૬ માસ પહેલા યુનિવર્સિટીના સત્તાધીશોએ પાંચેય કર્મચારીઓને પાણીચુ આપી દીધુ હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત કર્મચારીઓને ખાનગી એજન્સી હેઠળ મૂકી દેવાતા ૩ કરારી અને ૨ ફિકસ પે કર્મચારી કાયમી થવાની માંગ સાથે હાઈકોર્ટમાં લડત માટે ગયા હતા. જે અંતર્ગત છ માસ પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ પાંચેય કર્મચારીને પાણીચું આપી દીધું હતું. જોકે હવે હાઈકોર્ટે જ આદેશ આપ્યો છે કે આ પાંચેય કર્મીને તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે. શુક્રવારે હાઈકોર્ટના જજમેન્ટની કોપી સાથેની લેખિત રજૂઆત રજીસ્ટ્રારને કર્યા બાદ પણ કર્મચારીઓને પરત ફરજ પર લેવાયા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ દલસાણીયા, પી.જી.વિભાગમાં ક્લાર્ક અને તેમના પત્ની જયશ્રીબેન, ફાર્મસીના જ લેબ ટેકનિશયન મિતુલભાઈ ચંડીભમર અને બોયઝ હોસ્ટેલનાં ફિક્સપે કર્મચારી મહાવીરસિંહ જાડેજાને ગત ૧૨ નવેમ્બર, ૨૦૧૮ ના પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સંલગ્ન રાજદીપ એજન્સીમાંથી ચારેય કર્મચારીઓને ફોન આવ્યો હતો કે ’ યુનિવર્સિટી મેનેજમેન્ટે તમને છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે, જેથી તમે યુનિવર્સિટીએ નોકરી પર ન આવતા’ તેમ છતાં ચારેય કર્મચારીઓ યુનિવર્સિટી પર આવ્યા.
પરંતુ તેમને થંબ મશીનમાં હાજરી પૂરવા ન દીધી. ત્યારબાદ તેઓ ચીફ એકાઉન્ટ ઓફિસર કે.એન.ખેર પાસે ગયા તો જવાબ મળ્યો હતો કે, ’ તમે હાઇકોર્ટમાં ગયા હોવાથી યુનિવર્સિટીએ તમને છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે.’ જેથી આ કર્મચારીઓ ધરણાં પર બેસી ગયા હતા. તે વખતે કર્મચારીઓએ તત્કાલિન કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરી દવે, તત્કાલિન ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ધીરેન પંડયા સહિતનાને રજૂઆત કરી હતી.
જોકે સિન્ડિકેટ સભ્યો સહિતના સત્તાધીશોએ કર્મચારીઓની એક વાત સાંભળી ન હતી અને નાના કર્મચારીઓની નોકરી છીનવી લીધી હતી. ત્યારબાદ તમામ કર્મચારીઓની હાઇકોર્ટમાં લડત ચાલુ જ હતી. દરમ્યાન અન્ય એક ફિક્સ પે કર્મી જે.સી.ખખ્ખર પણહાઈકોર્ટમાં ગયા તો તેમને પણ યુનિવર્સિટીએ છુટ્ટા કરી દીધા હતા. ત્યારબાદ અન્ય તમામ કરારી કર્મચારીઓ પર ધોકો પછાડતા રીક્રિએશન ક્લબમાંથી કરારીને બાકાત કરાયા અને છેલ્લે તેમને મળતી મફત દવાનો હક પણ છીનવી લેવાયો હતો.
હાઇકોર્ટમાં છ મહિના સુધી કરારી કર્મચારીઓએ લડત ચલાવી. જેમાં કર્મચારીઓના પક્ષે વકીલ આનંદ ગોગોઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પક્ષે એ.આર.ઠાકર રોકાયા હતા. દરમ્યાન ૭ મે ના હાઈકોર્ટના જસ્ટિસ એન. વી. અંજારીયાએ જજમેન્ટ આપ્યું હતું કે કર્મચારીઓને છુટ્ટા કરવામાં યુનિવર્સિટીનો બદઇરાદો સામે આવે છે.
જેથી પાંચેય કર્મચારીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તત્કાલિન અસરથી પરત લેવામાં આવે અને હવે કાયમી થવા માટે કર્મચારીઓએ ટ્રિબ્યુનલમાં ત્રણ માસમાં અરજી દાખલ કરવાની રહેશે અને ટ્રિબ્યુનલ પણ છ માસમાં ચુકાદો આપી દેશે. ત્યારબાદ હાઈકોર્ટના ઓર્ડર સાથે શુક્રવારે કર્મચારીઓ રજીસ્ટ્રાર પાસે ગયા હતા અને યુનિવર્સિટીમાં પરત લેવા માટે લેખિત રજૂઆત કરી હતી. જોકે રજીસ્ટ્રાર રમેશ પરમારે જવાબ આપ્યો હતો કે ‘વિચારીને જવાબ આપશુ’.