એનસીપીના ઉમેદવાર તરીકે રેશ્મા પટેલે પણ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ઝંપલાવ્યું
સૌરાષ્ટ્રની સૌથી હાઇપ્રોફાઇલ ગણાતી રાજકોટ જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર ચાર-ચાર ઉમેદવારો વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ જામે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. એનસીપીના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના લડાયક મહિલા આગેવાન રેશ્માબેન પટેલે આજે ગોંડલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બેઠક માટે હવે રાજકીય પંડિતો અલગ-અલગ ગણિતો માંડતા શરૂ થઇ ગયા છે.
ગોંડલ વિધાનસભા બેઠક માટે સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. આપે મહિલા અગ્રણી એવા નિમિષાબેન ખૂંટને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. દરમિયાન ગઇકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં ગોંડલ વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને ફરી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ગત મોડી રાત્રે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગોંડલ બેઠક પરથી ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ દેસાઇના યતિશ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.
આમ ગોંડલ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ તો જોવા મળતો હતો. દરમિયાન આજે એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે ગોંડલ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા હવે આ બેઠક પર ચૌપાંખીયો જંગ જામશે તેવું મનાઇ રહ્યું છે. મુખ્ય ચાર રાજકીય પાર્ટીના ચાર ઉમેદવારોમાંથી ત્રણ મહિલાઓ છે જ્યારે એકમાત્ર કોંગ્રેસે પુરૂષ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. અપક્ષો પણ આ બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારી કરે તેવું મનાઇ રહ્યું છે. ગોંડલ બેઠક આમ પણ હાઇપ્રોફાઇલ માનવામાં આવી રહી છે ત્યારે હવે આ બેઠક પર બે નહી પરંતુ ચાર-ચાર ઉમેદવારો વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ જામશે તેમાં કોણ મતદારોનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહેશે તે વાત પરથી આઠ ડિસેમ્બરે પડદો ઉંચકાઇ જશે.