લોક અદાલતના ટાર્ગેટ પુરા કરવાના ચક્કરમાં રેગ્યુલર કેસો ખોરવાયા
લોકોને સરળ અને ઝડપી ન્યાય આપવા લોક અદાલત શ્રેષ્ઠ માધ્યમ છે. અલબત લોક અદાલતમાં વધુને વધુ કેસો મુકવા માટે હવે કોર્ટની કાર્યવાહી ખોરંભે ચડી હોવાનું ધ્યાને આવ્યું છે. પરિણામે રેગ્યુલર કેસોને પણ અસર પહોંચી રહી છે. હવે લોક અદાલત માટે દરેક કોર્ટને ફરજિયાત અમુક કેસો શોધવા અને તેમાં મુકવા માટે નિર્દેશ આપવામાં આવી રહ્યો છે જેના કારણે લોક અદાલતના મહિના પહેલા જ કોર્ટનો આખો સ્ટાફ લોક અદાલતમાં પુરા થાય તેવા સમાધાન લાયક કેસો શોધવામાં લાગી જાય છે જેથી કેસો ચલાવવાની કાર્યવાહી ખોરંભાઈ છે. આ ઉપરાંત પુરા ન થાય તેવા કેટલાક કેસો અદાલતમાં દાખલ કરી દેવામાં આવતા કોર્ટના જ સમય અને શક્તિનો વ્યય થતો હોય છે. આ તમામ વચ્ચે લોક અદાલત માટે વ્યસ્ત યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ તેવી માંગ ઉઠી રહી છે.
રાજયની તમામ અદાલતોમાં દર વર્ષે લોક અદાલત યોજવામાં આવે છે. આજે હાઈકોર્ટમાં પણ લોક અદાલત છે. વિવિધ કોર્ટમાં પેન્ડિંગ સમાધાન કેસો, ચેક બાઉન્સના કેસો, વાહન અકસ્માતના કલેઈમ માટેના કેસો, લગ્ન વિષયક ફેમીલી કેસો, લેણાના દાવા, જમીન સંપાદનના કેસો, ભાડુઆત-મકાન માલીક તકરારના કેસો, સુખાધીકારના દાવાઓ, વીજ અને પાણી બીલના કેસો વગેરે સહિતના કેસોના સુખદ નિકાલ માટે પ્રયાસ કરવામાં આવે છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોક અદાલતમાં અમુક ફરજીયાત કેસો મુકવાનો નિર્દેષ કોર્ટને આપવામાં આવે છે. જેથી ટાર્ગેટ પુરો કરવાના ચક્કરમાં કોર્ટનો આખો સ્ટાફ સમાધાન લાયક કેસોની શોધખોળમાં મહિના પહેલાંથી જ લાગી જાય છે. જો કેસો ન મળે તો સમાધાન ન થાય તેવા પણ કેટલાક કેસો લોક અદાલતમાં ટાર્ગેટ પુરો કરવા માટે મુકી દેવામાં આવે છે. મહિના પહેલાં જ લોક અદાલત માટે કેસો શોધવા અને તેના સમન્સ, વોરંટ બજવણી માટે કોર્ટનો આખો સ્ટાફ તે જ કામગીરીમાં વ્યસ્ત રહે છે. જેના કારણે રેગ્યુલર કેસો પર ધ્યાન આપવામાં આવતું નથી અને તારીખો પડતા લોકોને ધક્કા ખાવા પડે છે. આવી પરિસ્થિતિને કારણે વકીલોમાં એવી ચર્ચા છે કે, લોક અદાલતને કારણે રેગ્યુલર કેસો ચલાવવામા આવતા નથી ઉપરાંત કેટલાક કેસો પુરા ન થાય તેવા હોય તેવા લોકોને પણ કેસ લોક અદાલતમાં મુકવા કોર્ટ દ્વારા ફરજ પાડવામાં આવે છે.
કેટલાક કેસો એવા પણ સામે આવ્યા હતા કે, લોક અદાલતમાં ફરિયાદીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હોય અને તેઓ હાજર ન રહ્યાં હોય તો સીઆરપીસીની કલમ ૨૫૮ હેઠળ કોર્ટે પોતાની સત્તાનો ઉપયોગ કરી તે ફરિયાદ કાઢી નાખી હોય.