સરકારે મુખ્ય માંગણી સ્વીકારી લેતા ટ્રાન્સપોર્ટરોની હડતાલ સમેટાઇ
સવારથી માલની હેરાફેરી શરૂ થશે
ગત તા.૨૦ જુલાઇથી શરૂ થયેલી ટ્રાન્સપોર્ટરોની હડતાલ ગઇકાલે સાંજે સમેટાઇ જતાં વેપારીઓ અને ઉધોગકારોને હાશકારો થયો છે. છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટ્રાન્સપોર્ટરોની હડતાલને કારણે અનેક ઉધોગોને માઠી અસર પડી હતી. અંતે હડતાલનો ગઇકાલે સુખદ અંત આવ્યો છે. સરકારે મુખ્ય માંગણીઓ સ્વીકારી લેતા ટ્રાન્સપોર્ટ એસોસીએશને હડતાલ સમેટી લીધી છે. જેથી આજથી માલની હેરાફેરી શરૂ થનાર છે.
મુખ્ય પાંચ માંગણીને લઇ ૨૦ જુલાઇએ ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત છેલ્લા આઠ દિવસ દરમ્યાન ટ્રાન્સપોર્ટરોએ વિરોધ દર્શાવતા કાર્યક્રમો પણ આપ્યા હતા. સરકારે ગઇકાલે ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક યોજી હતી. જેમાં ટ્રાન્સપોર્ટરોએ સરકાર સમક્ષ તેઓને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી હતી. ટ્રાન્સપોર્ટરોને સાંભળ્યા બાદ સરકારે કેટલાક પ્રશ્નોનું નીરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જેથી ટ્રક- ટ્રાન્સપોર્ટ એસોસીએશને હડતાલ સમેટી લીધી છે.
છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટ્રક- ટ્રાન્સપોર્ટ હડતાલના કારણે વેપાર ઉદ્યોગની મોટી અસર પહોંચી હતી. મોટા ભાગના ઉદ્યોગો શટડાઉનની તૈયારીમાં હતા. માલનું પ્રોડકશન થયા બાદ ડિલેવરી થતી ન હોવાથી તમામ ઉદ્યોગમાં ગોડાઉન હાઉસફુલ થઇ ગયા હતા.
આ ઉપરાંત અનેક ઉદ્યોગોને કાંચો માલ મળતો ન હોવાથી તેઓનું પ્રોડકશન બંધ થઇ ગયું હતું. ખાધ્ય ચીજોની હેરફેર બંધ થતા ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. જો આ ટ્રાન્સપોર્ટરોની હડતાલ હજુ થોડા દિવસ યથાવત રાખવામાં આવત તો સામાન્ય જનજીવનને પણ અસર પહોંચવાની ભિતી હતી.
ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાલ દરમિયાન આજે ધરણાનો કાર્યક્રમ યોજાનાર હતો. પરંતુ ગઇકાલે હડતાલ સમેટાઇ જતા ધરણાનો કાર્યક્રમ મૌકુફ રાખવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોની હડતાલનો સુખદ અંત આવતા વેપાર ઉદ્યોગને હાસકારો થયો છે. હડતાલ સમેટાઇ જતા આજથી ફરી ટ્રકો રાબેતા મુજબ હાઇવે પર દોડતા થઇ જશે.