જેતપુર જીલ્લા પંચાયતના સભ્યની અને ધ્રાંગધ્રાના જેલરની જામીન પર છુટવાના અરજી કોર્ટ ફગાવી
રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વાંકાનેર મામલતદાર સામે લાંચનો ગુનો નોંધતા હાઇકોર્ટે તેના આગોતરા જામીન નામંજુર કર્યા જયારે જેતપુર જીલ્લા પંચાયતના સદસ્યને લાંચના ગુનામાં જેલ હવાલે કરતા રાજયની વડી અદાલતે તેની જામીન અરજી ફગાવી છે. ધ્રાંગધ્રા સબ જેલના જેલરના લાંચના ગુનામાં સુરેન્દ્રનગર સેસન્સ કોર્ટે જામીન અરજી રદ કરી છે.
વધુ વિગત મુજબ દોઢ માસ પૂર્વે જેતપુર ખાતે રાજકોટ એસીબીએ ગોઠવેલા છટકામાં મંડલીકપુર ગામના અને જીલ્લા પંચાયતના સદસ્ય કિશોર પોપટ પાદરીયા રૂ. બે લાખની લાંચ લેતા ઝડપાયા હતા. બાદ સેન્સન કોર્ટે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતા હાઇકોર્ટમાં જામીન પર છુટવા અરજી કરી હતી. જેમાં તપાસનીસ દ્વારા સોગંદનામા અને એલસીબીના એડવોકેટ કરેલી દલીલો ઘ્યાને લઇ જસ્ટીસે જામીન અરજી ફગાવી દીધી છે. જયારે ૧૦ દિવસ પૂર્વે વાંકાનેરના મામલતદાર વિજય ચાવડા વતી પટ્ટાવાળા ઇસ્લામ લાંચ લેતા ઝડપાયા હતા.
આ ગુનામાં નાસતા ફરતા મામલતદાર વિજય ચાવડાએ પોલીસ ધરપકડ દહેશતથી કરેલી આગોતરા જામીન અરજી સ્થાનીક કોર્ટે નામંજુર કરતા જેની સામે હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં તપાસીન અધિકારી દ્વારા કરેલા સોગંદનામ તેમજ એડવોકેટની દલીલો ઘ્યાને લઇ જસ્ટીસે જામીન અરજી નામંજુર કરી છે. ધ્રાંગધ્રા સબ જેલના જેલર જીતેન્દ્ર કાંતિલાલ વાઘેલા રૂ સાત હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. જે તપાસ પૂર્ણ થતા સુ.નગરની અદાલતમાં કરેલી જામની અરજીમાં લાંચ રૂશ્વત શાખાએ કરેલા સોગંદનામા અને તેમના વકીલ દ્વારા કરાયેલી દલીલોને ઘ્યાને લઇ ન્યાયધીશે નાયબ મામલતદાર જીતેન્દ્ર વાઘેલાની જામીન અરજી રદ કરી હતી.