ખેડુતોને રૂ.1127 અને ફૂટ શાકભાજીના ફેરીયાઓને રૂ.36.51 લાખ ચૂકવાયા
જૂનાગઢ જિલ્લો એટલે બાગાયત પાકોનાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે જિલ્લામાં ફળ, શાકભાજી અને મરી મસાલાનું સારૂ એવું ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ 2021-22માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અંદાજે 70000 હેકટર જેટલો હતો.. જેમાં ફળપાકો 15,500 હેકટર, શાકભાજી 18,000 હેકટર તથા મરી મસાલાના પાકોનું 35,500 હેકટરમાં વાવેતર થયુ હતુ.
બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને અને લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજુ સ્થાને ધરાવે છે. તેમ જણાવી નાયબ બાગાયત નિયામક હિમાંશુ ઉસદડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-22માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતકાર ખેડૂતોને ખેતરે પેક હાઉસ ઉભા કરવા, શોર્ટીંગ ગ્રેડીંગના સાધનો વસાવવા, ફળ તથા શાકભાજી પાકોના નવા વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેકટર, પાવર ટીલર, ડ્રીપ ઇરીગેશન સહિતની સવલતો માટે 6341 લાભાર્થીને કુલ રૂા.1127.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં બાગાયત પાકો અંગે કુલ 1129.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં બાગાયત વિકાસ કાર્યક્રમમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂા.384.15 લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે રૂા.22.48 લાખ, ગુજરાત હોર્ટીકલ્ચર મિશનમાં સામાન્ય જાતીના ખેડૂતો માટે રૂ.677.94 લાખ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 29.23 લાખ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં 7.11 લાખ, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં 1.28 લાખ અને કેનિંગ યોજનામાં 5.30 લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું નાયબ બાગાયત નિયામકશ્રી દ્રવારા વધુમાં જણાવાયુ હતુ.