નદીમાંથી મળી આવેલું માથુ અને નારોલના લાપતા ‘કનૈયા’નો ચહેરો મળતો હોવાથી અપહૃતના પરિવારની પુછપરછ
શહેરના આજી નદીના પટમાંથી બાળકનું વઢાયેલું માથું મળી આવવાના ચકચારી પ્રકરણનો ભેદ ઉકેલવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારનો લાપતા બાળકનો ચહેરો કપાયેલા માથા સાથે મળતો દેખાતા પોલીસે બાળકની વિગતો મેળવી તેના પરીવારજનોને પૃચ્છા માટે બોલાવ્યા છે અને જરૂર પડયે બાળકના પરીવારના સભ્યનો ડીએનએ ટેસ્ટ પણ કરાવાશે.
આજી નદીના પટમાં રૂખડિયાપરા નજીકથી ગત તા.૧૮ના વઢાયેલું એક માથું મળી આવ્યું હતું. માથું બાળકનું છે કે બાળકીનું તે સ્પષ્ટ કરવા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવતા કપાયેલું માથુ ૧૦ થી ૧૨ વર્ષની વયના બાળકનું હોવાનું ખુલ્યું હતું. પોલીસે શહેરમાંથી લાપતા થયેલા બાળકોની દિશામાં તપાસ કરી હતી અને તેમાં બે-ત્રણ બાળકોના કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા ત્રણેય બાળકો હેમખેમ મળી આવ્યા હતા. ઘટનાને તેર દિવસ વિતી જવા છતાં માથું કોનું તે પોલીસ નકકી કરી શકી નથી. શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં રાજયભરમાંથી ગુમ થયેલા ૧૫૦ બાળકોની વિગતો મેળવી હતી અને તેમાંથી ૨૫ બાળકોની વિગતો જુદી તારવી તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
દરમિયાન અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો કનૈયા કરનસિંહ પરિહાર નામના ૧૦ વર્ષના બાળકની વિગતો વઢાયેલા માથા સાથે મળતા પોલીસે તે દિશા ચકાસવાનું શરૂ કર્યું છે. બી ડીવીઝનના પીઆઈ ઠાકરે જણાવ્યું હતું કે, નારોલનો બાળક કનૈયા ગત તા.૮ના સ્કુલે ગયા બાદ લાપતા થઈ ગયો હતો. નારોલ પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા કનૈયા એક વ્યકિત સાથે જતો દેખાયો હતો. પોલીસે તે ફુટેજ તેના પરિવારજનોને દેખાડતા બાળક સાથે રહેલો વ્યકિત અજાણ્યો હોવાનું ખુલ્યું હતું.
જે બાળકનું માથું વાઢવામાં આવ્યું હતું તેનો કાન લાંબો હતો તેમજ તેના ચહેરાની વિગતો અને લાપતા કનૈયાનો દેખાવ ઘણાઅંશે મળતો હોવાથી પોલીસે પરીહાર પરિવારના એકાદ સભ્યના લોહીના નમુના લઈ તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો.