વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગની ઘટના બની છે. અહીં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ રજીસ્ટ્રાર સહિત અનેક મહત્વની ઓફિસ આવેલી છે.
આગને કાબૂમાં લેવા બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. 11 વર્ષ પહેલા હિન્દુ દેવી-દેવતાઓના નગ્ન ચિત્રો દોરી વિવાદ સર્જનાર વિદ્યાર્થી ચંદ્રમોહને આ આગ લગાડી હોવાનું સામે આવ્યું છે. 11 વર્ષથી સર્ટિફિકેટ મળતું ન હોવાથી ગુસ્સાની આગમાં સળગી રહેલા ચંદ્રમોહને વાઇસ ચાન્સેલરની ઓફિસમાં પાણીની બોટલમાં પેટ્રોલ લાવી આગ ચાંપી છે. યુનિવર્સિટીમાં ચાલુ દિવસ હોવાથી હેડ ઓફિસ ખાતે કર્મચારીઓ ફસાઇ ગયા હતા. આગ લાગવાને કારણે કેમ્પસમાં નાસભાગ મચી ગઇ હતી. યુનિવર્સિટીના સ્ટાફે અને વિજીલન્સની ટીમે ચંદ્રમોહનને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. બનાવની જાણ થતાં સયાજીગંજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.