રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ: કચ્છમાં 70.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા સાથે રાજ્યમાં સરેરાશ 69.24 ટકા વરસાદ વરસી ગયો
એક પખવાડીયા પૂર્વે સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા. સૌરાષ્ટ્રની કોરીભઠ્ઠ જમીન પર મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવતા આજે સ્થિતિ ફરી ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 80.50 ટકા જેટલો વરસી ગયો છે. હજુ ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોવાના કારણે સૌરાષ્ટ્રમાં 16 આનીથી પણ સવાયુ વર્ષ રહે તેવી સુખદ સંભાવના વર્તાઈ રહી છે.
આજ સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 69.24 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રીઝીયનમાં 70.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 57.69 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 80.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. રાજ્યમાં 1991 થી લઈ 2020 સુધીમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 840 મીમી જેટલો વરસાદ પડે છે. જેની સામે આજ સુધીમાં 581.61 ટકા એટલે કે, 69.24 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં 53.41 ટકા, રાજકોટ જિલ્લામાં 96.65 ટકા. મોરબી જિલ્લામાં 72.11 ટકા, જામનગર જિલ્લામાં 96.42 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 98.19 ટકા. પોરબંદર જિલ્લામાં 96.28 ટકા, જૂનાગઢ જિલ્લામાં 92.15 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 72.22 ટકા, અમરેલી જિલ્લામાં 74.38 ટકા, ભાવનગર જિલ્લામાં 68.60 ટકા અને બોટાદ જિલ્લામાં 80.50 ટકા વરસાદ વરસી ગયો છે. ધોરાજી, ગોંડલ, કોટડા સાંગાણી, લોધીકા, ધ્રોલ, કાલાવાડ, દ્વારકા, પોરબંદર, વેરાવળ, સુત્રાપાડા, વિસાવદર, માંગરોળ અને માણાવદર તાલુકામાં સીઝનનો 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. હજુ ગુરુવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. ચાલુ સપ્તાહે જ સૌરાષ્ટ્રમાં મૌસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી જાય તો પણ આશ્ર્ચર્ય કહેવાશે નહીં.