૨૦૧૯ની લોકસભાની ચુંટણી લડવાની મજા આવશે: મેદાનમાં ઉતરવા હાર્દિક તૈયાર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે વધાવીને કહ્યું હતું કે, આર્થિક પછાત સવર્ણો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશમાં ૧૦ ટકા અનામતથી મને સંતોષ છે. આ નિયમથી સવર્ણોને દેશના મુખ્ય પ્રવાહમાં વધુ સારી રીતે વિકાસની તક મળશે.
પાટીદાર નેતાએ લોકસભાની ચુંટણી લડવાની ઈચ્છા વ્યકત કરીને જણાવ્યું હતું કે, આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયથી હું ખુશ છું પરંતુ હજુ આપણે સુપ્રીમ કોર્ટમાંથી આ કાયદાની મંજુરી મેળવવાની હજુ બાકી છે. અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે ન્યાય માટેની લડત ચાલી રહી છે ત્યારે હાર્દિક પટેલે પાટીદારોને આ કાયદાનો લાભ લેવાનો અનુરોધ કર્યો છે.
પાટીદારોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો હક અપાવવાની મારી લડત અને સમાજને ન્યાય આપવાની ઝુંબેશ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી બિનઅનામત કેટેગરીના આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા અનામતની આ જોગવાઈના અમલ માટે હજુ આપણે સુપ્રીમ કોર્ટની મંજુરીની શાંતિપૂર્વક રાહ જોવી પડશે તેમ લખનઉથી હાર્દિક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પોતે અનામતની માંગણીની સાથે-સાથે ચાર વરસ પહેલા પાટીદાર યુવાનો પર થયેલા તમામ પોલીસ કેસ પાછા ખેંચી લઈ કસુવાર પોલીસ કર્મચારી વિરુઘ્ધ શિક્ષાત્મક પગલા લેવાની માંગ દોહરાવી હતી. ૨૦૧૫માં જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાયેલી રેલી બાદ પોલીસે પાટીદારો સામે કરેલી કાર્યવાહી અને તોફાનોમાં ૧૪નાં મોતની ઘટનાને યાદ કરી કસુરવારો સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
હાર્દિક પટેલે લોકસભાની ચુંટણીમાં ઝંપલાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. લખનઉમાં જાહેરસભામાં હાર્દિક પટેલને લોકસભાની ચુંટણી અંગે પુછાયેલા પ્રશ્નમાં તેણે કહ્યું હતું કે, હા હું ચુંટણી લડીશ પરંતુ હજુ તેની કોઈ તૈયારી કરી નથી. ગુજરાતની કઈ બેઠક પરથી ચુંટણી લડવી તેનું નકકી નથી. જો તમારો પ્રશ્ન એ હોય કે હું ચુંટણી લડીશ કે નહીં તો મારો જવાબ હા છે. અત્યાર સુધી મારી ઉંમર બંધારણ રીતે ચુંટણી લડી શકે એટલી ન હતી પરંતુ ગયા મહિનાની જુલાઈમાં મને ૨૫ વરસ પુરા થયા છે. હવે હું ચુંટણી માટે ખરાઅર્થમાં પગભર પુખ્ત અને જુવાન થઈ ગયો છે. યુવાનો રોજગારી, ખેડુતોની મુશ્કેલીઓનું નિવારણ મારી પ્રાથમિકતા, યુવાનોને રોજગારી અને ખેડુતોની આર્થિક સંકળામણનું કારણ સરકારનું કોર્પોરેટ ક્ષેત્ર, ઉધોગપતિઓ ઉપર ચારેય હાથની મહેરબાની હોવાનું હાર્દિક પટેલે અંતમાં જણાવી સરકાર સામે પાટીદારો અને સવર્ણોને તેમના અધિકારો અપાવવાની પોતાની ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરી હાર્દિક પટેલે લોકસભાની ચુંટણીમાં ઝંપલાવવા અંગે અત્યાર સુધી રાખેલી બંધ બાજીના હુકમના પાના અંતે હાર્દિક પટેલે ખોલી નાખ્યા હતા.
હાર્દિક પટેલે ચૂંટણી માટેના હુકમના પાના ખોલી નાખ્યા
પાટીદાર અનામત આંદોલન સમિતિના મંચના માધ્યમથી એકાએક રાજકારણમાં ઉભરી આવેલા પાટીદાર યુવા નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડકીયાની છત્રછાયામાં રાજકીય રીતે ઘડાયેલા હાર્દિક પટેલ અત્યાર સુધી સામાજીક આગેવાન તરીકેની જાહેર સેવા માટે કાર્યરત હતા.
હવે લખનવની સભામાં હાર્દિક પટેલે ચુંટણી લડવાની જાહેરાત કરી પોતાની બાજી ખોલી નાખી છે ત્યારે ગુજરાતમાં હાર્દિક પટેલને ભાજપ સામે શસ્ત્ર તરીકે વાપરવા કોંગ્રેસ હાર્દિક પટેલને વધાવી લેશે કે પટેલ કંઈ નવું કરશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.