લાલ ઈંટોથી કંડારાયેલુ છઠ્ઠી સદીનું આ લક્ષ્મણ મંદિર વાસ્તુ અને સ્થાપત્ય કલાનો ઉતમ નમુનો

શાહંજહાએ જેમ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો તેમ રાણી વાસટા દેવીએ રાજા હર્ષગુપ્ત માટે આ મંદિર બનાવેલું

ભારતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેની પાછળ અચરજ પમાડે તેવા તથ્યો જોડાયેલા છે. આવા અદભુત સ્થળો મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દેશ-વિદેશથી લોકો આવા સ્થળોની મુલાકાતે આવે છે. અનોખી શૈલી અને સ્થાપત્યની વિવિધતાના કારણે સ્મારકો અલગ જ આકર્ષણ ઉભુ કરે છે ત્યારે આવું જ એક લાલ ઈંટોથી બનેલુ મંદિર છે કે જે છતિસગઢના સિરપુરમાં આવેલું છે. આ લાલ મંદિર ત્યાંના રાણી વાસટા દેવીના મૌનપ્રેમનું પ્રતિક ગણાય છે. ભારતમાં યુપીના આગ્રા ખાતે જેમ શાહજહાંએ તેમની પત્ની મુમતાઝ માટે ઈ.સ.૧૫૯૩ થી ૧૬૩૧ દરમિયાન તાજમહેલનું નિર્માણ કરાવેલું તેમ વિધવા રાણી વાસટા દેવીએ તેમના પતિ હર્ષગુપ્તની સ્મૃતિ માટે છઠ્ઠી સદીમાં બનાવ્યું હતું. તાજમહેલ સંગેમરમરના સફેદ પત્થરોથી કંડારાયેલ છે તો આ સિરપુરનું મંદિર લાલ ઈંટોથી કંડારાયેલુ છે. આ મંદિર લક્ષ્મણ મંદિર તરીકે ઓળખાય છે. ૧૫૦૦ વર્ષ જુનુ આ ઐતિહાસિક મંદિર ટુરીસ્ટોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મુલાકાતે આવેલા લોકો આ મંદિરના વખાણ કરતા નથી થાકતા. ખાસ કરીને આ મંદિરનો લાલાશ પડતો રંગ અને વાસ્તુ તેમજ સ્થાપત્ય કલાની મુસાફરો પ્રશંસા કરે છે. મંદિરના પ્રવેશદ્વાર પર લાલ પત્થરોમાં ભગવાન વિષ્ણુની દશાવતારની પ્રતિમાઓ કંડારાઈ છે જે વિશેષ આકર્ષણ ઉભુ કરે છે. રાણી વાસટા દેવીએ તેમના પતિ રાજા હર્ષગુપ્ત માટે આ મંદિર બંધાવેલું જે તેમના મૌન પ્રેમનું પ્રતિક ગણાય છે.

વાત કરીએ, સિરપુરની તો આ નગરી છતિસગઢની રાજધાની રાયપુરથી ૮૦ કિમી દુર મહાનદીના તટ પર આવેલી છે જે પ્રાચીન સમયમાં દક્ષિણ કૌશલની રાજધાની શ્રીપુર તરીકે ઓળખાતી હતી. અહીંથી ઐતિહાસિક સમયની બુઘ્ધ, શૈવ, વૈષ્ણવ અને જૈન એમ તમામ ધર્મોની પાષાણની પ્રાચીન પ્રતિમાઓ મળી આવેલી છે. આ બાબત શ્રીપુરની સર્વધર્મ સમભાવની સંસ્કૃતિને ઉજાગર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.