મેગા ચેકિંગ ડ્રાઈવ: ૧૭૫ વેપારીઓને ત્યાં દરોડા, ૫૬૫ કિલો પ્લાસ્ટીક જપ્ત: રૂ.૭૬ હજારનો દંડ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશના પગલે આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં મેગા પ્લાસ્ટીક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ૧૭૫ વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન ૫૬૫ કિલો પાન-માવાનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૭૬ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન એવી બાતમી મળી હતી કે ચુનારાવાડ ચોકમાં ગુરૂનાનક એજન્સીમાં ચેકિંગ દરમિયાન ઉગ્ર માથાકુટ થવા પામી હતી. માથાકુટ બાદ ૫૦૦ કિલો ફાકીનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૨૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ચુનારાવાડ ચોક ઉપરાંત પારેવડી ચોક, કુવાડવા રોડ, પેડક રોડ, પાંજરાપોળ, ૮૦ ફુટ રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં કુલ ૩૮ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૫૧૦ કિલો પાન-માવાનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૩૦,૧૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે અલગ-અલગ ૭૯ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચાના કપ અને પાન-માવાના પ્લાસ્ટીક સહિત ૩૨.૭૦૦ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું અને ૨૬૯૫૦નો દંડ વસુલ કરાયો હતો.
જયારે વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શાસ્ત્રીનગર મેઈન રોડ, જીવંતિકા મેઈન રોડ, અતિથિ ચોક, નાનામવા રોડ, સાધુ વાસવાણી રોડ, સત્યસાંઈ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં ૫૮ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. ૨૨ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૧૮,૯૦૦નો દંડ વસુલ કરાયો હતો.