વેરાવળ તાલુકામાં ઓછા વરસાદના કારણે હિરણ ડેમ તળિયાઝાટક
હિરણમાંથી રેયોન અને જી.એચ.સી.એલ.કંપનીને અપાતું પાણી બંધ કરવા નગરસેવક અફઝલ પંજાની જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત
સમગ્ર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે લોકો પાણી માટે ખૂબ પરેશાન છે. વેરાવળ તાલુકામાં આવેલ હિરણ ડેમ પાણી માટેની જીવાદોરી છે ત્યારે હાલ ચોમાસુ નબળું થયેલ છે જેથી હિરણ ડેમ ખાલી ખમ થયું છે અને પીવાના પાણીની ખૂબ મોટી તંગી સર્જાય તેવી સ્થિતિ આવી બની છે.
હાલ હિરણ ડેમમાં ફક્ત 35 દિવસ ચાલે તેટલું જ પાણી છે અને આ પાણી પણ જો ઔધોગિક એકમ રેયોન અને જી.એચ.સી.એલ.ને આપવામાં આવે તો આ પાણી લોકોને પીવા માટે 20 દિવસ પણ નહિ મળે. જો ચોમાસુ હજુ નબળું બને અને વરસાદ ન થાય તો વેરાવળ તાલુકામાં પીવાની પાણીની ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાશે તે માટે સરકારે પૂર પહેલા પાર બાંધવી જોઈએ અને આ ઔધોગિક એકમોનું પાણી હિરણ ડેમમાંથી સંપૂર્ણ બંધ કરવું જોઈએ.
વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાના નગરસેવક અફઝલ પંજાએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરેલ છે કે, રેયોન અને જી.એચ.સી. એલ.એ વર્ષોથી હિરણમાંથી અમૂલ્ય પાણી વર્ષોથી ઉપયોગ કરે છે ત્યારે હાલ વેરાવળમાં પાણીની તંગી ઉભી થયેલ છે તો આ બંન્ને ઔધોગિક એકમોએ લોક કલ્યાણ માટે આગળ આવવું જોઈએ અને તેમના ખાનગી કૂવા અને અન્ય સ્ત્રોત દ્વારા લોકોની પીવાના પાણીની તંગીને દૂર કરીને તેમની ફરજ નિભાવવી જોઈએ.