આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાત માટે જોખમી ?
કંપનીઓ સુનિશ્ચિત કરે કે નવી ટેક્નોલોજી વપરાશકર્તાઓ માટે દરેક રીતે સુરક્ષિત હોય : બાઈડન
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાત માટે જોખમી હોવાના ભય વચ્ચે અમેરિકા એક્શનમાં આવ્યું છે. જેને લઈને બાઈડન સરકારે વાઇટહાઉસ તાકીદની બેઠક યોજી હતી. જેમા ગુગલ અને માઈક્રોસોફ્ટના વડાઓને પણ બોલાવવમાં આવ્યા હતા.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીની વધતી દખલ અને તેની વિનાશક શક્તિના ખતરાની આશંકાઓ વચ્ચે અમેરિકાની જો બાઈડેન સરકારે ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ ગૂગલ અને માઈક્રોસોફ્ટના સીઈઓને ગુરુવારે વ્હાઇટ હાઉસમાં બોલાવી તાબડતોડ બેઠક યોજી હતી. વ્હાઈટ હાઉસમાં બાઈડેન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સાથે ટેક્નિકલ ક્ષેત્ર સહિત સરકારી ક્ષેત્રમાં એઆઈ લાગુ કરવા સંબંધિત નિયમો અને કાયદા અંગે ચર્ચા કરી અને તેના પર સરકાર કેવી રીતે નિયંત્રણ રાખી શકે તે મુદ્દે વાતચીત કરી હતી.
વ્હાઈટ હાઉસની આ ઈમરજન્સી બેઠકમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન તરફથી અધિકારીઓએ ટેક દિગ્ગજ કંપનીઓના સીઈઓને સલાહ આપી હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લાગુ કરતા પહેલા કંપનીઓ એ સુનિશ્ચિત કરે કે નવી ટેક્નોલોજી દરેક રીતે સુરક્ષિત હોય. બાઈડેન સરકારના અધિકારીઓએ નીતિ નિર્માતાઓ અને જાહેર બુદ્ધિજીવીઓ દ્વારા એઆઈથી પેદા થનારા ખતરા અને જોખમો અંગે પણ ચર્ચા કરી હતી જેણે ચેટજીપીટીની રાતોરાત સફળતા બાદ વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી હતી.
વ્હાઇટ હાઉસમાં આ બેઠકનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કર્યું હતું. બેઠકમાં રાષ્ટ્રપતિ બાઈડેનના ચીફ ઓફ સ્ટાફ જેફ જીએન્ટ્સ, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન, વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો અને સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પોલિસી ડિરેક્ટર આરતી પ્રભાકર પણ જોડાયા હતા. બેઠકમાં મુખ્ય સ્ટાર્ટઅપ ઓપનએઆઈ અને એન્થ્રોપિકના સીઈઓ પણ જોડાયા હતા.