સંજય ડાંગર, ધ્રોલઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ ભારે કેર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરના કારણે દર્દીઓની સંખ્યામાં ખુબ જ વધારો જોવા મળ્યો હતો. આ બીજી લહેર એટલી ભયાનક હતી કે આ વખતે ગામડાઓમાં પણ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા. ત્યારે ધ્રોલ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે તાલુકામાં ખૂટતી તમામ સુવિધા પૂરી પાડવામાં આવે.
પ્રમુખ જીજુભા માધવસિંહ જાડેજાનું કહેવું છે કે ધ્રોલ તાલુકાના ગામડાઓના લોકોને પૂરતી સુવિધા ન હોવાને કારણે હેરાન થઇ રહ્યાં છે. તેમનું કહેવું છે કે ધ્રોલ તાલુકામાં ફક્ત એક જ સીએચસી હોસ્પિટલ છે જ્યાં રોજના 500થી 600 ઓપીડી થતા હોવા છતા ઓક્સિજનની પુરતી વ્યવસ્થા નથી. એટલું જ નહીં અહીં મહેકમમાં એમડી ડોક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી પડી છે.
કોંગ્રેસનું કહેવું છે કે ધ્રોલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે પૂરતી બેડની વ્યવસ્થા નથી જે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી પડે એમ છે. તથા કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. તથા ધ્રોલ તાલુકાને કોરોના વેક્સીનનો પૂરતો સ્ટોક મોકલવામાં આવે.