અબ દિલ્લી દુર નહીં!
દેશના તમામ આર્થિકરૂપે મહત્વપૂર્ણ શહેરોને જોડી મુસાફરી સરળ અને ઝડપી બનાવાશે
મુસાફરો માટે હવે દિલ્હી દૂર નથી. દિલ્હીથી અમદાવાદ માટે જે લાંબો લચક સમય રેલ મુસાફરી મારફત પસાર કરવો પડતો હતો. તે દિવસો હવે ભૂતકાળ બની જશે. કેન્દ્ર સરકારની નવી કોરીડોર યોજના અંતર્ગત શરૂ થનારી હાઈસ્પીડ રેલ ફકત ત્રણ કલાકમાં જ દિલ્હીથી અમદાવાદનો ૮૮૬ કિ.મી. લાંબો સફર ખેડી નાખશે.
કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેકટનો બીજો તબક્કો ટૂક સમયમાં અમલી બનાવવા જઈ રહ્યું છે. જેને હાઈસ્પીડ રેલ કોરીડોર સાથે જોડી દેવામાં આવશે. જે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીથી મુંબઈ સુધીના તમામ રૂટ ઉપર દોડનાર છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ નવા પ્રોજેકટ માટે ટેન્ડર પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં કુલ ૭ નવા એચએસઆર કોરીડોર શરૂ થશે. જેમાં અમદાવાદ, મુંબઈ કોરીડોર ૫૩૭૭ કિ.મી. લાંબો ટ્રેક હશે. જેને હાલ લીલીઝંડી આપી દેવામાં આવી છે.
એચએસઆર કોરીડોર અર્બન ટુરીઝમ અને આર્થિક પાટનગર જેવા કે, દિલ્હી, અમૃતસર, બેંગ્લોર, વારાણસી, લખનૌ, અમદાવાદ, મુંબઈ, નાસીક, નાગપુર, ચેન્નઈ, મૈસુર, પુણે, હૈદરાબાદ, નાગપુર, કોલકતા, ઉદયપુર, આગ્રા અને જયપુરનો સમાવેશ થાય છે. ઉપરાંત ધાર્મિક સ્થળો જેવા કે, શીરડી, અજમેર, મથુરા, બૌધગયા અને પ્રયાગરાજ સહિતના સ્થળો ખાતે એચએસઆર સ્ટેશન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. હાલ પ્રોજેકટની તમામ રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે.
જો દિલ્હી અને અમદાવાદ તેમજ અમદાવાદ-મુંબઈને આ પ્રોજેકટ હેઠળ જોડી દેવામાં આવે તો લોકોને અનેકવિધ ફાયદાઓ થવાની શકયતા સેવાઈ રહી છે. આ અંગે એનએચએસઆરસીએલના મેનેજીંગ ડિરેકટર અચલ ખારેએ કહ્યું હતું કે, અમે પણ અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્હીને આ પ્રોજેકટ હેઠળ જોડી દેવા અંગે વિચારણા કરી રહ્યાં છીએ. આ પ્રોજેકટ અંતર્ગત એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં તમામ રૂટનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, સાધારણ ટ્રેનો કરતા બુલેટ ટ્રેન વધુ ખર્ચાળ હોય છે. દિલ્હી-અમદાવાદ માર્ગ માટે હાથ ધરવામાં આવનાર આ પ્રોજેકટ હેઠળ ખર્ચને પણ કેન્દ્રમાં રાખવામાં આવનાર છે જે ૭ રૂટ માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ટ્રાફિકની સંભાવના, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને એકસપ્રેસ વેના ટોલ પ્લાઝા ખાતે છેલ્લા પાંચ વર્ષના ટ્રાફિક ડેટા, રેલ મુસાફરીની માહિતીઓ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. પ્રોજેકટમાં કેટલા કિલોમીટરના અંતરે રેલવે જંકશન બનાવવનું તે અંગે હાલ વિચારણા કરાઈ રહી છે. પ્રોજેકટમાં ભારતના આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેરોને ધ્યાને રાખી તમામ નિર્ણયો કરાઈ રહ્યાં છે. જેમાં અમદાવાદથી જયપુર, અજમેર, ચિતોડગઢ અને ઉદયપુરને જોડવા હેતુસર પણ વિચારણા કરાઈ રહી છે. દેશની બે આર્થિક રાજધાનીઓને જોડી લોકોને ઝડપી મુસાફરીનો લાભ આપવા હેઠળ અમદાવાદ-મુંબઈ કોરીડોર તેમજ અમદાવાદ-મુંબઈ કોરીડોર અને દિલ્હી-મુંબઈ કોરીડોરને પ્રાથમિકતા આપી ટૂંકા સમયગાળા દરમિયાન શરૂ કરી દેવા હાલ વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.
દિલ્હી-વારાણસીના ૮૬૫ કિ.મી.ના રૂટ પર ૧૨ સ્ટેશન બનાવવાની વિચારણા કરાઈ રહી છે. જેમાં જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, આગ્રા, લખનૌ અને પ્રયાગરાજનો સમાવેશ કરાશે. ઉત્તરપ્રદેશ એક ઘનિષ્ઠ વસ્તી ધરાવતું રાજ્ય છે કે જેમાં લોકો ટ્રેન મુસાફરીનો લાભ ખુબ મોટી સંખ્યામાં લે છે. આ પ્રોજેકટ અમલી બનતા ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં રહેતા લોકો માટે આશિર્વાદરૂપ સાબીત થશે. ૭૫૩ કિ.મી. લાંબો મુંબઈ-નાગપુર રૂટને પણ પ્રાથમિકતા આપવામાં આવશે કે જેમાં કુલ ૧૨ સ્ટેશનના નિર્માણની વિચારણા કરાઈ છે. આ રૂટ પર નાસીક, શીરડી અને ઓરંગાબાદ જેવા શહેરોને સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે. વારાણસીથી હાવડાનો ૭૬૦ કિ.મી. લાંબો રૂટ બૌધગયાથી પસાર થશે. તેમજ ચેન્નઈ-મૈસુરને જોડતો રૂટ ભારતના સૌથી મોટા આર્થિક કલસ્ટર બેંગ્લોર ખાતેથી પસાર થશે. ઉપરાંત મુંબઈ-હૈદરાબાદના રૂટને પણ જોડવામાં આવશે કે જેમાં પૂણેનો પણ સમાવેશ કરાશે.
પ્રોજેકટના પડકારો વિશે જો વાત કરવામાં આવે તો તમામ કોરીડોરના નિર્માણમાં થતાં ખર્ચને ધ્યાને લેવું અતિ આવશ્યક છે. કેમ કે, એક તરફ ભારતીય અર્થતંત્રમાં ભારે નુકશાની કોરોનાના કારણે સર્જાઈ છે. તેવા સમયમાં રૂપિયો કયાંથી આવશે અને ક્યાં ખર્ચાશે તે ધ્યાને લેવું જરૂરી છે. પ્રોજેકટને વર્ષ ૨૦૨૩ સુધીમાં પૂરું કરી દેવાનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે, હાલ સુધીમાં આ કોરીડોર માટે ૬૩ ટકા જેટલી જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. અને ૨૦ વર્ષની જહેમત બાદ જાપાન ઈન્ટરનેશનલ કોપરેશન એજન્સીએ પ્રોજેકટની કુલ કિંમતના ૮૧ ટકાની રકમ સ્વરૂપે રૂા.૧.૮ લાખ કરોડની ફાળવણી કરી છે.