અંબાજી મંદિર ટ્રસ્ટની આવક પર રાજવી પરિવારનો અધિકાર હોવાની મંગાયેલી દાદ કોર્ટમાં રદ્ થતાં મંદિર ટ્રસ્ટને મોટી રાહત
દાંતાના પૂર્વ રાજવીઓ દ્વારા ગબ્બર ડુંગર અને આસપાસના આઠ ગામો પર અધિકાર હોવાનો દાવો કરી અંબાજી ટ્રસ્ટ સામે કરેલી અરજી હાઇ કોર્ટે અમાન્ય રાખી અંબાજી ટ્રસ્ટને મોટી રાહત આપી છે.દાંતાના મહારાણાએ અંબાજી મંદિર, ગબ્બર સહિત 8 ગામો પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરી દિવાની અરજી કોર્ટમાં રજૂ કરી હતી. મહારાણા પૃથ્વીસિંહજીના વંશજ મહેન્દ્રસિંહ સમગ્ર મામલાને કોર્ટમાં લઈ ગયા છે. ત્યારે દાંતાની સ્થાનિક કોર્ટને હાઈકોર્ટે ટકોર કરી છે કે અંબાજી ટ્રસ્ટને સાંભળ્યા વગર આદેશ કરવા યોગ્ય નથી.
સુપ્રિમમાં હાર્યા બાદ પણ મહારાણાએ સિવિલ કોર્ટમાં કર્યો હતો કેસમહારાણા પૃથ્વીરાજસિંહજીએ 1948માં કેન્દ્ર સરકાર સાથે જોડાણ એગ્રીમેન્ટ કરીને સમગ્ર સત્તા કેન્દ્રને સોંપી હતી. જે બાદ સરકારે આ જગ્યાનો વહીવટ અંબાજી ટ્રસ્ટને સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ પણ મહારાણાએ સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો કે અંબાજી મંદિર, ગબ્બર સહીત 8 ગામો પર પોતાનો અધિકાર દાંતાના મહારાણાનો છે જેથી અંબાજી મંદિરના દાનનો હિસાબ પણ મહારાણાને આપવામાં આવે છે.
આઝાદી પહેલા અંબાજી મંદિરનો વહીવટ દાંતા રાજ દરબારથી થતો હતોઅંબાજી ધામ દાંતા સ્ટેટમાં આવતું હોવાથી આઝાદી અગાઉ મંદિરનો વહીવટ દાંતા રાજ્ય હસ્તક હતો અને તે વખતે મંદિરને અર્પણ થતું હીરા ઝવેરાત સોના, ચાંદી અને રોકડનું દાન 8 ગદર્ભ પર ભરીને દાંતા રાજ મહેલમાં લવાતું હતું. જોકે આઝાદી બાદ રજવાડાઓનું વિભાજન થતા સને 1960માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પાવડી પૂજા અને દર્શનનો અધિકાર દાંતા સ્ટેટ પાસે હોવાનું દાંતા સ્ટેટના યુવરાજ રિધ્ધિસિંહજીએ કહ્યું હતું.
શું છે લોકવાયકાઓ?
દાંતા રાજવી પરિવાર માં અંબાના પરમ ભક્ત માનવામાં આવે છે. એક લોકવાયક અનુસાર આરાસુરમાં માં અંબાના બેસણા આદિ અનાદિ કાળથી છે. જેમાં ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાનક મનાય છે, અંબાજી મદિરમાં વિષાયંત્રની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર દાંતાના રાજા જશરાજસિંહ પરમારે વિક્રમ સંવત 1842માં કરાવ્યો હતો. વર્ષો અગાઉ દાંતા રાજા પોતાના તાબાના 552 ગામડાઓની પરિક્રમાએ નીકળ્યા હતા. ત્યારે રાજા જશરાજસિંહને માતાજીએ દર્શન આપ્યા હતા અને રાજાને પરત ફરતી વખતે પાછળ જોવાની ના પાડી હોવા છતાં રાજા પાછળ જોતા માતાજીનો રથ ગબ્બર પર રોકાઈ ગયો હતો. જેની સાક્ષી સ્વરૂપે આજે પણ ગબ્બર પર માતાજીના રથના પૈડાના નિશાન જોવા મળે છે. જોકે ગબ્બર પર ચાલતી અખંડ જ્યોતને લઈને પણ લોકવાયકા રહેલી છે. પહેલાના જમાનામાં વીજળીની સુવિધા ના હોઈ દૂર દૂરથી માતાજીના દર્શને આવતા લોકોને જ્યોત થકી માતાજીનું સ્થાનક દેખાય આવે તે માટે વર્ષો પહેલા પ્રગટાવેલ અખંડ જ્યોત વર્ષોના વર્ષોથી પ્રજ્વલિત છે.હાલ દાંતાના રાજવીઓએ અંબાજી ટ્રસ્ટની આવક અને અધિકારના કરેલા દાવા પર હાઇકોર્ટએ ઇન્કાર કરી અંબાજી ટ્રસ્ટ સામેની અરજી અમાન્ય જાહેર કરતા ટ્રસ્ટને રાહત આપી છે.