રાજ્યસભામાંથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં ખતમ કરવામાં આવ્યો છે. આ બદલાવ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યો છે. સાથે જ તેને લગતા નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં, રાજ્યસભામાં લંચ બ્રેક દર શુક્રવારે બપોરે 1:00 થી 2:30 વાગ્યા સુધી હોય છે, જ્યારે લોકસભામાં લંચ બ્રેક બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી હોય છે.
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યો બદલાવ
રાજ્યસભામાં આ વધારાનો અડધો કલાક નમાઝ માટે આપવામાં આવ્યો હતો, જેને હવે અધ્યક્ષે નિયમોમાં ફેરફાર કરીને ખતમ કરી દીધો છે. આ મામલો 8મી ડિસેમ્બર એટલે કે શુક્રવારનો છે. રાજ્યસભામાં શુક્રવારે લંચ પછી, જ્યારે ગૃહની બેઠક બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ આ મુદ્દો ઉઠાવ્યો, તેમણે કહ્યું કે દર શુક્રવારે ગૃહની બેઠક બપોરે 2.30 વાગ્યે શરૂ થતી હતી.
આ વખતે 2 વાગ્યે શરૂ કરવામાં આવ્યું છે, તેનો સમય ક્યારે બદલાયો, આ ફેરફાર કેમ થયો તેની સભ્યોને ખબર નથી. તેના પર અધ્યક્ષે જવાબ આપ્યો કે આ ફેરફાર આજથી નથી, આ ફેરફાર તેઓ પહેલા જ કરી ચુક્યા છે, તેમણે આનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકસભાની કામગીરી 2 વાગ્યાથી શરૂ થાય છે, બંને લોકસભા અને રાજ્યસભા સંસદનો હિસ્સો છે, કામકાજના સમયમાં સમાનતા હોવી જોઈએ, તેથી તેઓએ આ અંગે પહેલાથી જ નિયમો બનાવ્યા હતા.