ભવ્ય વિજયના દિવાસ્વપ્નમાં રાચતા રાચતા કે દિલ્હીના રીમોટ વડે ઓપરેટ થતા રાષ્ટ્રીય પાર્ટીએ જનતાના મનની વાસ્તવિકતા જાણ્યા વગર કે જાણવા છતા દિલ્હીના રીમોટ વડે ખજૂરીયા સરકારના ટેકા ‚પ પછેડી ખેંચી લીધી અને રીમોટ મુખ્યમંત્રી ધરાશાયી થઈ ગયા આથી રાજયમાં વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણીના દુદુંભી નગારા અને પડધમ ગાજવા લાગ્યા.
અંગ્રેજો ગયા દેશ આઝાદ થયો લોકશાહી શાસનનું સ્થાપન થયું અને લોકશાહી બંધારણની જોગવાઈ મુજબ દેશમાં સ્વાયત્ત ચૂંટણી કમીશન રચાયું બંધારણમાં ચૂંટણી અંગે આદર્શ આચાર સંહિતાનો સ્પષ્ટ પણે ઉલ્લેખ હતો જ પરંતુ તે સમયે નવી નવી આઝાદી ને કારણે તમામ નિયમો કાનુનોની ધીમે ધીમે અમલવારી થતી હતી અને વહીવટી તંત્ર પણ સત્તાધારી પક્ષને અનુકુળ જ ચાલતુ હતુ.
તે સમયે જેની પાસે શકિત, સંપત્તિ અને સત્તા હોય તેની વધારે પીપુડી વાગતી જયદેવ ને તેના ફરજકાળ દરમ્યાન ચૂંટણીની બંને પધ્ધતિ જૂની અને નવી તથા ઈવીએમ (ઈલેકટ્રોનીક વોટીંગ મશીન) એમ દરેક ચૂંટણીઓનો અનુભવ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં મુખ્યત્વે બે મોટા તફાવત ચૂંટણી પ્રક્રિયામાં થતા જોવા મળ્યા, ચૂંટણી કમિશ્નર તરીકે શ્રી શેષાન નિમાયા તે પહેલા થયેલી ચૂંટણીઓ અને તેઓએ ચૂંટણી કમિશ્નર તરીકે હોદો સંભાળ્યો પછીની ચૂંટણીઓ.
જેમાં શેષાન અગાઉની ચૂંટણી પ્રક્રિયાઓનો નજારો જયદેવે કાંઈક આવો જોયેલો. ચૂંટણી જાહેર થવાની હોય તે પહેલા જ સત્તાધારી પક્ષ પોતાને અનુકુળ આવે તેવા વહીવટી તંત્રના અધિકારીઓ ખાસ તો રેવન્યુ અને પોલીસ દળના જે તે વિધાનસભા મત વિસ્તાર મુજબ જે તે જ્ઞાતીનું વર્ચસ્વ હોય અને ઉમેદવારનાં કે પક્ષના મળતીયા જુના પરિચિત અગાઉ નોકરી કરી ગયેલા હોય તેમની નિમણુંકો કરાવી દેતા વળી ચૂંટણી ખર્ચ અંગે કોઈ હિસાબ રાખવાની માથાકૂટ નહિ અને કોઈ ખાસ જોનાર પણ નહિ.
ચૂંટણી સભાઓ, માઈક વગાડવાની મંજુરી કે વાહનો માઈક સાથે બેનરો સાથે ફેરવવાની મંજુરી લેવાની કોઈ લમણાજીક હતી નહી સમયની કોઈ પાબંધી હતી નહિ આખી રાત અને વહેલી સવારના ચાર વાગ્યા સુધી ચૂંટણીના ડાયરા ચાલુ રહેતાઅને માઈક લાઉડ સ્પિકરના ભુંગળા ગાજયા કરતા. ગમે તે રાજકારણી ગમે તે વાહન લઈ ફાવે તેવા બેનરો અને લાઉડ સ્પિકરના ભુંગળા લગાડી ગામડાઓમાં નિકળી પડતા ગામડે ગામડે લતા કે શેરી વાઈઝ, જ્ઞાતિવાઈઝ જે તે જ્ઞાતિની વાડીઓમાં જમણવારો અને મેળાવડા, નાસ્તા પણી અને મોજ મસ્તીના કાર્યક્રમો ચૂંટણીના નામે ધમધમતા રહેતા, જાહેર રોડ રસ્તા ખાનગી કે જાહેર દિવાલોચિત્રવિચિત્ર સુત્રો અને કાર્ટુનો કટાક્ષ ભર્યા લખાણો સાથે વિવિધ સુત્રોથી ચિતરાઈ જતી ગમેતે જગ્યાએ ગમે તે પાર્ટી પોતાના પક્ષના બેનરો ટીંગાડી દેતા કોઈની મંજુરીની તમા નહિ
ચૂંટણી પ્રચારમાં એકી સાથે અનેક વાહનોની ભુંગળાઓ સાથે ભરબજારે રેલા રેલી કાઢવામાં આવતી જેમાં વાહને વાહને અલગ અલગ બેનરો અને કાર્ટુનો પણ હોય જનતા મને કમને ટ્રાફીક જામ અને માઈકના દેકારા સાથેનું મનોરંજન ત્રાસ સાથે જ સહન કરતી ટુંકમાં રાજકીય પક્ષો નીત નવા નુસખાના આયોજન કરી જનતાનું ધ્યાન ખેંચવા, તાકાત (બળ, પૈસા,લાલચ ભય)નું પ્રદર્શન કરતા. ધોરાજી ખાતે જયદેવ હતો.
ત્યાં એક ચૂંટણી પ્રચારમા એકી સાથે દોઢસો બસો બુલેટ મોટર સાયકલો એક પક્ષના બજારમાંથી સુત્રોચ્ચાર સાથે નીકળતા હરીફ પક્ષે આ રેલીમાં કાંકરી ચાળો કર્યો અને પછી જે કમઠાણ થયું અને બુલેટ સ્વારો ફૂટપાથ ઉપર મોટર સાયકલો ચડાવીને અથડાતા કુટાતા ભાગેલા જે બનાવ જનતા ભયભીત નજરે જોતી હતી બંદોબસ્તમાં રહેલ પોલીસ આભ ફાટયું હોય ત્યાં થીંગડા કેમ મારે? પોલીસ પણ દિવસ રાત તરગારાની જેમ કાયદો અને વ્યવસ્થા માટે નાહ્યા ધોયા ખાધા પીધા વગર દોડતી રહેતી પણ વળી કોઈ અઠંગ રાજકારણીઓ પોલીસ જવાનો ને જ પાર્ટી સુવિધા આપી પોલીસનો પ્રેમ અને સુરક્ષા બંને મેળવી લેતા આથી તેમના બાહુબળીયા (આમ તોગુંડા, ગુનેગારોજ) ટેકેદારોને પોલીસનો ભય જતો રહેતા છૂટોદોર મળતા હરીફ જુથના ટેકેદારોકે જેઓ લાલચ કે સમજાવવાથી ન માન્યા હોય તેમને ધાકધમકી અને હેરાન પરેશાન કરીને કે કરવાની ધમકીથી પોતાનું ધાર્યું જ કરાવતા વળી અમુક અઠંગ રાજકારણીઓતો તાલુકાના કેટલાક અધિકારી ને જ શામ દામ અને ભેદની રીતે કે ચૂંટણી પછી બીસ્તરા પોટલા રવાના (તેની બદલી) કરવાની ચીમકી આપી અમુક મતદાન મથકો ઉપર અમુક જ પોલીસ જવાનોને મૂકવા વ્યવસ્થા કરાવતા અને તેવા આક્ષેપો હરીફ પાર્ટી કરતી પણ ખરી.
વળી મતદાનને દિવસે અમુક ગુંડા ટોળકી નીકળી ને બુથ વાઈઝ સમુહમાં બેલેટ પત્રો ઉપર સીકકા મારી ને ઝપાટાભેર મતદાન કરવાની કસરતો પણ કરતા તો વળી કયાંક સિધ્ધાંતવાદી કડક પોલીસ જવાન હોય અને પ્રિસાઈડીંગ અધિકારી પણ મકકમ હોય છતા પોલીસ જવાન કલાકેક જમવા બહાર જતા જ તે સમય ગાળામાં સમુહ સીકકા મારી બોગસ મતદાન કરી નાખતા.
ટુંકમાં બળીયાના બે ભાગ જેવું ત્યારે હતુ,પરંતુ ઘણી વખત કોઈક જગ્યાએ હરીફ પક્ષ બોગસ મતદાનનો ખાસ તો કોમ કોમ વચ્ચે આ યુધ્ધ રહેતુ વિરોધ કરે તો સામસામા લોહીયાળ જંગ પણ ખેલાઈ જતા આથી પોલીસ અધિકારીઓના ટેન્શન અને તનાવનાં પારા ખુબ ઉંચા રહેતા કે કયારે કયાં શુ થશે/ વળી મતદાન પૂરૂ થયા પછી પણ બંને હરીફ જુથો વચ્ચે હિસાબ કિતાબ થતા જેથી પોલીસે તો ચૂંટણી જાહેર થાય તે અગાઉથી મંત્રી મંડળ રચાય જાય અને તેના પણ સન્માન અને વિજય યાત્રા કાર્યક્રમો પૂરા થયે શાંતિ થતી બાહુબલી રાજકારણીઓ મતદાનમાં તો ગોટાળા કરતા જ પણ મત ગણતરીમાં પણ પક્ષો તેમના ડીંડવાણા કરવા સતત પ્રયત્નશીલ રહેતા જેમાં ખાસ કરીને જે રાજકીય પક્ષો કાઉન્ટીગ એજન્ટો પસંદ કરતા તે અમુક ખાસ લાયકાત વાળા જ પસંદ કરતા જે સમય મળ્યે ગોટાળો કરે.
સાચા ખોટા મત અંગે વિવાદમાં દેકારો કરી શકે ઘુંસ કરી શકે અને અમુક એજન્ટો તો લુચ્ચાઈપૂર્વક અને કપટપૂર્વક એવું કરતા કેજે મતપત્રકોની ગણતરી થઈ ગઈ હોય અને ઉમેદવાર વાઈઝ થોકડીઓ મતગણતરી સ્ટાફે બનાવીને ગોઠવી હોય તેમાંથી આવા લુચ્ચા એજન્ટ સમયાંતરે ગણતરી થઈ ગયેલ થોકડી જે પોતાના ઉમેદવારની હોય તે જ સરકાવી ને લઈ નેપાછી જે મત ગણવાના બાકી હોય તેમાં ઠાલવી દેતા ! બીચારો મત ગણતરી સ્ટાફ ગમે તેમ કરીને મતપત્રકોની ગણતરીમાં ‘ચિપીયા મારીને’ મતના ‘તાળા ભેગા કરી દેતા’ વિધાનસભા લોકસભાની મતગણતરીઓ તો સતત બે બે કે ત્રણ ત્રણ દિવસ સુધી ચાલતી તેમાં પણ જો ફેર ગણતરી થાય તો વળી અવધી એક બે દિવસ લંબાઈ જતા મતગણતરી કર્મચારીઓ અને બંદોબસ્તમાં રહેલી પોલીસ લાંબી થઈ જતી.
આ મત ગણતરી દરમ્યાન ગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે પણ સાચા ખોટા પ્રવેશ પત્રો અને હોદાના કાર્ડ લગાવી ખટપટીઆઓ પોલીસનું તો માથુ પકવી દેતા તો વળી કોઈક કયાંક દિવાલ ઠેકીને પ્રવેશ કરવા જતા પોલીસને દોડાદોડી થતી આ સતત ચાલતી પ્રક્રિયામાં આવા કોઠા કબડા કરતા અને માતેલા સાંઢ જેવા રાજકીય એજન્ટો તો દર બે બે કલાકે વારાફરતી પોતાના નિવાસ સ્થાને જઈ ને દૈનીક ક્રિયાઓ પતાવી ખાઈ પીને પુરો આરામ કરી સજી ધજીને આખલા જેવા થઈ તે આવી જતા પરંતુ પોલીસ દળના જવાનો તો ફરજ ઉપર જે કાઈ બીસ્કીટ ફીસ્કીટ ચા-પાણીનો મેળ પડે તેનાથી રેડવીને ઉઘ્યા વગર ઝોલાખાતા ટીંગાયેલા જ રહેતા વળી પરિણામ જાહેર થાય પછી વળી પાછો સૌથી આકરો બંદોબસ્ત વિજય સરઘસ ને કેમકે વિજયી પાર્ટી તો પછી ઈચ્છા પડે તે રસ્તે અને ઈચ્છા પડે તે ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ત્રાસા પીપુડા સાથે છાંટો પાણી કરીને નાચતા કુદતા અને હરીફ જુથના વિસ્તારોમાં તો રાડો દેકારો અને દ્વિઅર્થી વ્યંગ સુત્રો પોકારતા નીકળી પડતા આથી પોલીસ તો જેતે હાલતમાં જ કોથળા જેવા રવાના થતા થાણા અમલદાર બિચારો આવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈ બીજો બનાવ ન બને તેની ઉપાધીમાં જ હોય કેમકે જો કાંઈક બને તો વળી પાછી એફઆઈઆરો ધરપકડો આક્ષેપો ઉચ્ચ અધિકારીઓના ધામા તેમની સરભરાઓમાંથી ઉંચો જ આવે નહિ.
આથી જયારે ચૂંટણી જાહેર થાય એટલે પોલીસ દળ અને તેમાં પણ ખાસ તાલુકા મથકના ફોજદારો તો જાણે યુધ્ધ આવી રહ્યું હોય તેમ ચિંતાગ્રસ્ત હાલતમાં ચૂંટણી બંદોબસ્તની પુર્વ તૈયારીઓ કરવા લાગતા કેમકે તેને માટે તો ‘રાત થોડીને વેશ ઝાઝા’ તેમ ટુંકા સમય ગાળામાં મર્યાદિત જવાનોથી સમગ્ર વિસ્તાર અને ગામડાઓમાં ઉપર જણાવેલ તમામ નાટકો અને ખેલોમાં બંદોબસ્તની વ્યવસ્થા કરવા લાગતા છતા તેમની હાલતો પહેલી કહેવત મુજબ ‘બાર સાંધે ત્યાં તેર તુટે’ તેવી થતી.
પરંતુ દેશમાં ચૂંટણી કમિશ્નર તરીકે ભારતીય સનદી સેવાના અધિકારી એવા શ્રી ટી.એન. શેષાનની નિમણુંક થતા તેમણે આવી જૂની ચૂંટણી પ્રથા ઉપર કચકચાવીને બરાબર લગામ મારી અને બંધારણમાં જણાવ્યા મુજબની ખરેખર “Free & Fair આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ કરી અને કડકાઈથી તેનો અમલ પણ ચાલુ કરાવ્યો અને સાચા અર્થમા ભારતમાં મતદાન પ્રક્રિયા પવિત્ર બની.
ચૂંટણી જાહેર થાય એટલે જેતે રાજયનું ચૂંટણી કમીશન સરકાર પાસેથી જેતે મતવિભાગોનાં તાલુકા મથકોથી લઈ જીલ્લા કક્ષાના અધિકારીઓની એવા મતલબની માહિતી મગાવી લે કે જે તે અધિકારીઓતે વિભાગ તાલુકા જીલ્લા અને પોલીસ સ્ટેશનોમાં કેટલા સમયથી ફરજ બજાવે છે. અગાઉ કેટલી વખત ફરજ બજાવેલ જીલ્લો તેમના વતનનો છે કે કેમ? વિગેરે અને ચૂંટણી પહેલા જ જેઓ ત્રણ વર્ષથી વધારે અને અગાઉ પણ તે વિસ્તારમાં ફરજ બજાવી ગયા હોય કે વતનનો જીલ્લો હોય તો તુરત જે તે અધિકારીઓને જીલ્લાથી દૂર બદલી કરવાનું શરૂ થયું કોઈ લાગવગ ભલામણ સરકારની પણ નહિ ! લાયસન્સ પરવાના વાળા હથીયારો પણ પોલીસ સ્ટેશનમાં જમા થવા લાગ્યા. કોઈ પણ રેલી કે સભાઓ સક્ષમ સત્તા અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય નહિ કોઈ પણ વાહનને માઈક કે બેનર લગાડવા માટે પોલીસ અભિપ્રાય સાથે જ‚રી શરતો સાથે જ મંજુરીલેવાના જાહેરનામા પ્રસિધ્ધ થવા લાગ્યા જાહેરસભાઓ કે ચૂંટણી સભાઓમાં જો રાત્રીનાં દસ વાગ્યા પછી માઈક કે લાઉડ સ્પીકર વગાડયું તો તુરત જ તે તેની સામે એફઆઈ આર દાખલ કરી ધરપકડ જાહેરનામા ભંગ બદલ બી.પી.એકટ ક ૧૩૫ કે ભારતીય ફોજદારી ધારાની ક.૨૮૮ મુજબ થવા લાગતા જપોલીસનું અડધુ કાર્ય ભારણ હળવુ થઈ ગયું.
ચૂંટણી કમિશ્નર શેષાન જાણે શેષનાગ હોય તેમ તેના હુકમ‚પી ફુંફાડાથી જીલ્લાના ચૂંટણી તંત્રના અધિકારીઓ તો ખરા જ પણ રાજકારણીઓ પણ ફફડવા લાગ્યા કે આચાર સંહિતાના ભંગ બદલ ધરપકડો તો ઠીક પણ ઉમેદવારો અને રાજકીય પક્ષો પણ ફફડવા લાગેલા કે કયાંક ચૂંટણી મોકૂફ ન રાખી દે કે ઉમેદવારો ગેરલાયક ન ઠેરવી દે ! સતાધારી પક્ષના પદાધિકારીઓ ને સરકારી વાહનનહિ વાપરવા અંગે ફરમાન તો ખરા જ અને ખાનગી વાહનો ઉપર લાલ લાઈટો ઉપર પણ પાબંધી લાગી ગઈ અને રાજકારણી પદાધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સરકારી વિશ્રામ ગૃહો સરકીટ હાઉસોમાં રોકાવા ઉપર પણ પ્રતિબંધ લાગી ગયો આથી અગાઉ જે સરકારી ગેસ્ટ હાઉસોમાં રાજકીય મેળાવડા અને મહેફીલો થતી તે બંધ થતા જગ્યા ફરીને ખાનગી ફાર્મ હાઉસોમાં શીફટ થવા લાગી પરંતુ તેના ઉપર પણ તંત્રની શકરાબાઝ જેવી નજરો રહેવા લાગતા ગેરકાયદેસરના ફેલફતુ‚ બંધ થયા.
વધારામાં બહારના રાજયોનાં ઉચ્ચ અધિકારીઓ તટસ્થ નિરીક્ષકો તરીકે જીલ્લા વાઈઝ નિમાવા લાગ્યા ઉમેદવારોના ખોટા ખર્ચાઓ મહેફીલોનાં ખર્ચાઓના નિરીક્ષણ માટે પણ હિસાબી અધિકારીઓ ફરવા લાગ્યા આથી મહેફીલો જમણવારો ભજીયા, તાવાના કાર્યક્રમો ડાયરા અને સંગીત મજલીસો ઉપર પણ બ્રેક લાગી ગઈ. ચૂંટણી પ્રચાર માટે જે દિવાલો, જાહેર મકાનો અને રોડ રસ્તા કાબર ચિતરા ચિતરાઈ જતા હતા તે કડક આચાર સંહિતાના હિસાબે ભુતકાળની બાબત થઈ ગઈ. આધુનિક સાધનો દ્રશ્ય શ્રાવ્ય (ઓડીયો વિડીયો)ને કારણે ચૂંટણી સભાઓ, રેલીઓનું રેકોર્ડીંગ પણ થવા લાગતા વિચિત્ર વાણી વિલાસ અને અસભ્ય ભાષા પ્રયોગો બંધ થયા ધર્મસ્થળોના ઉપયોગ બંધ થયા અને ઉદઘાટનો કે જાહેર સમારંભો પણ બંધ થયા.
સંવેદનશીલ વિસ્તારો અને મતદાન મથકો માટે અગાઉથી જ પોલીસ સ્ટેશન વાઈઝ એક બે કંપનીઓ (૧૦૦ જવાનો) પેરામીલ્ટ્રી દળો જેવા કે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સીકયુરીટી ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીકયોરીટીફોર્સ, રેલવે પ્રોટેકશન ફોર્સ અને આઈટીબીપી (ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસ)ના જવાનો ફાળવાતા સ્થાનિક પોલીસનું બંદોબસ્તનું ભારણ તો હળવું થયું સામે આ કંપનીઓની વ્યવસ્થાઓ કરવાનું કામ થોડુ વધ્યું.
તેમાં પણ જયારથી ઈલેકટ્રોનીક મતદાન પ્રક્રિયા ઈવીએમ (ઈલેકટ્રોનીક વોટીંગમશીન) શ‚ થતા ત્યારની તમામ ગેરરીતિઓ તો બંધ થઈ તેથી ચૂંટણી પ્રક્રિયાના કર્મચારીઓને ઘણી શાંતી થઈ અને મતગણતરી કર્મચારીઓને તો બહુ મોટી રાહત થઈ કેમકે જે મત ગણતરી સવારે સાત આઠ વાગ્યે શરૂ થાય તેમાં જે જુના સમયમાં પહેલા બેલેટ પત્રકોની ઉમેદવાર વાઈઝ થોકડીઓ થતી પછી તેની ગણતરી થતી તેમાં કોઈ મત ખોટો છે કે કેમ? સિકકો બે ઉમેદવાર વચ્ચે લાગ્યો કે કેમ? અને તેના અનુસંધાને થતી રકઝક બબાલ બંધ થઈ અને પછી બુથ વાઈઝ ટોટલ મરાતા.
પરંતુ ઈવીએમને તો ઉમેદવારો એજન્ટ રૂબરૂ સીલ તોડી ફકત એક કે બે બટન દાબતા જ દરેક ઉમેદવારને મળેલ મતો સ્ક્રીન ઉપર આવી જતા ‘ઘડીના છઠ્ઠા ભાગમાં’એક બુથની ગણતરી પ્રક્રિયા પૂરી થતી જેથી બપોરનાં બાર એક વાગ્યા સુધીમાં તો રમતા રમતા પરિણામ જાહેર થઈ જવા માંડયા છે. વળી ચૂંટણી કર્મચારીઓને જે અગાઉ બેલેટ પત્રો છપાવવાખાનગી પ્રેસ ઉપર જવું પડતુ ત્યાં પણ સજજડ પોલીસ પહેરો મૂકાતો વિગરે માથાકૂટ મટી ગઈ.
વળી ચૂંટણી કમિશનની એવી આકરી આચાર સંહિતાક લાગુ પડે છે કે જો કોઈ વ્યકિત આચારસંહિતાના નિયમનો ભંગ કરે એટલે તુર્ત જ એફઆઈઆર થવા લાગી અને જો કોઈ ચૂંટણી કર્મચારી પોતાની ફરજ ચૂક કરે તો જીલ્લામેજીસ્ટ્રેટ તાત્કાલીક ચૂંટણી કમિશન વતી તે કર્મચારી ભલે ગમે તે ખાતાનો હોય પણ તુરત જ ફરજ મોકૂફીનો હુકમ ઈસ્યુ કરી દેવા લાગતા દરેક કર્મચારી સતત પોતાનાકામ અને કાર્યક્ષેત્રમાં કયાંય આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે પૂરી તકેદારી રાખવા માંડયા છે.
ટુંકમાં ચૂંટણી કમિશ્નર શેષાનની આકરી ચૂંટણી આચારસંહિતા એ આમ જનતાને તો શાંતિ કરાવી સાથે સાથે પોલીસ તંત્રને પણ ચૂંટણી દરમ્યાનના નાટક ભવાડાના ખોટા બંદોબસ્ત અને તણાવમાંથી મૂકિત મળી ગઈ અને લોકશાહીની સાચી ઓળખ એવી ચૂંટણી પ્રક્રિયા સાચા અર્થમાં પવિત્ર અને શુધ્ધ બની અને આખી દુનિયામાં તેની નોંધ લેવાવા માંડી છે.