ગુજરાત અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ વંદેમાતરમ્ મિશન સેવાથી વતન પરત ફર્યા
જૂનાગઢના ભાજપના અગ્રણીની ઉમદા ભાવના રંગ લાવી હતી અને લોક ડાઉન માં વિદેશમાં ફસાયેલા ગુજરાત તથા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ વંદે માતરમ મિશન સેવાનો લાભ લઇ માદરે વતન પહોંચતા પરિવારજનોમાં આનંદ છવાયો હતો.
ફિલિપાઈન્સમાં વિઝા ન થતા અનેક વિદ્યાર્થીઓ ભારત પરત ન ફરી શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી, આ અંગે જૂનાગઢના ભાજપના આગેવાન યોગીભાઈ પઢીયારને ફિલિપાઇન્સ માં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા તેમના પુત્ર મિલાપસિંહ પઢીયાર દ્વારા જાણવા મળેલ કે, વંદે ભારત મિશન વિમાન સેવાની ફિલિપાઇન્સ થી મહારાષ્ટ્રની ફલાઈટ ઉપડી ગયેલ છે જેમાં મહારાષ્ટ્ર ૩૪ જેટલા વિદ્યાર્થીઓને વિઝા ન હોવાથી તેઓ મહારાષ્ટ્ર જઈ શક્યા નથી, જો તેમના વિઝા રીન્યુ થઈ જાય તો તેઓ અમદાવાદ સુધીની ફ્લાઇટમાં અમદાવાદ આવી શકે અને ત્યાંથી તેઓ મહારાષ્ટ્ર પોતાના માદરે વતન પહોંચી શકે.
યોગીભાઈ પઢિયારના પુત્રની ભારતના વિદ્યાર્થીઓ ભારતમાં પરત ફરે તેવી ઉમદા ભાવના સાથે પોતાના પિતાને કરેલ વાતથી યોગીભાઈ પઢિયારે તુરતજ ભારત સરકારમાં રજૂઆત કરતા સરકારના પ્રતિનિધિએ ફિલિપાઇન્સ સરકારને આ અંગે વિગતે રજૂઆત કરતા ફિલિપાઇન્સ સરકારે તાત્કાલિક વિઝા પૂર્ણ થઈ ગયેલ ભારતના વિદ્યાર્થીઓના વિઝા કાઢી આપ્યા હતા અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના વિદ્યાર્થીઓ સરકારે વિદેશમાં રહેલા લોકોને સ્વદેશ લાવવા શરૂ કરેલા વંદે ભારત મિશન વિમાન સેવાનો લાભ લઇ ભારત પરત આવી શક્યા હતા.