ઉચી માંડલના ક્રેન્ઝા સીરામિક્સ પ્રા. લી.એ તેના કર્મચારીઓને માત્ર હેલ્મેટ આપીને સંતોષ ન માન્યો, આ હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિયમ પણ બનાવ્યો
મોરબી: મોરબીના ઉંચી માંડલ ગામે આવેલા એક સિરામિક યુનિટે એક પ્રેરણાદાયી કાર્ય હાથ ધરીને સિરામિક જગતને પણ આ દિશામાં આગળ વધવાની ટકોર કરી છે. આ સીરામીક યુનિટે તેના તમામ કર્મચારીઓને બોનસ રૂપે એક એક હેલ્મેટ આપ્યા છે. માત્ર હેલ્મેટ આપીને વાત પૂરી નથી આ યુનિટે એવો નિયમ પણ બનાવ્યો કે કર્મચારીઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવું.
મોરબીના ઉંચી માંડલ ગામે શનાળા તડાવિયા રોડ પર ક્રેન્ઝા સીરામીક પ્રા. લી. આવેલ છે. ડિરેક્ટર દેવેનભાઈ સરસિયા, દયારામભાઈ સોરીયા, હિતેશભાઈ અમૃતિયા તેમજ પાર્ટનર ભાવિક માકડીયા, મિતેષ જકસણીયા, જયેશ પટેલ, રજત સોરીયા, રમેશ ભાડજા અને જયેશ વરમોરાની આગેવાની હેઠળ આ યુનિટ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આ યુનિટના પાયાના પથ્થર સમાન કર્મચારીઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
સીરામીક યુનિટ જે વિસ્તારમાં આવેલું છે ત્યાં દિવસે ને દિવસે અકસ્માતોનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. ત્યારે કર્મચારીઓના હિતાર્થે ક્રેન્ઝા સીરામીક પ્રા. લી.ના સંચાલકોએ બોનસ રૂપે હેલ્મેટ આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ યુનિટમાં ફરજ બજાવતા ૩૮ કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. યુનિટના સંચાલકોએ કર્મચારીઓને માત્ર હેલ્મેટ આપીને સંતોષ માન્યો ન હતો. તેઓએ એવો નિયમ પણ બનાવ્યો કે કર્મચારીઓએ ફરજિયાત પણે આ હેલ્મેટ પહેરીને જ બાઈક ચલાવવાનું રહેશે.
ક્રેન્ઝા સીરામીક પ્રા. લી દ્વારા લેવામાં આવેલ આ પગલું સરાહનીય અને પ્રેરણાદાયી છે. મોરબી પંથકની મોટાભાગની વસ્તી સીરામિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ત્યારે આવા અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવતા હોય છે. આ મોત થી એક પરિવાર પોતાના વ્હાલસોયી વ્યક્તિ ગુમાવે છે. સાથે એક ઉદ્યોગ પોતાનો કુશળ કર્મચારી પણ ગુમાવે છે. જેથી આ પ્રકારનું કાર્ય દરેક સીરામિક યુનિટ દ્વારા હાથ ધરવામાં આવે તો અનેક કર્મચારીઓના જીવ બચી શકે તેમ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,