જસદણના નાની લાખાવડ બાઈક પર રાજકોટ આવતા સર્જાયો જીવલેણ અકસ્માત ટેન્કરના તોતીંગ વ્હીલ નીચે દંપતીના સજોડે મોતથી કોળી પરિવારમાં કરૂણ કલ્પાત
આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે ટેન્કરના તોતીંગ વ્હીલ નીચે રાજકોટ રૂરલના હેડ કોન્સ્ટેબલ અને તેમના પત્ની ચગદાઈ જતાં બન્નેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા પોલીસ બેડામાં અને કોળી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ જસદણ તાલુકાના નાની લાખાવડ ગામના વતની અને રાજકોટ રૂરલમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છગનભાઈ લધુભાઈ સરિયા અને તેમના પત્ની રંજનબેન જીજે૩એફસી-૧૯૦૫ નંબરના હોન્ડા સ્પ્લેન્ડર પર રાજકોટ આવી રહ્યાં હતા ત્યારે આટકોટથી એકાદ કિ.મી. દૂર ગોંડલ ચોકડી પાસે પાછળથી પુરઝડપે સફેદ કલરના ટેન્કરની બાઈકને ઠોકર લાગતા છગનભાઈ અને તેમના પત્ની રંજનબેન બાઈક પરથી પટકાયા બાદ ટેન્કરના તોતીંગ વ્હીલ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા અને જિલ્લા પોલીસવડાના બંગલે બાગ-બગીચાની સંભાળની સાથે ટ્રાફિકમાં ફરજ બજાવતા છગનભાઈ પોતાના વતન ગયા હતા. રાજકોટ પરત આવતા તેમને નડેલા જીવલેણ અકસ્માત બનાવની જાણ થતા આટકોટ પોલીસ મથકના પીએસઆઈ એ.વી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને મૃતકને પોસ્ટમોર્ટમ માટે જસદણ હોસ્પિટલ લાશને ખસેડી હતી.
મૃતક છગનભાઈને બે પુત્રો પૈકી નાનો પુત્ર સુનિલ સુરત ખાતે પોલીસમાં ફરજ બજાવે છે ત્યારે મોટો પુત્ર મયુર તેઓની સાથે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે રહે છે. છગનભાઈ અને તેમની પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પોલીસ બેડામાં અને કોળી પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતક દંપતિની નાની લાખાવડ ખાતે અંતિમયાત્રા નિકળતા નાના એવા ગામમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.