શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી ખુલાસો માંગતી હાઇકોર્ટ
રાજ્યની મેડિકલ સહિતની કોલેજોમાં રેગીંગની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. અમુક સમયે રેગીંગની ક્રૂરતા એટલી હદે વધી જતી હોય છે કે, ભોગ બનનાર આપઘાત સહિતના પગલાં ભરી લેતો હોય છે ત્યારે આ મામલે ચિંતા વ્યક્ત કરતા હાઇકોર્ટે સુઓમોટો લીધી છે.
રાજ્યની મેડિકલ અને ડિગ્રી કોલેજીસમાં વિદ્યાર્થીઓના રેગિંગ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સુઓમોટો અરજી લીધી છે. મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીમાં રેગિંગના લીધે આત્મહત્યાનું પ્રમાણ વધતા કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, એડિશનલ ચીફ સેક્રેટરી(શિક્ષણ વિભાગ), મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સેક્રેટરીને નોટિસ પાઠવી છે.
હાઇકોર્ટમાં ગત ૩ જાન્યુઆરીના રોજ પ્રકાશમાં આવેલી રેગીંગનો ઘટનાનો આધાર લેવામાં આવ્યો હતો. અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના સામે આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ વાઘોડિયાની બી કે શાહ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુમનદિપ વિદ્યાપીઠમાં પણ રેગીંગની ઘટના બની હતી.
રાજ્યભરમાં પી.જી. રેસિડેન્સ ડોક્ટરો માટે કામના કલાકો અને ફરજ અંગે સરકારે કોઈ સ્પષ્ટ નિયમો નહીં ઘડયા હોવાથી સિનિયર ડોક્ટરો દ્વારા થતાં રેગિંગના કિસ્સા વધી ગયા છે. ઉજ્જવળ કારકિર્દી ધરાવતા જુનિયર તબીબોનું રેગિંગ વધતા આત્મહત્યાના બનાવો વધ્યા છે. સરકાર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પાસે હાઇકોર્ટે આ અંગે શું નિયમો બનાવ્યા છે? તેની રજૂઆત કરવા આદેશ કર્યો છે.
હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે આ મામલે શું પગલાં લીધા છે તે અંગે જવાબ દાખલ કરવાનો આદેશ કર્યો છે. ૩૦મી જાન્યુઆરી સુધીમાં રણય સરકારે લેખિત જવાબ રજૂ કરવાનો છે.