“વિશ્વની સૌથી પુરાતન માનવ સંસ્કૃતિ એવી સિંધૂ સંસ્કૃતિના અવશેષોનું નગર એટલે ધોળાવિરા નજીક ખોદકામ દરમિયાન મળી આવેલું નગર!”
હા મૈને ભી કચ્છ દેખા -૨
સંત મેકરણજીનું ગૂરૂ સ્થાન સોરઠમાં પરબ વાવડી નિષ્કલંકી ધામ હતુ
કચ્છનો પાવર પટ્ટી વિસ્તાર એટલે મધ્ય કચ્છ, ભૂજની આજુબાજુના વિસ્તારને પાવર પટ્ટી કહેવામાં આવે છે. પાવર પટ્ટીમાં આવેલા ભૂજ શહેરને તો પીઆઈ જયદેવે સૌ પહેલા જ જોઈ લીધું હતુ. સમયાંતરે જયદેવે પાવર પટ્ટીના બાકીનાં ઐતિહાસીક અને ધાર્મિક સ્થળો પોતાના ગૂરૂ ઝાલા સાહેબ સાથે જોયેલા અને તેમની પાસેની સંપૂર્ણ માહિતીથી તેમની રસપ્રદ શૈલીમાં જ માહિતગાર થયેલો.
કચ્છમાં જે પૂરાણી તપસ્વી સંત ત્રિપૂટી, મોડપીર મામૈયાદેવ અને જોગણીદેવી હતા તેમ એક સેવાભાવી સંત મેકરણદાદા પણ થઈ ગયા. જેમણે કચ્છના પાવર પટ્ટી વિસ્તારના પછાત અને રણકાંઠે આવેલા ધ્રંગ ગામે ધૂણો ધખાવેલો એમ કહેવાય છે કે તેઓએ લોકસેવાનું ગૂરૂજ્ઞાન સોરઠના પરબધામ આશ્રમમાં લીધેલું તેઓએ રકતપિતના દર્દીઓની સેવા પરબધામથી જ શરૂ કરેલી અને ગૂરૂઆજ્ઞા થતા કચ્છમાં આવી જનસેવા કરવા અતિ પછાત અને રણકાંઠાના ધ્રંગ ગામ ખાતે આવી વસેલા તેઓ ભીક્ષાવૃત્તિ કાવડથી કરી મળેલ ખોરાક પાણી લઈ પોતે પાળેલા ગધેડા અને કૂતરાને લઈ કચ્છના અફાટ રણમાં વટે માર્ગુ ને સહાય કરતા જો કોઈ માણસ રણમાં ભૂલો પડયો હોય તો કુતરો માણસની ગંધ લઈ સગડ લઈ તેને શોધી ખોરાક પાણીની મદદ કરી ધ્રંગ સુધી લઈ આવવાની મદદ કરતા.
ધ્રાંગ ગામે હાલે પણ સંત મેકરણજી તે સમયે જનસેવા ઉપરાંત તપ સાધના કરતા તે ધૂણોઅને તેમની કાવડ, વસ્ત્રો વિગેરે સાચવવામાં આવ્યા છે. હાલમાં આ જગ્યાનો સારો વિકાસ થયો છે.
અબડાસા વિસ્તાર જેમના નામ ઉપરથી પડેયું તે જામઅબડાના પુત્ર મોડકુંવર પછીથી મોડપીર તરીકે ઓળખાતા તેઓ જન્મ પહેલાથી જ દિવ્ય શકિત ધરાવતા હતા. તેઓ જામ અબડાના દ્વિતિય પુત્ર હતા પણ બચપણથી જ આદ્યાત્મિક સાધનામાં તેઓ રત પ્રત રહેતા જયારે દુષ્કાળ પડયો ત્યારે સમગ્ર રસાલો દુકાળ ઉતારવા સૌરાષ્ટ્રના સોરઠમાં આવેલો ત્યારે મોડપીર પણ સાથે આવેલા. સોરઠમાં ભાદર નદીના કાંઠે એક જોગણી પોતાની નાનકડી મઢુલીમાં રહેતી હતી જેણે મોડપીરની દિવ્ય શકિતની વાત સાંભળીને મોડપીર પાસે આવેલી. દુષ્કાળનો સમય પૂરો થઈ જતા સઘળો રસાલો પાછો કચ્છ આવવા રવાના થયેલો સાથે જોગણી પણ કચ્છ આવવા નીકળ્યા. ખાડી પાર કરી કચ્છ આવતા ત્યાં સિંધથી ગિરનાર જતા મામૈદેવનો ભેટો થયો તેઓ પણ જાણતા હતા કે મોડપીર દિવ્ય વિભૂતિ છે.મોડપીરના આગ્રહથી મામૈદેવ તેમની જોડે પાછા કચ્છ આવ્યા કચ્છમાં દરિયાકાંઠે જ એક સુંદર અને રમણીય અને ચમત્કારી સ્થળ રસ્તામાં આવ્યું, આ જગ્યાએ જ રસાલામાં મોડપીર સાથે આવેલ તપસ્વીની જોગણીએ મૂકામ કરી દીધો આ જોગણી નાળનું સ્થળ હાલે પણ કચ્છના કંઠી વિસ્તારના આદિપૂરથી વિસેક કીલોમીટર દૂર દરિયા કાંઠે આવેલું છે. જયાં જોગણીમાતાનું પૌરાણીક મંદિર પણ આવેલ છે. પાણીનો કુંડ છે. અને ગાંધીધામ આદિપુરના લોકો માટે પર્યટનનું સ્થળ બની ગયું છે.
આ સંત ત્રિપુટી પૈકી મામૈદેવનું મંદિર ભૂજની નજીક ભૂજોડી અને માધાપરની ઉતરે પર્વત ઉપર આવેલું છે જેને લોકો મતિયા દેવ તરીકે પણ ઓળખે છે. તે સમયનો જુનાગઢનો રાજા રા’નવઘણ આ મામૈદેવનો પરમ ભકત હતો. કચ્છનો મહેશ્ર્વરી સમાજ પણ આ મામૈદેવને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે અને ભૂજની ગાદી ઉપર જેમહારાવ ગાદીનશીન થતા તેમને રાજતીલક આ મામૈદેવ જ કરતા હતા. આ મામૈદેવનું એક સ્થાનક અબડાસાના ગોડથર ગામે પણ આવેલ છે.
ધ્રંગ ગામે જતા જ રસ્તામાં કોટાઈ ગામે પૌરાણીક સૂર્ય મંદિર આવે છે જે ઓરિસ્સામાં આવેલ કોણાર્કના સૂર્ય મંદિર જેવા જ ઘાટ વાળુ પણ જર્જરીત હતુ આ બે સૂર્ય મંદિર તથા મોઢેરા (ઉ.ગુજરાત)નું સૂર્ય મંદિર અક્ષાસ (રેખાંશ) પૈકીનાં કર્કવૃત ઉપર જ આવેલ છે. જે નોંધનીય છે.
હાલના સંજોગોમાં કંડલા અને મુંદ્રા સમગ્ર દેશના હૃદયસમાન ગણી શકાય !
કંઠી:- કચ્છની પશ્ર્ચિમ દક્ષિણે દરિયા કાંઠે આવેલો વિસ્તાર કંઠીતીકે ઓળખાય છે. આ કંઠી વિસ્તાર પ્રાકૃતિક અને ઔદ્યોગિક રીતે ખૂબજ સમૃધ્ધ વિસ્તાર છે. માંડવી મુંદ્રાથી લઈ છેક અંજાર સુધીનો વિસ્તાર લીલોતરીથી ભરપૂર અને ફળફુલના બગીચાઓ ખાસ તો કચ્છની કેસર કેરી માટે પ્રખ્યાત માંડવી તાલુકાના મઉ ગામના જાગીરદાર ખેડુત બટુકસિંહ જાડેજાનો બે ત્રણ ગામના સીમાડા સુધી વિસ્તરેલો ફળઝાડનો બગીચો જોવો એ તો ખાસ લહાવો છે. તે બગીચો ખરેખર ગુજરાત માટે અજાયબી સમાન છે. જયારે વિદેશમાં ભારતીય કેરી ઉપર પ્રતિબંધ હતો ત્યારે પણ બટુકસિંહની કેરીઓ દુબઈ તથા ત્યાંથી યુરોપના દેશોમાં પણ જતી હતી તેનું કારણ એ હતુ કે બટુકસિંહની પૂરી ખેતી ઓર્ગેનિક અને આધૂનિક છે.
કોઈ રસાયણ દવાઓનો ઉપયોગ નહિ આ બગીચો જો ફોર વ્હીલમાં ફરીને જોવામાં આવે તો કદાચ સાંજ સુધીમાં પૂરો જોઈ શકાય આ બગીચામાં કેરી ઉપરાંત દાડમ, ખારેક કાજુ સહિતના લગભગ તમામ ફળો અને ફૂલઝાડની નર્સરીઓ આવેલ છે. કચ્છ કેરીની કલમોનું મોટાપાયે ઉત્પાદન થાય છે. વીટીવી ગુજરાતે બટુકસિંહને જે ખેતી રત્નનો શિલ્ડ આપેલો તે વ્યાજબી જ છે. રાજયના લગભગ તમામ પ્રધાનો અને સેલીબ્રીટીઓ આ બગીચો જોવા આવતા હોય છે. વિદેશમાંથી ચીન, જાપાન અરબસ્તાન અને યુરોપથી પણ લોકો આ બગીચો જોવા આવે છે. જે ગૌરવની વાત છે.
માંડવી તાલુકા માફક જ મુંદ્રા તાલુકામાં અને અંજાર તાલુકાનાં ખેડાઈ વગેરે ગામોએ ફળ ફૂલના વિશાળ બગીચાઓ આવેલા છે.
આ કંઠી વિસ્તાર જે રીતે ખેતીમાં સમૃધ્ધ છે. તે જરીતે ઔદ્યોગિક અને વ્યાપારીક ધોરણે પણ ઘણો જ સમૃધ્ધ છે. કંડલા મહા બંદર છે તો મુંદ્રા આધૂનિક વિકસેલુ ખાનગી બંદર છે. માંડવી અને તુણા બંદરો જૂના પણ નાના વહાણો માટેના છે. કંડલા બંદરતો ઉતર ભારતનું હૃદય જ કહી શકાય. કંડલા બંદરમાં જેટીઓ તો અનેક છે પણ ઓઈલ જેટી તો અલગ જ અને અતિ સંવેદનશીલ છે તો કારગો જેટીઓ પણ વિશાળ છે. મુંદ્રા તથા કંડલા ફી ટ્રેડ ઝોન તથા ગાંધીધામ અંજારમાં વિશાળ ઉદ્યોગો સ્થપાયેલા છે.
કંઠી વિસ્તારના માંડવીના દરિયા કાંઠો બીચ ફરવા માટે વખણાય છે. દરિયાકાંઠે આવેલો ભૂજ મહારાવનો વિજય વિલાસ પેલેસ અને સ્વાતંત્ર્ય વિર શામજીકૃષ્ણ વર્માનું જન્મ સ્થળ હોઈ રાજય સરકારે તેમનું ખાસ સ્મારક અને સંગ્રહાલય પણ બનાવેલ છે. જયદેવે પોલીસ દ્રષ્ટિએ વ્યુહાત્મક અને દરિયાકાંઠે આવેલા અન્ય સ્થળો રાવળ પીર અને ધોળુપીરના દરિયાકાંઠ પણ જોયા.
માંડવીની બાજુમાં જ આવેલ બાડા ખાતેનું વિપશ્યના ધામ-ધમ્મ સિંધુ સાધકોનું માનિતુ સ્થળ છે. માંડવી તાલુકામાં જ રાજડા ટેકરી ખાતે આવેલુ મંદિર સંકુલ જુનુ નાથ સંપ્રદાયનું મંદિર છે. તેમાં માં આશાપૂરા તેમજ અન્ય દેવી દેવતાના પણ મંદિરો છે તેની નજીકમાં થોડા કિલોમીટર દૂર રતાડીયા ખાતેની ‘શ્રીપીઠ’ આવેલી છે. તાલુકાના ગોધરા ગામે આવેલુ અંબાજી માતાનું મંદિર તથા ભૃગુ ઋષિએ તપસ્યા કરેલી તે સ્થળ કે જયાં કચ્છી લોકો પિતૃઓની તર્પણ વિધિ કરી છે. તે ધ્રબોડી તિર્થ તથા માંડવી અને ભદ્રેશરના જૈન મંદિરો અને કચ્છની જૂની ઓળખાણ એવી અંજાર ખાતેની જેસલ-તોરલની સમાધી કંઠી વિસ્તારમાં જ આવેલ છે.
જેસલ તોરલની કવિતા તો જૂના અભ્યાસક્રમોમાં ત્રિજા ચોથા ધોરણમાં જ ભણાવવામાં આવતી.
‘પાપ તારૂ પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે…
તારી બેડલીને ડુબવા નહિ દઉ એમ તોરલ કહે છે..’
આ સતી તોરલની દિવ્ય શકિતથી બહારવટીયા જેસલ જાડેજાનું માનસ પરિવર્તન થયેલુ અને તે પણ સંત બની ગયેલો આ ઈતિહાસ ઉપરથી ગુજરાતમાં ખૂબ વખણાયેલું અને તે સમયે ચાલેલુ ગુજરાતી ફિલ્મ જેસલ તોરલ બનેલુ ગુજરાતી સાહિત્યમાં આ સંત જોડી માટે અકે પ્રખ્યાત દુહો છે.
‘તોરલે ત્રણ નર તારિયા
જેમાં સાસટીયોને સધિર
જેસલ જગ નો ચોરટો
જેને પલમાં કીધો પીર’,
આ ઉપરાંત ઉપર જણાવ્યા પ્રમાણે કચ્છની સંત ત્રિપુટીમોડપીર, મામૈદેવ અને જોગણી પૈકી જોગણીમાતાનું મંદિર આદિપૂરની નજીક દરિયાકાંઠે આવેલું છે. ગાંધીધામ અને કંડલામાં આધૂનિક વિશાળ મંદિરો પણ બન્યા છે જેમાં દક્ષિણ ભારતના જ મીનાક્ષીમંદિર અને તીરૂપતી મંદિર પ્રકારનાં મંદિરો કંડલા અને ગાંધીધામમાં છે.
કચ્છ ધોળાવિરા એટલે સિંધુ સંસ્કૃતિની વિરાસત
કચ્છનો પૂર્વ બાજુનો વિસ્તાર એટલે કે ભચાઉથી શરૂ થતો સામખ્યાળી, આડેસર, રાપર અને છેક કચ્છના મોટા રણ અને પાકિસ્તાન સુધી વિસ્તારેલો ખડીર ગઢડા સહિતનો વિશાળ વિસ્તાર એટલે વાગડ વિસ્તાર.
જયદેવ જયારે પોલીસ દળમાં નવો નવો દાખલ થયલો ત્યારે સમગ્ર રાજયમાં ફોજદાર માટે ફરજ બજાવવામાં કઠીન અને શિક્ષાના ત્રણ સ્થળો હતા. સમગ્ર રાજયમાં કોઈ ફોજદાર કોઈ નાની મોટી કસૂરમાં આવે કે કોઈ અજગર રાજકારણીની સાથે બાથ ભીડે તેને આ ત્રણ કઠીન અને શિક્ષાના સ્થળો કે જે કચ્છમાં પાકિસ્તાનની સરહદે આવેલ છે કે જયાં કોઈ ઉંટ સિવાય વાહન વ્યવહાર નહતો તેમજ ઉંટ ઉપર અઠવાડીયે એક વખત પાણી આવતું જે કચ્છના રણ કાંઠે આવેલા ખાવડા ખડીર અને બેલાના બોર્ડર પોલીસ સ્ટેશનોમાં બદલી કરી નાખવામાં આવતી જોકે હવે તો છેક બોર્ડર સુધી નર્મદાના નીર પહોચી ગયા છે. અને હવે બોર્ડર થાણાઉપર પણ વાહન વ્યવહાર ટીવી ટેલીફોન અને મોબાઈલ ફોનથી લીલા લહેર થઈ ગઈ છે. અને સફેદ રણ જોવા રણમાં કાર રેસ માટે પણ પ્રવાસીઓની અવર જવર પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ છે.
વાગડમાં કંથકોટ, રાપર પાસે રવરાય રવેચી માતાનું મંદિર પણ તળાવના કાંઠે પૂરાતન પ્રકારનું આવેલ છે. તો રાપર આડેસર વચ્ચે મોમાઈમોરા મોમાઈ માતાનું મંદિર પણ યાત્રા સ્થળ છે. તો કૃષ્ણ રાસલીલાની ગ્રામ્ય ગોપીઓ બનેલી વાગડની મહિલાઓ અને રાસલીલાના ઢોલીની અજબ કહાની વાળુ વ્રજવાણી ગામ અને મંદિર પણ વાગડમાં જ આવેલું છે. હેલ્લારો ગુજરાતી ફિલ્મ ફેઈમ. તેજ પ્રમાણે ચિત્રોડમાં આવેલુ ત્રિકમાચાર્યનું સ્થાનક પૂરાતન છે. બીજા એક ત્રિકમા ચાર્ય સાધક સંત પોરબંદરનાં બરડા ડુંગર ઉપર પણ થઈ ગયા તેમની પણ પોરબંદર, ભાણવડ વિસ્તારમાં ચાહના સારી એવી છે.
નેશનલ હાઈવે ગાગોદર ગામ પાસે આવેલુ કાનમેર ગામ એક સમર્પિત પ્રેમ કથા લઈને પડયું છે. નાગમતી નાગવાળાની પ્રેમ કથાનું સંવેદનશીલ પ્રકરણ દુલેરાય કારાણી લીખીત પુસ્તક ‘કચ્છ કલાધર’માં ભાવવાહી રીતે વર્ણવેલ છે.
કંથકોટનો ર્જીણ કિલ્લો વાગડમાં ભચાઉ નજીક એક પહાડ ઉપર આવેલો છે. કચ્છ કલાધરમાં જણાવ્યા પ્રમાણે આ કંથકોટ નવમા સૈકા દરમ્યાન જામસાડે બંધાવેલો આ જગ્યાનું નામ કંથકોટ એ રીતે પડયું કે આ કિલ્લો બન્યો તે પહેલા આ પહાડ ઉપર યોગી કંથડનાથ ધૂણી નાખીને બેઠા હતા તેમનો પણ અલગ ઈતિહાસ છે. આ કથકોટમાં હાલ ફકત કંથડનાથની ધાર્મિક જગ્યા ખંઢેરો અને શહીદો અને સતીઓની શાખ પરતા પાળીયા અને ખાંભીઓ ઉભી છે. વિશ્ર્વની સૌથી પૂરાતન સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિનું એક સ્થળ મોંહેજો દડોનો પાકિસ્તાનમાં ગયું પણ આજ સંસ્કૃતિનું તેવું બીજુ જ સ્થળ એવું ધોળાવિરા અને ફોસિલ પાર્ક વાગડના ખડીર બેટમાં મળી આવેલા છે.
આમ જૂઓ તો કચ્છ પોતે જ એક વિશાળ બેટ સમુદ્ર અને રણની વચ્ચેનો પ્રદેશ જ જણાય છે. પરંતુ કચ્છની પૂર્વોત્તર આવેલ ખડીર વિસ્તારતો જેમ પાણી વચ્ચે બેટ હોય તેમ રણ વચ્ચેનો જમીનનો વિશાળ પ્રદેશ છે. ત્યાં જવા માટે રણ ઉપર ખડીર સુધીનો બ્રીજ પણ બનાવેલો છે. આ ખડીર બેટ માટેનું પોલીસ સ્ટેશન એટલે મધ્યમાં આવેલ ગઢડા પોલીસ સ્ટેશન પણ વ્યવહારમાં કોઈ ગઢડા બોલતા નથી ખડીર પોલીસ સ્ટેશન જ કહેવાય છે.
આ ખડીરમાં એક ધોળાવીરા ગામ છે. જે ગામની થોડે જ દૂર એક નાનો ટેકરો માટીનો હતો. વર્ષોવર્ષ વરસાદ પડતા આ ટેકરાની માટી ધોવાતા ધોવાતા કાંઈક નવીન જ માનવ વસાહતના અવશેષો નીકળતા ગામના એક પ્રબુધ્ધ નાગરિક ગઢવીભાઈએ પ્રથમ રાપર પછી ભચાઉ અને છેલ્લે ભૂજ કલેકટર કચેરીમાં આ બાબતે વારંવાર જાણ કરતા આખરે લાંબી રજૂઆત ને અંતે ભૂજ પૂરાતત્વ વિભાગે સંશોધન શરૂ કર્યું અને ખોદકામ કરતા તેમાંથી વિશ્ર્વની અદભૂત કહી શકાય તેવી સૌથી પૂરાતન માનવ સંસ્કૃતિ એવી સિંધુ સંસ્કૃતિના અવશેષો રૂપ જો કે આખા નગરનું જ સંશોધન થયું ભલે તેના શોધકર્તા તરીકે જેમના નામ ચોપડે ચડયા હોય તે પણ જયદેવને આ ધોળાવિરાની પૂરાતન માનવ સંસ્કૃતિનો પરિચય સવારથી સાંજ સુધી સાથે રહી આ બુઝર્ગ ગઢવી ભાઈએજ આપ્યો ગઢવીભાઈ આ ટીંબાના ઉત્ખનન દરમ્યાન પૂરાતત્વ ખાતાના અધિકારીઓ સાથે સતત રહેલા અને તેમની જોડે દરેક સ્થળો ખૂલતા ગયા તેની ચર્ચા કરતા રહેલા અને લાંબા સમયનાં ઉત્ખન્ન સમય દરમ્યાન વિપરિત સંજોગોમાં આ અધિકારીઓને મદદરૂપ પણ થયેલા તેથી તેઓ આ ધોળાવીરાના સંપૂર્ણ સંકુલના ખૂણે ખૂણાથી માહિતગાર હતા.
ધોળાવીરાનો આ ટીંબો હજારો વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિનું એક સુઆયોજીત નગર હશે, પરંતુ કૂદરતી પ્રકોપ ધરતી કંપ કે સુનામી વિગેરેના કારણે ‘પટ્ટણ સોદટ્ટણ’ની માફક આ નગર સંપૂર્ણ પણે દટાઈ ગયેલું જે ફરી કૂદરતી નિયમ ‘ઘસારો અને નવી રચના’ મુજબ ધીરેધીરે બહાર આવેલુ.
આશ્ર્ચર્યની વાત તો એ છેકે હજારો વર્ષ પહેલા આવું અદભૂત પધ્ધતિસરનું નગર જેમાં પાણી સંગ્રહ કરવા જળાશયો કુવા, વાવ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને કિલ્લાની સુરક્ષા સુવિધા વાળુ નમુનેદાર નગર હતુ આવી સંરચના અને સુવિધા તો આઝાદીના સાંઈઠ વર્ષ પછી ધોળાવિરા ગામમાં પણ નહતા !
આ અવશેષ રૂપ નગરની બાંધણી જોઈએ તો એવી નમુનેદાર છે જેમાં નગરની મધ્ય ભાગમાં સૌથી ઉંચી જગ્યાએ નગરનાં રાજાનું રહેણાંક આથી તે મહેલમાંથી સમગ્ર નગર અને નગરથી ખૂબ દૂર સુધી નીરિક્ષણ કરી જોઈ શકે. તે પછી હીરાઝવેરાતની દુકાનો તે પછી અન્ય વેપારની દુકાનો તે પછી રાજકારભારીઓનાં મકાન, ગઢની રાંગની નજીક નાના કર્મચારીઓ ના મકાન કિલ્લામાં પ્રવેશવા માટે ચારેય દિશાએ દરવાજા જેમાં પશ્ર્ચિમ બાજુનાં દરવાજામાંથી નગરમાં પ્રવેશતા જ રમત ગમતનું વિશાળ મેદાન ત્રણ દિશાએ પ્રેક્ષકો માટે બેસવાની આધૂનિક સ્ટેડીયમ જેવી વ્યવસ્થા ગઢની રાંગ તરફ મેદાનમાં રમાતી રમતો જોવા માટે તે સમયના નગરમાં અધિપતિ માટે બેસવાની ખાસ વ્યવસ્થા જાણે પેલી હિન્દી ફિલ્મ ‘ધરમ વિર’માં જે રમત ગમત હરીફાઈનું મેદાન હતુ તે જ જોઈલો ! માણસો ના રહેણાંકોમાં રહેવા ઉપરાંત સ્નાનાગાર રસોડા વિગેરેની વ્યવસ્થા ગટર અને પાણીની વ્યવસ્થા પણ હતી, તે જમાનામાં આ વ્યવસ્થા બહુ કહેવાય આવી વ્યવસ્થાતો અત્યારના ઘોળાવિરામાં પણ ન હતી.
જયદેવ આવા આખા નગરને અવશેષોમાં ફેરવાયેલુ જોઈને અચંબો પામી ગયો જયદેવના મનમાં કલ્પનાઓ ઉઠતી હતી કે હજારો વર્ષ પહેલા અહીં કેવા કેવા લોકો રહેતા હશે, તેમન વ્યવસાય કેવા હશે, તેમની સમાજ રચના અને વ્યવહાર કેવા હશે આ નગરની સુરક્ષા અને ન્યાય કેવા પ્રકારના હશે વળી અહી પણ કુદરતી ક્રમમાં પ્રેમ કહાનીઓ તો બનતી હશે તો તે કેવા પ્રકારની હશે ? તેવી કલ્પનાઓના તરંગોમાં અટવાયેલો હતો. ત્યાંજ ગઢવીભાઈએ જયદેવને કહ્યું સાહેબ આતો હજારો વર્ષ જૂની જ વાત છે હવે ચાલો કરોડો વર્ષ પહેલાની દુનિયામાં લઈ જાવ કહી તેમણે જીપને ધોળા વિરાથી ઉતરે દસેક કિલોમીટર દૂર પણ ખડીરના છેડે અને રણના કાંઠે લઈ આવ્યા અહિં ત્રિસેક કરોડ વર્ષ પહેલાનો ફોસીલ પાર્ક છે. ફોસીલ એટલે કે અશ્મિઓ કે જે જીવંત વનસ્પતિ કે પ્રાણીઓ પૃથ્વી કે પાણીના તળીયે વર્ષો સુધી દટાઈને રહેતા આ જીવંત વસ્તુઓ પણ આકાર તો જે તે પ્રકારનો જ રાખી ને પથ્થર બની જતી હોય છે ! અહી રણના કાંઠે જ નાના ટેકરાના ઢાળમાં વરસાદના ઘસારાના કારણે જમીનમાં દટાઈ ગયેલી વનસ્પતિના થડ ડાળીઓ બહાર નિકળેલી છે. વૈજ્ઞાનિકોએ વધુ સંશોધન કરી આ ટેકરાના પથ્થરોમાં સચવાયેલા વનસ્પતિના પંદડા પ્રાણીઓ કે પક્ષીઓના કંકાલ પણ શોધી શકે છે.
જયદેવ કચ્છ ખડીરની આ પૌરાણીક ભૂમિ ઊપર ભૂતકાળને વિચારતો ઉભો હતો. ત્યાં નજર સામે જાણે દરિયો જ હોય, તેનું પાણી હોય તેવું રણની ઝાંઝવાના ઝળના કારણે દ્રશ્ય દેખાતું હતુ, ઉભા હતા તેની પશ્ર્ચિમે દૂર એમ પર્વત દેખાઈ રહ્યો હતો. ગઢવીભાએ જણાવ્યું કેસાહેબ તે ખાવડા પાસેનો કાળો ડુગર છે. દતમંદિર વાળો, અહીથી તો ફકત ૩૦-૩૫ કિલોમીટર જ દૂર છે. પણ વચ્ચે રણમાં દલદલ હોય હજુ સુધી સરકાર રોડ બનાવી શકી નથી, નહિતો ભૂજ જે અહીથી ૨૦૦ કે ૩૦૦ કી.મી. દૂર થાય છે. રાપર ભચાઉ થઈને તેને બદલે ખાવડા થઈને ફકત ૭૦-૮૦ કીમી જ થઈ જાય !