અબતક, રાજકોટ
રાજવી કુટુંબના દંપતી વચ્ચેના લગ્ન સંબંધી તકરારનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. નીચલી અદાલતે પત્ની અને બે સંતાનોને મહિને 45 હજાર રૂપિયાનું ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ ગીતા ગોપીએ પતિની અરજી ફગાવી અને હુકમમાં નોંધ્યું હતું કે, નીચલી અદાલતે પ્રસ્તુત કેસના તમામ તથ્યો અને હકીકતોને ધ્યાનમાં લઈને પત્ની અને બે સંતાનોને કુલ 45,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ રકમ વધુ કહી શકાય નહીં. બંને પક્ષકારો રોયલ ફેમિલીમાંથી આવે છે અને સંતાનોના અભ્યાસ અને મેડિકલ ખર્ચ પણ વધુ છે.
આવા સંજોગોમાં પતિ અને પિતા તરીકે ફરજ બને છે કે તે તેમનો ખર્ચ ઉપાડે. સ્થાનિક અહેવાલ પ્રમાણે આ કેસ રાજકોટના પતિ-પત્નીનો છે. પતિએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, નીચલી અદાલતે વર્ષ 2018માં પત્ની અને બે સંતાનોને 45,000 રૂપિયા માસિક ભરણપોષણ પેટે આપવાનો તેમજ 5,000 રૂપિયા દંડ પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે, તે હુકમ સામે પતિએ હાઈકોર્ટેમા દાદ માંગી હતી જેમાં
પત્નીએ દાવો કર્યો છે તેટલી પતિની આવક છે જ નહીં. મહિનાની આવક 10,000 રૂપિયા છે. તેવામાં દર મહિને 45,000 રૂપિયા કઈ રીતે આપી શકાય. બીજી તરફ પત્ની આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો વ્યસાય કરે છે. તેનાથી દર મહિને સારી આવક થાય છે. જેથી નીચલી અદાલતનો આદેશ રદ્દ કરવો જોઈએ.
બીજી તરફ પત્નીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, પતિ બિહારના ડુમરાંવના રાજવી પરિવારમાંથી આવે છે. જામનગર, નેપાળ અને ચાંપરાજપુરના રાજવી પરિવારો સાથે સંબંધ ધરાવે છે. દિલ્હીમાં રહે છે. પતિ રાજા-મહારાજા જેવી લાઈફસ્ટાઈલથી જીવે છે. પેલેસમાં રહે છે. તે જામનગર, ચાંપરાજપુર, રાજકોટ, દિલ્હી, દહેરાદૂન, કોલકાતા, પટના અને ડુમરાંવમાં સંપત્તિ ધરાવે છે. તેની પાસે ગાડીઓનો કાફલો છે. ઈન્વેસ્ટમેન્ટ્સ, જમીન અને ખેતીથી તેમને આવક પણ થાય છે. પત્નીએ પોતાની રજૂઆતમાં પણ આવ્યું હતું કે, દીકરીનો ભણવાનો વાર્ષિક ખર્ચ 15થી16 સેક્સલાખ રૂપિયા છે. તેની સારવારનો ખર્ચ સાડા ચાર લાખ જેટલો છે. ઉપરાંત ઘરનું ભાડું વગેરે ખર્ચ ગણીને નીચલી અદાલતે મહિને 77,417 રૂપિયાનો ખર્ચ ગણ્યો હતો. જેની સામે પતિને મહિને 45,000 રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ કર્યો હતો. જે પતિની જીવનશૈલી અને આવકને જોતાં યોગ્ય છે. નીચલી અદાલતે તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને આદેશ કર્યો છે તેથી તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી . પતિની અરજી રદ્દ કરવામાં આવે છે.