અદાણી બાદ વધુ એક કંપની વિશે રિપોર્ટ કરવાના હિંડનબર્ગ એક ટ્વીટથી વિશ્વભરમાં ભારે અચંબો
અગાઉ અદાણી વિશે રિપોર્ટ જાહેર કરીને આખા ગ્રુપની ઉથલપાથલ સર્જી દેનાર હિંડનબર્ગ દ્વારા વધુ એક ધડાકો કરવાની સત્તાવાર જાહેરાત કરવાંમાં આવી છે. જેને પગલે વિશ્વભરના રોકાણકારો અચંબામાં મુકાઈ ગયા છે.
પોતાના અહેવાલો દ્વારા શેરબજારમાં હલચલ મચાવનાર હિંડનબર્ગ રિસર્ચે હવે ટૂંક સમયમાં વધુ એક ‘મોટો રિપોર્ટ’ લાવવાનું કહ્યું છે. શોર્ટ સેલિંગ ફર્મે ટ્વીટમાં કહ્યું કે ટૂંક સમયમાં મોટો રિપોર્ટ આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે હિંડનબર્ગના અગાઉના અહેવાલને કારણે ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં, અદાણીની ઘણી કંપનીઓ સેબીની દેખરેખ હેઠળ પણ હતી.
હિન્ડેનબર્ગ રિસર્ચ એ નાણાકીય સંશોધન પેઢી છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ બજારો પરના ડેટાનું વિશ્લેષણ કરે છે. તેની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. હિન્ડેનબર્ગ રિસર્ચ હેજ ફંડ બિઝનેસ પણ ચલાવે છે. તે કોર્પોરેટ જગતની પ્રવૃત્તિઓ વિશે ખુલાસો કરવા માટે જાણીતું છે. કંપનીનું નામ 1937માં થયેલી હિન્ડનબર્ગ દુર્ઘટના પર આધારિત છે, જ્યારે જર્મન પેસેન્જર એરશીપમાં આગ લાગી હતી, જેમાં 35 લોકો માર્યા ગયા હતા.
કંપની શોધે છે કે શું શેરબજારમાં નાણાંનો કોઈ ગેરઉપયોગ થયો છે? શું કોઈ પણ કંપનીના ખાતાની ગેરવ્યવસ્થા પોતાને મોટું નથી બતાવી રહી? શું કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં ખોટી રીતે દાવ લગાવીને અન્ય કંપનીઓના શેરને નુકસાન તો નથી કરી રહી?
અદાણી ગ્રુપ પહેલું એવું નથી કે જેના પર યુએસ ફર્મે રિપોર્ટ જારી કર્યો હોય. આ પહેલા તેણે અમેરિકા, કેનેડા અને ચીનની લગભગ 18 કંપનીઓ પર અલગ-અલગ રિપોર્ટ્સ પ્રકાશિત કર્યા હતા, જેના પછી ભારે હોબાળો થયો હતો. મોટાભાગની કંપનીઓ અમેરિકાની હતી, જેના પર જુદા જુદા આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
હિંડનબર્ગનો સૌથી ચર્ચિત રિપોર્ટ અમેરિકાના ઓટો સેક્ટરની મોટી કંપની નિકોલા વિશે હતો. આ રિપોર્ટ બાદ નિકોલાના શેર 80 ટકા તૂટ્યા હતા. નિકોલા પરના અહેવાલમાં વ્હિસલબ્લોઅર્સ અને ભૂતપૂર્વ કર્મચારીઓની મદદથી કથિત છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. નિકોલાના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ટ્રેવર મિલ્ટને તરત જ કંપનીમાંથી રાજીનામું આપ્યું. રિપોર્ટ બાદ કંપની તપાસ હેઠળ છે.