અબતક,રાજકોટ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર તળે સૌરાષ્ટ્રમાં બે દિવસ સાર્વત્રિક અનરાધાર વરસાદ પડયા બાદ આજથી વરસાદનું જોર ઘટી જશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે. દરમિયાન આગામી સોમવારે બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેશર બની રહ્યું છે.

જેની અસર તળે સૌરાષ્ટ્રમાં આવતા સપ્તાહે ૧૫ અને ૧૬મી સપ્ટેમ્બરના રોજ સાર્વત્રિક વરસાદના વધુ એક રાઉન્ડ આવશે એક સપ્તાહ પૂર્વે જયાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા તેવા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાંબેલાધારે વરસેલા વરસાદના કારણે એક જ દિવસમાં પાક અને પાણીનું ચીત્ર પલટાય ગયું છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન સવારથી ૩૮ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો -પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ ઉતર રાજસ્થાન તરફ ફંટાઈ જવા પામી છે. જેના કારણે આજથી વરસાદનું જોર ઘટી જશે. આગામી ૧૨મી સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં લોકલ ફોર્મેશનના કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. ઉતર ગુજરાતમાં વરસાદનું જોર થોડુ વધુ રહેશે દરમિયાન આગામી સોમવારે બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સર્જાશે જેની અસર ૧૫ અને ૧૬મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આવતા સપ્તાહે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે.

સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર ઘટશે: હવે ક્યારે વધી એક રાઉન્ડ ? જાણો શું કહે છે હવામાન ખાતું

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. સાંબરકાંઠાના થાણોદ અને અરવલ્લીના મેઘરજમાં ચાર ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. દેહગામમાં ૩ ઈંચ, ઉંઝામાં અઢી ઈંચ સિધ્ધપુર, માણસા, સરસ્વતી વસોમાં અઢી ઈંચ, પ્રાંતીજ, સોજીત્રા, ઉમરેઢ, મોડાસામાં બે ઈંચ, પાલનપુર, નડીયાદ, લખતર, તારાપુર, પાટણ, આણંદમાં પોણા બેઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં બૂધવારે સાર્વત્રીક વરસાદ વરસ્યા બાદ ગૂરૂ વારે હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે સવારથી જ રાજયમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉતર ગુજરાતમાં વધુ વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર અને દાંતામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. ડીસામાં બે ઈંચ, હળવદ અને વડગામમાં એક એક ઈંચ વરસાદ વરસી ગયો છે. ૩૮ તાલુકાઓમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.