“ભારત રત્ન સચિનને અપાયો તેનાથી દંતકથા રૂપ હોકીના ખેલાડી ધ્યાનચંદજીનું દેશ માટેનું યોગદાન કાંઈ ઓછુ થઈ જતું નથી કે ઝંખવાતું નથી તે તેના સ્થાને જ છે
અધૂરૂ સત્ય
સતરેક વર્ષ પહેલા પીઆઈ જયદેવ જયારે પોરબંદર તાલુકા પોલીસ સ્ટેશન બગવદર ખાતે ફોજદાર હતો ત્યારે તે સમયની કિમંત આશરે સાડા ત્રણ કરોડ રૂપીયાની ચાંદી ભરેલું દાણચોરીનું વહાણ તેણે દરિયાકાંઠે પકડેલું. જે તે સમયે અધિકારીઓની હુંસાતુંસી ને કારણે માલપકડનાર અધિકારીઓ કર્મચારીઓ ને મળવા પાત્ર રોકડ રકમના રીવોર્ડઝની બાબત જ ટલ્લે ચડેલી અને આખરે સત્તર અઢાર વર્ષ (બે દસકા) બાદ ‘ભાંગ્યાના વટાવ’ જેવી રીવોર્ડની રકમ રૂા.૮૦૦૦નો ડીમાન્ડ ડ્રાફટ ભારત સરકાર દ્વારા જયદેવે પોતે કરેલી લાંબી કાર્યવાહી બાદ મળેલી (જુઓ પ્રકરણ ૯૬ ‘અધુરૂ સત્ય’)
ભૂજ ખાતે જયદેવને મળેલ આ રીવોર્ડની રકમ તેનો થયેલ હુકમ વિગેરે વિગતવારની માહિતી કચ્છ જિલ્લા પોલીસ વડાને પોતાના સર્વીસ રેકર્ડમાં આ બાબતની નોંધ કરવા માટે મોકલી આપેલી તેની નોંધ થયેલી કે કેમ તેની પણ જયદેવે કોઈ દરકાર કરેલ નહિ કેમકે હવે તેની નિવૃત્તિ સાવ નજીક આવી ગઈ હતી.
પરંતુ ત્યારબાદ ગુજરાત રાજય સ્થાપનાને પચાસ વર્ષ પુરા થતા હોઈ રાજય સરકારે તે વર્ષ સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે ઉજવવાનું નકકી કરેલું આ વર્ષ દરમ્યાન સરકાર દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યો કરવા ઉફરાંત વિવિધ ક્ષેત્રનાં વિશિષ્ટ વ્યકિતઓના સન્માન કરવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા જેમાં વિવિધ સરકારી ખાતાઓમાં પણ નિષ્ઠાપૂર્વક અને સફળતાથી ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓના સન્માન કરવાનું નકકી થયેલું પોલીસ દળમાં જે કર્મચારી અધિકારીએ સમગ્ર જિલ્લામાં પોતાના ફરજ ગાળામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી હોય એટલે કે વધુમાં વધુ ઈનામો અને રીવોર્ડઝ મળેલા હોય તેવા અધિકારીઓ કર્મચારીઓનાં સર્વિસ રેકર્ડ જોઈને નકકી કરવામાં આવી રહ્યું હતુ કે કોણ પોલીસ અધિકારીને સ્વર્ણિમ ગુજરાત સર્વશ્રેષ્ઠ કામગીરીનો શિલ્ડ એનાયત કરવો.
પોલીસ ખાતામાં અધિકારીઓ માટે મેડલ અને પોસ્ટિંગ (નિમણુંક અને બદલી) આ બે બાબત ઉપરી અધિકારી અને રાજકારણ (સત્તાધીશ સરકાર)ને જ આધીન હોય છે. અનુભવે એવું જણાયેલ છે કે ઘણી વખત કાર્યદક્ષતા લાયકાતને બદલે પેલી કહેવત રાજાને ગમી તે રાણી અને છાણાવિણતી આણી મુજબ પણ ચાલતું હોય છે. આજ પધ્ધતીએ તે સમયે કચ્છના જૂના પોલીસ વડાએ જેને રાપર સીપીઆઈ તરીકે શિક્ષામાં નિમણુંક કરેલ તે જ અધિકારીને નવા પોલીસ વડાએ પ્રથમ ગાંધીધામ અને પછી આખા જિલ્લાનો વહીવટ કરવા કચ્છ ભૂજ ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક આપેલી !
‘હાથમાં તેના મોમાં’ તે માનવ સહજ ન્યાયે જે મુખ્ય કચેરીમાં કી પોસ્ટ ઉપર હોય તે અધિકારી આવો કોઈ લાભ મળતો હોય તો લેવા તે જ પ્રયત્ન કરે અને પોલીસ વડાની રહેમ દ્રષ્ટિ પણ તેની ઉપર જ હોય કેમકે સમગ્ર જીલ્લાનો વહીવટ આ અધિકારી હસ્તક હોય છે.
સ્વર્ણિમ ગુજરાત
સ્વર્ણિમ ગુજરાતનાં આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પોલીસ દળમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કોની તેનું મૂલ્યાંકન શરૂ થયું જોકે જયદેવને આવી કોઈ સ્પર્ધામાં હવે રસ પણ ન હતો કે નહતી કોઈ એવી મહેચ્છા કેમકે તેના માટે તો પોતાનું સુત્ર હતુ ‘યોગ: કર્મષુ-કૌશલમ્! (કાર્યમાં નીપૂણતા એજ પ્રાપ્તી છે) અને હવે નિવૃત્તિ પણ સાવ નજીક આવી ગઈ હતી. તેથી તેને મેડલ મેળવવાનો કોઈ શોખ રહ્યો નહતો જીલ્લાના અધિકારીઓની કામગીરીની સમિક્ષા ચાલી રહી હતી તે દરમ્યાન જયદેવને ભૂજ ખાતેથી ખાનગી સુત્રોમાંથી જાણવા મળ્યું કે પેલા રાપર સીપીઆઈથી ભૂજ ક્રાઈમ બ્રાંચમાં પહોચેલા અધિકારીએ પોતે છેલ્લા દોઢ બે વર્ષમાં જે પણ સારી કામગીરી કરેલી તેના ઈનામો તો જે તે સમયે લઈ લીધેલા પરંતુ સામાન્ય અને નગણ્ય કામગીરીના પણ પોણોસો જેટલા રીવોર્ડ સ્ટેટમેન્ટ એકી સાથે ભરી ને સીધા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા અને મામકા:વાદ પ્રમાણે પોલીસ વડાએ પણ તેની ઉપર રહેમ દ્રષ્ટિ રાખી સીતેર જેટલા રીવોર્ડઝ એકી સાથે મંજૂર કર્યા ! પરંતુ તેમના કમનસીબે તે નવા મળેલ રીવોર્ડઝ સહિત કુલ રીવોર્ડઝનો આંકડો જયદેવના ૫૨૪ (પાંચસો ચોવીસ) રીવોર્ડઝના આંકને આંબી શકયો નહિ.
આખરે વિવિધ સ્પર્ધાઓ, હરીફાઈઓને અંતે ભૂજ પોલીસ હેડ કવાર્ટરમા એક ભવ્ય કાર્યક્રમમાં આ ’કચ્છ જિલ્લા સ્વર્ણિમ્ ગુજરાત સર્વ શ્રેષ્ઠ કામગીરી’નો શિલ્ડ બોર્ડર રેન્જ આઈ.જી.પી. ના હસ્તે જયદેવને એનાયત થયો.
દેશમાં આઝાદી આવી, પોતાનું બંધારણ અમલમાં આવ્યું જેમાં દરેક ક્ષેત્રમાં સારી પ્રગતી થાય તે માટે તંદૂરસ્ત હરીફાઈઓ પણ થાય તે માટે માનવ સંશાધન રણનીતિ મુજબ વર્તમાન યુગમાં પ્રતિભા સંપન્ન, કાર્યદક્ષ અને પ્રતિબધ્ધ એવી વ્યકિત (અધિકારી-કર્મચારી)ને તેમના પ્રશંસનીય કાર્ય સબબ સમયાંતરે રીવોર્ડઝ આપતા જ રહેવું જોઈએ જેથી તેઓ તેમની કાર્યદક્ષતા, ગુણવત્તા, યોગદાન અને અનુભવનો પ્રસંગોપાત ઉપયોગ કરતા રહે. કેમકે તેથી તેઓ અન્યથી પોતાને ચડીયાતા ગણે છે. અને આ મરબતો (સ્ટેટસ)જાળવી રાખવા સતત પ્રયત્નશીલ રહે છે.
પરંતુ તે સમયે પોલીસદળમાં આ સિધ્ધાંતથી સાવ અવળુ જોવા અનુભવવા મળતુ હતુ ત્યારે લાગવગ માખણપટ્ટી વ્યકિતગત સેવાને પ્રાધાન્ય અપાતું હતુ જો કાંઈ પાછળ વધે તો કાર્યદક્ષને, પણ લોબીંગ અને ભલામણો તો ઉપર જણાવેલાની એટલે કે ચમચાઓની જ થતી જોકે કાર્યદક્ષોનો વારો આવતો પણ અમુક તો બાકી રહી જ જતા.
મેડલોમાં રાજકીય ઘુસણખોરી
જેતે સમયે જે માન, સન્માનો, મેડલો, રીવોર્ડ એનાયત થતા તે દેશના બંધારણ મુજબ સમગ્ર દેશ વતી સરકારની ભલામણથી રાષ્ટ્રપતી કે અન્ય સન્માનીય વ્યકિત દ્વારા એનાયત થતા પરંતુ સમયાંતરે અગાઉ જણાવ્યું તે પ્રમાણે તંત્રમાં સડો લાગતા તેમજ રાજકીય ચંચુપાતને કારણે મામકાવાદને લઈને સતાધારીઓએ જે દેશહિતનું કાર્ય કરતા હતા તેમની સાથે સાથે તેમની પક્ષીય વિચારધારાના અને તેમની ભલામણ વાળાઓની ઘૂંસણખોરી પણ શરૂ કરાવેલી જેથી તેમને પણ પદ ઉપરાંત માન, અકરામ, સન્માનો, મેડલો અને એવોર્ડઝ મળવા લાગેલા.
દેશમાં સત્તા પરીવર્તન થતા અને તે પછી આવડા મોટા વિશાળ દેશમાં અજ્ઞાનતાને કારણે કે માન્યતાઓને કારણે છેવાડે પણ કયારેક કોઈક અનિચ્છનીય, નીંદનીય અને ધૃણાસ્પદ બનાવો પણ બનતા હોય છે. બેશક કોમી ખૂન ખરાબાના ગુન્હા નીંદદનીય જ છે. પણ સાથે સાથે કોમી માનસીકતા અને રાજકીય રીતે મત લાલસામાં જો કોમી તૃષ્ટિગુણ સંતોષવા માટે કાર્યક્રમો કે આંદોલનો થાય અને રાજકીય રીતે તે હેતુથી જ ખાસ લાભ અપાય તે તો અતિનિંદનીય મનોવૃત્તિ જ કહેવાય આવો એક નિંદનીય ધૃણાસ્પદ ગુન્હો ઉતર પ્રદેશ રાજયના દાદરી ગામે બન્યો જેમાં કોમી માનસીકતા માન્યતામાં એક હત્યાનો ગુન્હો બન્યો. ઉત્તર પ્રદેશમાં શાસનતો સમાજવાદી પાર્ટીનું હતું પરંતુ રાષ્ટ્રીય પાર્ટી રાજકીય રીતે મત બેંક સાચવવાની લ્હાયમાં જે રાજયમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી રાજયની સમાજવાદી પાર્ટી સરકારની હતી તેને બદલે કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકાર ઉપર તૂટી પડી અને આક્ષેપો શરૂ થયા કે દેશમાંથી સહિષ્ણુતા જતી રહી છે. આ તમામ આક્ષેપ બાજી વચ્ચે ભૂતકાળમાં અમૂક લોકોને રાષ્ટ્રીય પાર્ટીની સરકાર વખતે એવોર્ડ, સન્માનોકે રીવોર્ડઝ મળેલા તેઓ આ એક બનાવને કારણે આ સન્માનો પાછા આપી દેવા ફેંકવા લાગેલા, અમુક ભડના દીકરા તો દેશ રહેવા જેવો નથી વિદેશમાં જવાની વાતો કરવા લાગેલા જે ધનવાન ભીખારીઓ હજુ પણ આ દેશમાં જ છે. બીજા દેશમાં તેમની ફૂટી કોડી પણ ઉપજે તેમ નથી.
જોકે એકલ દોકલ બનાવો આટલી વિશાળ વસ્તીવાળા દેશમાં આકસ્મીક બનતા જ હોય તેના પરથી સમગ્ર દેશ કે સમગ્ર દેશની બંધારણીય વ્યવસ્થા કે માનસીકતામાં પરિવર્તન થઈ ગયું છે તેમ ન કહી શકાય, પરંતુ રાજકારણ એટલે રાજકારણ પોતાની રાજકીય મૂડી મતબેંક સજજડ બનાવવા અને પોતે જ હામી છે તે દર્શાવવા માટે નાના નાના બનાવોમાં પણ કયારેક મોટો તાયફો કરતા હોય છે જેમાં પોતાની રાજકીય સક્રિયતા છે તે દર્શાવવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ તેનાથી દેશની એકતાને અને વિદેશમાં દેશની છાપને કેટલુ નુકશાન થાય છે. તેની કોઈને વિચારવાની પણ પડી નથી.
આવા કારણોસર જ તાજેતરમાં દેશની સુપ્રિમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઉપર રાજકારણીઓ હાવી થઈને સક્ષમ અને લાયક ક્રિકેટરો ને અન્યાય ન થાય તેમજ અન્ય કોઈ વહીવટી ગેરરીતિ પણ ન થાય અને રાજકીય લાગવગીયા ઘૂંસી ન જાય તે માટે લોઢા કમિશન રૂપી સેન્સર મૂકયું છે.
મેડલો અંગે વિવિધ મંતવ્યો!
મેડલો અને સન્માનો અંગે સમયાંતરે ઉચ્ચ અદાલતો પ્રિન્ટમીડીયા દ્વારા દેશના પ્રબુધ્ધ નાગરીકોના મંતવ્યો અને વિચારો પ્રસિધ્ધ થયેલા તે જોઈ લઈએ.
ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન ચીફ જસ્ટીસ શ્રી જે.બી.પારડીવાળા એ સને ૨૦૧૫ની સાલમાં તિસ્તા શેતલવડ ટ/જ ગુજરાત રાજય ગુલમર્ગ સોસાયટી અમદાવાદના રહીશોના કિસ્સામાં એવું ઠરાવેલું કે મેડલ મેળવવાથી શ્રેષ્ઠ નથી થવાતું પણ જેની આબરૂ સારી હોય તે જ શ્રેષ્ઠ હોય છે.
ગુજરાતી દૈનિક પત્ર સંદેશની અર્ધ સાપ્તાહિક પૂર્તિના છપ્પન વખારી નામના કોલમમાં લેખક તેજસ વૈધ એ વિવિધ મેડલો એવોર્ડો જેવા કે ભારત રત્ન, નોબેલ પ્રાઈઝઈ ઓસ્કાર એવોર્ડ અને ફિલ્મ ફેર એવોર્ડઝ વિશે વિગરે વિગતવાર ઉદાહરણો સાથે તેના જુદા જુદા પાસાની ચર્ચા કરી છે. તેમણે સન્માનો મેડલોની આભા ઝંખવાઈ રહી છે. તે શિર્ષક તળે જણાવ્યું છે કે, ચમકતા ચાંદની આભા જેમ ધીમેધીમે ઓસરવા માંડે છે તેમજ જગતભરના પ્રતિષ્ઠિત એવોર્ડઝ અને સન્માન પોતાની આભા ગુમાવી રહ્યાં છે. તે પછી ભારત રત્ન હોય, નોબેલ પ્રાઈઝ હોય કે ઓસ્કાર એવોર્ડ હોય, ભૂતકાળમાં કોઈ લાયક જેન્યુઈન વ્યકિતને અપાયેલો એવોર્ડ વર્ષો પછી કોઈ ગેરવ્યાજબી કે ઓછી લાયક વ્યકિતને મળે છે.ત્યારે બે ઘટના બને છે.એક અગાઉ જેને એવોર્ડ અપાયો છે. એ જેન્યુઈન પ્રતિષ્ઠિત વ્યકિતનું અપમાન થાય છે.બીજુ એવોર્ડ પોતાની ગરીમા ગુમાવે છે. વળી તેમણે ફિલ્મો માટે તો લખ્યું છે કે અત્યારે તો વડલો નાનો અને વાંદરા ઝાઝાની જેમ ફિલ્મ એવોર્ડના તો રાફડા ફાટયા છે. જોકે લોકો હવે તો જોવાની પણ દરકાર કરતા નથી.
તેમણે જણાવ્યું છે કે જે રીતે ક્રિકેટર સચિનને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે જે તે પ્રાંત અને તેના રાજકારણીઓએ જે રીતેનું ખૂલ્લે આમ લોબીંગ કર્યું અને સ્પોર્ટસ કવોટાની ખાસ કેટેગરીનો સમાવેશ કર્યો તેનાથી તો આ સન્માન ઝાંખુ પડે છે. સચિનને ભારત રત્ન મળે માટે જે વિવાદ થયો તેને લીધે નુકશાન તો એ સન્માનનું જ થયું છે. ભારતા રત્ન સચિનને અપાયો તેનાથી દંતકથા રૂપ હોકીના ખેલાડી ધ્યાનચંદજીનું દેશ માટેનું યોગદાન કાંઈ ઓછું થઈ જતુ નથી કે ઝંખવાતું નથી. તે તેના સ્થાને જ છે.તેમણે જણાવ્યું છે કે નોબેલ પ્રાઈઝની બ્રાન્ડ હજી જળવાઈ રહી છે. પણ પ્રતિષ્ઠા ઓલ રેડી ઝંખવાઈ ગઈ છે. આ માટે તેમણે ઉદાહરણ આપ્યું છે કે જે રીતે ઓબામાને શાંતિનું નોબલ પ્રાઈઝ ફકત પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યાના બારમાં દિવસે જ નામ નોમીનેટ થયું તે વિચિત્ર લાગે છે સાદી અને સરળ વાત એ છે કેજે મહાત્મા ગાંધીએ અહિંસા અને શાંતી માટે પોતાની જાત પર હોમી દીધી તેમને હજુ સુધી નોબલ પ્રાઈઝ મળ્યું નથી. અને ઓબામાં તથા યાસર અરાફત ને નોબેલ શાંતી પુરસ્કાર મળી ગયો છે.
સંદેશ ન્યુઝ પેપરની બુધવારની અર્ધ સાપ્તાહિક આવૃત્તિના ‘લાઉડ માઉથ’ આર્ટીકલમાં સૌરભ શાહે વિદ્વતાપૂર્વક જણાવ્યું છે કે.
‘જયારે માત્ર ઈનામ મેળવવાનું જ લક્ષ્ય હોય છે. ત્યારે તમારા કામની તમારી પ્રવૃત્તિ ની ગુણવતા સેક્ધડરી બની જાય છે. તમે માનવા માંડો છો કે મારી પાસે ઉચ્ચતમ કક્ષાની ટેલન્ટ નહી હોય તોય હું લાગવગ થી કે બીજા કોઈ પણ ઉપાયથીઈનામ હાંસલ કરી લઈશ આવું થાય છે. ત્યારે ભગવાને જે ટેલન્ટ તમને આપી છે. એને તમે વેડફી દો છો એ ટેલન્ટની ધાર કાઢવાને બદલે એને બુઠ્ઠી થવા દો છો. કારણ કે તમને ખબર છે કે તમારે તમારી ટેલન્ટ દ્વારા નહી પણ લાગવગ વાપરીને કે પછી અન્ય કોઈ રસ્તે ચંદ્રકો, ઈનામો, મેડલો મેળવવાના છે.
ઈનામો દ્વારા મળતુ રેકગ્નિશન તકલાદી છે કામ ચલાઉ હોય છે. તાળીઓના ગડગડાટ શમી ગયા પછી ઘણી લાંબી મજલ કાપવાની હોય છે. તમારે ગળામાં પહેરેલી ફૂલમાળાઓ કરમાઈ ગયા પછી પણ તમારી શ્રેષ્ઠતા સતત પૂરવાર કરવાની હોય છે અને ગુણવતાની આ કક્ષા માત્ર ડ્રોઈંગ રૂમમાં શોભતી ટ્રોફીઓ કે ફ્રેમમાં જડાવેલા મેડલોથી નથી મેળવી શકાતી ઉતમ કક્ષાનું સર્જન (કે કાર્યો) કરવા માટે તે પ્રમાણેનું ઉચ્ચતમ કક્ષાનું કોઈ પણ કામ કરવા માટે તપસ્યાની જરૂરત પડે, દિવસ રાતની સાધનાની જરૂર પડે. ઈનામ વિજેતાઓમાં અને આવા સાધકોમાં ફરક હોય છે. બંનેના કામની ગુણવતામાં ફરક હોય છે. માર્કેટીંગ વાળાઓને ઈનામ વિજેતાઓ વહાલા લાગશે કારણ કે તેઓ ઓછી મહેનતે વધુ કમાણી કરાવી આપશે. સાધકોનું સર્જન વિશાળ જનસમુદાય સુધી પહોચતા જરૂર મોડુ થશે. જયારે પહોચશે ત્યારે તે ચાર્લ્સ ડીક્ધસ, આર્થર ડોયલ કે પ્રેમચંદજીના સર્જનની જેમ અમરત્વ પ્રાપ્ત કરશે !
‘તમારા કામ બદલ તમને પ્રતિષ્ઠા મળે છે કે નહી એની પરવા નથી હોતી ત્યારે સર્વોચ્ચ કોટીનું કામ કરવાની શકિત પ્રાપ્ત થતી હોય છે’
હેરી ટ્રુમેન (૩૩માં અમેરીકન પ્રેસીડન્ટ)
પોલીસદળમાં પણ દર વર્ષે પ્રશંસનીય કામગીરી કરનાર માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા મેડલ શૌર્ય મેડલ (ગેલેન્ટ્રી એવોર્ડ) અપાય છે. જેમાં પ્રથમ બે મેડલ માટે પોલીસ દળમાં લાંબા સમય સુધી એક ધારી સારી વિશિષ્ટ કામગીરી કરી ઈનામો અને એવોર્ડો મેળવેલા હોય તેમને અને ગોલેન્ટ્રી મેડલ જેમણે પોતાના જાનને જોખમે અન્ય લોકોના જીવનનું રક્ષણ કર્યું હોય તેને મળે છે. અનુભવે જણાયું છે કે આ મેડલો માટે આ આવી કામગીરી કરવી જરૂરી જ છે. અને તે બાબત સહજ છે. પરંતુ તે ઉપરાંતની વિશેષ લાયકાત જરૂરી છે એટલે કેજે તે પોલીસ વડાનો વ્યકિતગત સતત સંપર્ક વગેરેનો પણ સમાવેશ થાય છે. કોઈ પોલીસ વડા જયદેવના ગોડફાધર બન્યા નહી અને તેથી તેના નામની આવા કોઈ મેડલ માટે કયારેય ભલામણ થઈ નહી. જયદેવ કાર્યદક્ષતાને પ્રાધાન્ય આપતો ખોટી ચાપલુસીને નહી જો કેસમગ્ર ફરજ કાળ દરમ્યાન દરમહિને અને દર વર્ષે પ્રસંશનીય કામગીરી કરી કૂલ ૫૨૪ પાંચસો ચોવીસ રીવોર્ડઝ ઈનામો અને પ્રશંસા પત્રો તેને મળ્યા તે સામાન્ય ઉપલબ્ધીતો કહેવાય નહી જુઓ એપેન્ડીક્ષ…
જયદેવે પોસ્ટ ગોધરા કોમી તોફાનો દરમ્યાન એક વખત નહીં બે વખત પોતાની જાતની પરવા કર્યા વગર જીંદગીના જોખમ ઉપરાંત બુધ્ધિપૂર્વક વ્યુહાત્મક રીતે કટોકટીના સમયે અનેક લઘુમતી કોમના લોકોના જાન બચાવેલા જુઓ પ્રકરણ ૨૦૦ અને ૨૦૬આ કામગીરી માટે તે ગેલેન્ટ્રી (શૌર્ય) પદક માટે પણ હકકદાર હતો. આ હકિકતને જે તે સમયે જીલ્લા પોલીસ વડા ઉપરાંત તોફાનો દરમ્યાન જયદેવ સાથે લાયઝન અધિકારી તરીકે રહેલા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે પણ પ્રશંસા પત્ર આપેલ હતા. પોલીસ વડાએ પ્રશંસા પત્ર ઉપરાંત રૂા.૨૦૦-૨૦૦ની રોકડ રકમનો સરપાવ માનવ જીંદગી બચાવવા માટે પોતાની જીંદગીના જોખમે કરેલા સાહસિક કાર્ય માટે આપ્યો હતો ! જુઓ એપેન્ડીક્ષ… જો કે આ તમામ દસ્તાવેજી બાબતો તે સમયે નીમાયેલ ઈન્કવાયરી કમીશન સમક્ષ પણ રજૂ થયેલી, ટુંકમાં અનુભવે એવું જણાયેલું કે માર્કેટીંગનો મતલબ એટલે વાત કરે એ વ્હાલા અને કામ કરે એ કાલા તેવું વર્તમાન સમયમાં ચાલતુ હોય તેમ લાગે છે. જયદેવના ગોડફાધર કોઈ બન્યું નહી અને જયદેવે કયારેય આપલુસી કરી નહી જયારે તે ભૂજ હતો ત્યારે એક પોલીસ વડા જયદેવની આ વિવિધ ક્ષેત્રોની સતત ઉત્કૃષ્ટ કામગીરી જોઈ આશ્ર્ચર્ય પામીને તેમણે જયદેવને કહેંલુ કે તમને હજુ સુધી મેડલ મળ્યો નથી તેનું કારણ તમારૂ માર્કેટીંગ નબળુ લાગે છે. જયદેવ યોગ: કર્મષુ કૌશલમમાં માનતો ખોટી ચાપલુસીને નહી આથી નિવૃત થયો ત્યાં સુધી તેણે મેડલ માટે કયારેય અરજી કે રજૂઆત પણ કરી હતી !
આખરે તો તે એક મનુષ્ય જ છે!
કોઈપણ અધિકારી ગમે તે રેન્કનો સર્વોચ્ચ હોદો ધરાવતા હોય પણ આખરે તે પણ એક મનુષ્ય છે તેમનામાં પણ સામાન્ય માણસ જેવા જ ભાવો લક્ષણોજેવા કે ગમો અણગમો, પ્રશંસાપ્રિયતા (જેનો અતિરેક ચાપલુસી) વ્યકિતગત પૂર્વ ગ્રહ, જ્ઞાન, અનેક પ્રકારની માન્યતા અને શ્રધ્ધા, શોખ અને આદતો પણ હોય છે. જેમ અધિકારીનો હોદો ઉંચો તેમ તેમનો આઈકયુ (ઈન્ટેલીજન્સ કવોશન્ટ બૌધિક આંક) તો ઉંચો હોય છે. પરંતુ ઈ.કયુ. (ઈમોશનલ કવોશન્ટ, ભાવનાત્મક આંક) એટલે કે ભાવનાત્મક બાબતો જેવી કે માનવીય વ્યવહારિક જ્ઞાન, સિધ્ધાંત આદર્શ, નીર્વ્યસની પણુ, રાષ્ટ્રભાવના ન્યાય પરાયણતા, સમતા, તથા દયા હોય જ એવું હંમેશા નથી હોતુ આવા ઉંચા આઈકયુ વાળામાં પણ ચિત્ર વિચિત્ર આદતો, કૂટેવો અને શોખ પણ હોય છે જે કુટેવો સામાન્ય રીતે ઉંચા ઈ.કયુ. વાળામાં જોવા મળતી નથી.
જયદેવના આધ્યાત્મિકગૂરૂ પણ પોલીસ ખાતાના એક ઉચ્ચ અધિકારી જ હતા તેઓ આ મેડલો, સન્માનો વિગેરે બાબતો માટે વારંવાર સંત ક્બીરની એક સાખી કહેતા
‘ગોધન, ગજધન, બીજધન ઔર રતન ધન ખાન
જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન ॥
તો વળી આ મેડલો કઈ વાડીના મૂળા ?
આમ જનતા સફળ પોલીસ અધિકારી તરીકે આવા મેડલ વાળાને નહીં પરંતુ એવા અધિકારીને સફળ ગણે છે. કે જેનાથી ગુનેગારો ડરતા અને ફફડતા હોય પણ સજજન નિદોર્ષ લોકો નહી. સજજન લોકો તેનાથી ડરે તો નહી પણ આવા અધિકારીને નિર્ભય રીતે મળે માન અને પ્રેમ આપે અન્ય વ્યવહારમાં પણ લાગણીની દ્રષ્ટિથી જોતા હોય છે જયારે આવા સફળ અધિકારી બદલાઈને ગયા બાદ વર્ષો નહી દસકાઓ સુધી ત્યાંની જનતા યાદ કરતી હોય તેજ સફળ અધિકારી છે.તેવું માનતા હોય છે.જયદેવનો આવો અનુભવ હતો.
સંદેશ દૈનીક પત્રની રવિવારની સંસ્કાર પૂર્તીમાં તડકભડક શિર્ષક હેઠળ લેખક સૌરભ શાહે સંગીતકાર રાહુલદેવ બર્મનનાં પરીપ્રેક્ષમાં લખેલું છે કે એવોર્ડઝ પારીતોષીકો અને પુરસ્કારોથી જ જો મહાન અને અમર થઈ જવાતું હોય તો આજે રાહુલદેવ બર્મન કયારનાયે ભૂલાઈ ગયા હોત પણ એવું નથી થયું કારણ કે ઈનામ બીનામ ભલે તમને ક્ષણીક તાત્કાલીક પબ્લીસીટી અપાવે પણ તમારી કિર્તીતો તમે કરેલા કામની ગુણવતાને લીધેજ પ્રતિષ્ઠા પામતી હોય છે. આ ગુણવતા સભર કાર્ય જ તમારા મર્યા પછી પણ તમને જીવાડતું રહે છે. ‘તેમણે વધુમાં જણાવ્યું કે’ રીઅલ ક્રીએટીવ માણસ કયારેય આવામાન સન્માન ના મોહતાજ નથી હોતા. પુરસ્કારો મળે તોય ઠીક ન મળે તોય ઠીક, એ પોતે ભલા અને એમનું કામ ભલુ અને એ કામ દ્વારા મળતો લોકો, ચાહકોનો પ્રેમ આદર જ ખરો એવોર્ડ તેમના માટે હોય છે !’
જયદેવ ખાતામાંથી નિવૃત થયાબાદ પાંચેક વર્ષે એક વખત તેના જૂના મિત્રનો લાઠી (કવિ કલાપી)થી ફોન આવેલો, તેમણે કહ્યું સાહેબ તમે લાઠી ફોજદાર હતા ત્યારે એક બારોટભાઈ કોન્સ્ટેબલ હતા તેઓ અત્યારે પણ લાઠીમાં જમાદાર તરીકે ફરજ બજાવે છે તે તમારી સાથે વાત કરવા માગે છે. અમે હાલમાં જ તમને અને તમારી કાર્ય પધ્ધતીને જ યાદ કરતા હતા જમાદાર પણ જન્મજાત કવિ હતા આથી તેમણે સીધી જ દુહા છંદથી જ વાત ચાલુ કરી.
‘કાયદાનો ભંગ કરતા હતા અને લોંઠા કરતા હતા લાડ,
પણ ફોજદાર જયદેવે મરદનું ફાડીયું લોઠાઓના છોડાવી દીધા ગાડ.
(અહીં લોંઠા એટલે ગુનેગારો અને ધંધાદારી રાજકારણીઓને તેમણે ગણેલા)
આને જ સાચો મેડલ કહેવાય જે જનતા બાવીસ બાવીસ વર્ષ પછી પણ મગરૂરીથી યાદ કરતી હોય !