વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામ સ્વરૂપ પ્રોજેક્ટની મુલાકાત લેતા સમિતિના સભ્યો: જયપુર રાજકુમારી દિયાકુમારીજી, હીઝ હાઇનેસ મહારાવ શિરોહી, રઘુવીરસિંહજી, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, મેહરનગઢ કિલ્લા મ્યુઝિયમના ડીરેક્ટર, જાસોલના કુમાર સાહેબ કરણીસિંહજીએ ક્ધસલ્ટન્ટ સાથે ચર્ચા કરી
કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આકાર લઈ રહેલા દેશના તત્કાલીન 56ર રજવાડાંના એક અપ્રતિમ સંગ્રહાલયની મુલાકાત આ પ્રોજેક્ટ માટે બનેલી સમિતિના સભ્યોએ ગઈકાલે તા. 3 ઓક્ટોબરે લીધી હતી અને કેવી રીતે આખી યોજનાને સાકાર કરવી એના અંગે ચર્ચા કરીને મ્યુઝિયમના ક્ધસલ્ટન્ટ સાથે પણ એ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.
ભારતની આઝાદી પછી એને સુગ્રથિત કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું ઘણું મોટું યોગદાન હતું. વિવિધ રિયાસતોને એક તાંતણે બાંધી એમણે એક ભારત આપ્યું. વલ્લભભાઈની આ પ્રક્રિયામાં દેશના એ રજવાડાં-રાજવી પરિવારોનો સહયોગ પણ અગત્યનો હતો. એટલે જ સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ 56ર રજવાડાંનો ઈતિહાસ કાયમ માટે જીવંત થાય એવુ એક વિરાટ અને વિશિષ્ટ મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય થયો છે. પ્રતિમાની જેમ આ મ્યુઝિયમ બનાવવાનો વિચાર પણ દેશના વિચક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.
મ્યુઝીયમની યોજનાને કેવી રીતે આકાર આપવો એના માટે સમિતિએ સ્થળની મુલાકાત લીધી હતી. પુર્વ અધિક મુખ્ય સચિવ એસ એસ રાઠોડ, લોકસભાના સદસ્યા અને જયપુરના રાજકુમારી દિયાકુમારીજી, પદ્મશ્રી હીઝ હાઈનેસ મહારાવ રઘુવીરસિંહજી ઓફ શિરોહી તથા રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, મેહરનગઢ કિલ્લા મ્યુઝિયમના ડીરેક્ટર, જાસોલના કુમાર સાહેબ, કરણીસિંહજી, આર્ક્યોલોજી અને મ્યુઝિયમ વિભાગના ડીરેક્ટર પંકજ શર્મા આ બેઠક અને સ્થળ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝીયમ કેવી રીતે બનશે, કેટલી ગેલેરી રાખવી અને ક્યાં શું નિદર્શન માટે મુકવું એની ચર્ચા કરી હતી. સમગ્ર ભારતના રજવાડાંનો ઈતિહાસ ત્યાં પ્રસ્તુત થવાનો હોવાથી કેવી રીતે આખી ગોઠવણ કરી શકાય એની ચર્ચા પ્રોજેટના ક્ધસલ્ટન્ટ સાથે કરી હતી.
સમિતિએ વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પણ મુલાકાત લીધી હતી. વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા પછી હવે સૌથી વિશેષ મ્યુઝિયમ બની રહ્યું છે એમાં પણ નરેન્દ્રભાઈનો જ વિચાર છે તે પણ નિયતિનો શુભસંકેત છે. આપણી રાષ્ટ્રભક્તિ, રજવાડાંઓના સમર્પણ અને શુરવીરતાના જીવંત દસ્તાવેજો ત્યાં સંગ્રહિત થશે એ સ્થળ પણ એક સીમાચિહ્નરૂપ બની રહેશે.