ડ્રગ્સ માફિયાઓની વાયા ગુજરાત ઘૂસણખોરી!!!
પહેલા કન્ટેનરમાંથી અંદાજે 1999 કિલો ડ્રગ્સ મળ્યા બાદ બીજા કન્ટેનરમાંથી અંદાજે 1000 કિલો જથ્થો મળતા સુરક્ષા તંત્ર ચોંકી ઉઠ્યું : હજુ પણ તપાસનો ધમધમાટ
અબતક, નવી દિલ્હી : ડ્રગ્સ માફિયાઓ વાયા ગુજરાત ઘૂસણખોરી કરી રહ્યા છે. ત્યારે આવી જ રીતે ઘૂસણખોરીનો પર્દાફાશ મુંદ્રા પોર્ટ ઉપરથી થયો હતો. અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કન્ટેનર અટકાવી ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન કુલ 2999 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળ્યો હોવાના અહેવાલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પકડાયેલા જથ્થાની કિંમત 20 હજાર કરોડ સુધી પહોંચી છે.
આ જથ્થો વિજયવાડા થઈને દિલ્હી જવાનો હતો.
બંને કન્ટેનરની તપાસમાં પ્રથમ કન્ટેનરમાંથી 1999 કિલો જથ્થો મળી આવ્યો હતો. બીજા કન્ટેનરમાંથી આજે પૂર્ણ થયેલી તપાસમાં 1000 કિલો હેરોઈન મળી આવ્યું હતું. કુલ 2999કિલોગ્રામ જેટલો જથ્થો સીઝ કરીને કંડલા કસ્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. વિજયવાડાની આશી ટ્રેડિંગ નામની કંપનીએ જથ્થો ઈમ્પોર્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે.
દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુન્દ્રા અદાણી બંદરે કન્સાઈન્મેન્ટ આવી રહ્યું છે, જેમાં હેરોઈન હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડીઆરઆઈએ મુન્દ્રા અદાણી બંદરે આવેલ બે કન્ટેનરમાં તપાસ કરતા બંને કન્ટેનરોમાં ટેલ્કમ પાવડરની આડમાં ર૦ કિલોની કેપિસિટી ધરાવતી બેગો મળી આવી હતી. જેની તપાસમાં 2999કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
ગત તા.17/9એ ચેન્નઈથી મચ્છાવરન સુધાકર અને તેની પત્ની ગોવિંદરાજુ દુર્ગાપૂર્ણા વૈશાલીને ઝડપી મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી ટ્રાન્ઝીટ વોરંટના આધારે કચ્છમાં લવાયા બાદ પાલારા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. વિજયવાડાના પોલીસ કમિશનરે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, વિજયવાડા ૫ોલીસની તપાસમાં એવુ જાણવા મળ્યું હતું કે, મચાવરામ સુધાકર અને તેની પત્ની વૈશાલી વિજયવાડામાં રહે છે. જેમણે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડમાંથી એક્સપોર્ટ ઈમ્પોર્ટ માટે લાઈસન્સ લીધું હતું. તેઓ જે મકાનમાં રહે છે તે વૈશાલીની માતાના નામે છે. જીએસટી નોંધણીમાં દર્શાવેલ સરનામુ પણ વિજયવાડાનું છે.
મુન્દ્રામાં પકડાયેલું હેરોઈન પાશેરામાં પૂણી સમાન
મુન્દ્રા બંદરેથી હજારો કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો તે પહેલાં ડ્રગ્સ પેડલરોએ ર૪ ટન જથ્થો આયાત કરી સગેવગે કરી નાખ્યો છે. વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીએ જૂન મહિનામાં આવું જ એક કન્સાઈન્મેન્ટ મંગાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જેમાં નવી દિલ્હીના વેપારી કુલદીપસિંહનુ નામ પણ ચર્ચામાં આવ્યું છે, પરંતુ ડ્રગ્સ પેડલરોએ નકલી નામ ઉપજાવી કાઢયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ માલ રાજસ્થાનની ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિકની ટ્રક મારફતે મોકલવામાં આવ્યાની શક્યતા છે. કાશીનાડા બંદરેથી ચોખાની નિકાસના બહાને ગયા વર્ષે વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીની નોંધણી થઈ હતી. પરંતુ તેને જે કન્સાઈન્મેન્ટ મળ્યું તે એજ ચેનલ મારફતે મુન્દ્રા પોર્ટ પરથી મંગાવી અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યું હોવાનું અનુમાન છે.
સૌથી મોટો જથ્થો પકડવાનો રેકોર્ડ બને તેવી શકયતા
મુન્દ્રા પોર્ટ પરથી ડીઆરઆઈએ પકડેલા 2999 કિલો હેરોઈનનો મામલો ‘વર્લ્ડ લાર્જેસ્ટ હેરોઈન કેસ’ બનવાની સંભાવના છે. હેરોઈનનો ઉચ્ચ ક્વોલિટીનો છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની પ્રતિ કિલો લગભગ સાત કરોડ જેવી કિંમત આંકવામાં આવે છે. પકડાયેલા હેરોઈનની કુલ કિંમત અધધધ 20 હજાર કરોડથી ઉપર પહોંચી શકે છે. જે દુનિયા ઈતિહાસમાં અત્યાર સુધીમાં એકસાથે પકડાયેલા હેરોઈનનો સૌથી મોટો જથ્થો બની શકે છે.
ડ્રગ્સ મંગાવનાર પતિ-પત્ની 10 દિવસના રિમાન્ડ ઉપર
ચેન્નઈની આશી ટ્રેડર્સ નામની કંપનીએ આ જથ્થો મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવતાં ડીઆરઆઈએ વિજયવાડાના પતિ, પત્નીની ધરપકડ કરી લીધી હતી. જેઓ બંનેને ભુજની નાર્કોટિક્સ ડ્રગ્સની કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેઓને ૩૦ સપ્ટેમ્બર સુધી ૧૦ દિવસના રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કર્યો હતો.