“હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ ઝીંદગી દેખ મેરે હૌસલે તુજસે ભી બડે હૈ…
રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સાથે કોરોના થયેલા અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે ત્યારે એક કિસ્સો ખુબજ પ્રેરણા પુરી પાડે છે. લગભગ ૯૦% ફેલ્યોર ફેફસા, હાર્ટ અને કિડની થઈ ગઈ હોવા છતાં ૨૨ દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના ૬૮ વર્ષીય ખેડૂત રમેશભાઈ માકડીયા કોરોના મુક્ત બની મોતને મહાત આપી ઝીંદગી ગળે લગાડી છે.
ઉપલેટાના આરોગ્ય કેન્દ્રમાં તબિયત બગડતા જયારે રમેશભાઈ દેખાડવા જાય છે ત્યારે ત્યાંના આરોગ્ય અધિકારી તેમની તબિયત જોઈ તુરંત જ રાજકોટ હોસ્પિટલમાં જવા કહે છે. જુના ડાયાબિટીસ, હૃદય અને પ્રોસ્ટેટની તકલીફ અને ઓક્સિજન લેવલ હતું માત્ર ૭૦, તો પણ શારીરિક અને માનસિક રીતે મજબૂત રમેશભાઈ બાઈક લઈ ઘરે જઈ તેમના પરિવારજનોને આ વાત કરે છે.
રાજકોટ સિવિલ ખાતે તેમનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવે છે અને તુરંત જ તેમને દાખલ કરી આપવામાં આવે છે. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ લગભગ એક સપ્તાહ બાદ સારવાર માટે આવેલા હતાં. હૃદયનું એક કર્ણ બ્લોક થઈ ગયું હતું. ફેફસામાં ૯૦ % ઇન્ફેસકન હતું. કિડની પણ કામ કરતી નહોતી. રમેશભાઈને રેરેસ્ટ ઓફ ઘી રેર ૬ હાઈરિસ્ક ફેક્ટર કેટેગરીમાં મુકવામાં આવ્યા હતાં. સિવિલમાં તજજ્ઞ ડોક્ટર્સ ડો. આરતીબેન ત્રિવેદી, ડો. રાહુલ ગંભીર, અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સ સહીત ૬ ડોક્ટર્સની ટીમ રમેશભાઈની સારવારમાંકોઈ કચાસ ના રહે તેનો ખ્યાલ રાખી કોઈપણ ભોગે દર્દીને સાજા કરવા અગ્રીમ ભૂમિકા ભજવે છે. હાલ રમેશભાઈની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન મુજબ દિનચર્યા કરી રહ્યા હોવાનું તેમના પરિવારજન ધવલ માકડીયા જણાવે છે. તેઓ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર માનતા જણાવે છે કે મારા મોટા બાપુજીને સિવિલના ડોક્ટરોએ જાન લગાવી સારવાર કરી તેના ફળસ્વરૂપે અમારો પરિવાર અકબંધ રહ્યો છે. રમેશભાઈ સાથે તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ કોરોનગ્રસ્ત થયા હતા જેઓ તમામ કોરોના સામે જંગ જીતી હસી ખુશી એકસાથે પૂર્વવત જીવન જીવી રહ્યા છે.