- ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી અને શુધ્ધ હૃદયથી માફી માંગવાનાં બદલે પોતાની
- કોઈ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામું શા માટે?: હાઇકોર્ટનો સણસણતો સવાલ
- ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટનામાં વડી અદાલતનું આકરું વલણ
રાજકોટની ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયાં હતા. મૃતકોની મરણચિસોથી 25 મેના રોજ રાજકોટ આખું ધ્રુજી ઉઠ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હાઇકોર્ટએ સૂઓમોટો લઇ સુનાવણી હાથ ધરી હતી. ગઈકાલે તત્કાલીન મ્યુનિ. કમિશનરે રજૂ કરેલી એફિડેવિટ હાઇકોર્ટે ન સ્વીકારતાં પાછી ખેંચી લીધી હતી. હાઇકોર્ટએ મનપા કમિશ્નરની ઝાટકણી કાઢી હતી.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી મનપા અને કમિશનરનો હાઇકોર્ટે ઉધડો લીધો કોર્પોરેશનનાં સોગંદનામા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ગેમઝોન અગ્નિકાંડ મામલે ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ કરાઈ નથી ? ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ હોવા છતાં પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ?
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. આ ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે રાજકોટ કોર્પોરેશન અને કમિશનરનો બરોબરનો ઉધડો લીધો હતો. કોર્ટે પૂછ્યું કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ?
હાઈકોર્ટે સવાલ કર્યો કે, ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ બાદ પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ? ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી અને શુદ્ધ હૃદયથી માફી માંગવાનાં બદલે પોતાની કોઈ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામું કરવું. જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજો. આ સાથે કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો હતો. આથી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોગંદનામું પરત ખેંચવા ફરજ પડી હતી. કોર્ટનાં હુકમનાં હેઠળ લીધેલ પગલાં અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર બાબતનાં પગલાંઓ માટે થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ હવે નવેસરથી સોગંદનામા પર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે.
મનપા કમિશનર માફી માંગે અને પીડિતોને વળતર ચૂકવે
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કોર્ટની માફી માગે અને પીડિતોને વળતર ચૂકવે. કોર્ટ સમક્ષ રિપોર્ટ આગળ ધરીને મ્યુનિસિપલ કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહિ. ઓથોરિટી જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે બધું કામ કરવા માંડે છે. ત્યાર બાદ જે છે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો ઓથોરિટીએ સજાગ થઈને કામ કર્યું હોત તો આ દુર્ઘટના સર્જાઇ ના હોત. જો મ્યુનિસિપલ કમિશનર તાબાના વિભાગો પર અંકુશ ના હોય તો જવાબદારીમાંથી પણ છટકી શકે નહીં. હાઇકોર્ટના આદેશોનો ભંગ થઈ શકે નહીં. બે વર્ષ પહેલાં મ્યુનિસિપલ કમિશનરે સોગંદ પર સબ સલામતનો દાવો કર્યો હતો. હાઇકોર્ટના આદેશોના ઉલ્લંઘન બદલ કોર્ટ મ્યુનિસિપલ કમિશનર સામે નોટિસ કાઢી શકે છે.