છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ: સવારથી 58 તાલુકાઓમાં મેઘ મહેર
ચાલુ સાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 88.35 ટકા વરસી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સવારે બે કલાકમાં 58 તાલુકાઓમાં મેઘ મહેર વરસી રહી છે. હજી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષ સોળ આનીથી સવાયુ રહે તેવા સુખદ એંધાણ વર્તાય રહ્યાં છે.
ગુજરાતમાં આ વર્ષ આજસુધીમાં સિઝનનો કુલ 76.44 ટકા વરસાદ વરસી ગયો છે. 1991થી 2020 સુધીના સમયગાળામાં રાજ્યનાં ચોમાસામાં સરેરાશ 840 મીમી વરસાદ પડ્યો છે. આ વર્ષ આજસુધીમાં 642.06 મીમી વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનના 77.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.40 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 67.87 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 88.35 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 75.50 ટકા વરસાદ વરસી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 141 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. છોટાઉદેપુરના ક્વાંટમાં 96મીમી, સુરતના બારડોલીમાં 93 મીમી, મહુવામાં 91 મીમી, નડીયાદમાં 80 મીમી, બોડેલીમાં 74 મીમી, છોટાઉદેપુરમાં 74 મીમી, માતરમાં 71 મીમી, ધોળકામાં 66 મીમી, જોટાનામાં 64 મીમી, વસોમાં 60 મીમી, સાણંદમાં 56 મીમી, દેડીયાપાડામાં 55 મીમી, ગણોવીમાં 54 મીમી, જેતપુર પાવીમાં 52 મીમી, ઉમરપાડામાં 52 મીમી, ઉંઝામાં 49 મીમી, પાલસણામાં 49 મીમી, સંજેલીમાં 44 મીમી વરસાદ પડ્યો હતો.
આજે સવારે બે કલાકમાં રાજ્યનાં 58 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ડેડીયાપાડામાં બે ઇંચ, સુરતના મહુવામાં પોણા બે ઇંચ, ક્વાંટમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.