એસસી, એસટીમાં આવતા લોકો માટે વપરાતા દલિત શબ્દ પર રોક લગાવવા એક સામાજીક કાર્યકર મોહનલાલે કોર્ટમાં અરજી કરી હતી
અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકો માટે ‘દલિત’ શબ્દના ઉપયોગનો બંધારણમાં કયાંય ઉલ્લેખ નથી: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
‘દલિત’ શબ્દનો ઉપયોગ ન કરવા રાજય સરકારોને હાઈકોર્ટે ટકોર કરી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને તેની એજન્સીઓએ અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિના લોકો માટે ‘દલિત’ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. એસસી, એસટીમાં આવતા લોકોને માટે દલિત શબ્દનો ઉપયોગ કરવો તેવો બંધારણમાં કયાંય ઉલ્લેખ નથી. આથી રાજય સરકારો અને કેન્દ્રએ આ બાબતે ધ્યાન રાખવા મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટકોર કરી છે.
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને ‘દલિત’ શબ્દથી સંબોધન ન કરવા એક સામાજીક કાર્યકર મોહનલાલ માહોરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે હાઈકોર્ટે આ પ્રકારે કથન કર્યું છે.
જોકે, અરજી કરનાર મોહનલાલ માહોર એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર અથવા સરકાર હસ્તકની કોઈ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા કોઈ દસ્તાવેજમાં દલિત લખેલું હોય. સરકારે પણ આ સામે દલીલ કરી હતી કે દસ્તાવેજો કે અન્ય કોઈ કાગળોમાં એસસી, એસટીનો જ ઉલ્લેખ થાય છે. જોકે, તેમ છતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે ‘દલિત’ શબ્દનો ઉપયોગ ન કરવા રાજય સરકારને ટકોર કરી છે.
અરજી કરનાર મોહનલાલ માહોરના વકીલ જીતેન્દ્ર શર્માએ કહ્યું કે, ૧૫ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને આ પગલે કેન્દ્ર અને રાજય સરકાર ‘દલિત’ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. સરકાર હસ્તકની એજન્સીઓની સાથે નોન-ગર્વમેન્ટ એજન્સીઓ પણ ‘દલિત’ શબ્દ વાપરવો જોઈએ નહીં તેમ એડવોકેટ શર્માએ જણાવ્યું હતું.