- બજારમાં કાચી કેરીના 50 થી 120 રૂ., ગુંદાના 60 થી 120 રૂ., કેરડાંના 200 થી 300 રૂ., ગરમરના 120 થી 200 રૂ. ભાવ: અથાણા બનાવવા ખરીદી કરતી ગૃહિણીઓ
- બજારમાં અથાણાની કાચી કેરી ગુંદા, કેરડાં, ગરમરનું આગમન
જેના વગર ગુજરાતી થાળી અધુરી કે ફિક્કી લાગે… તેવા બારમાસી ચટાકેદાર અથાણાની સિઝન આ વર્ષે હોળી-ધૂળેટીના તહેવાર બાદ પણ અપૂરતી આવકના કારણે મોડી શરૂ થઇ છે. કાચી કેરી, લીલાછમ્મ ગુંદા, કેરડા તેમજ ગરમરની બજારમાં આવક શરૂ થઇ ગઇ છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બારમાસી અથાણાની સિઝન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા કાચી કેરી, ગુંદા, કેરડા તેમજ ગરમરની આવક ધીમેધીમે શરૂ થઇ ગઇ છે. ફાગણ-ચૈત્ર મહિનો એટલે અનાજ-મસાલા અને અથાણા કરવાનો સમય. આ સમયે અથાણાની કેરી, ગુંદા, ગરમરનું પુષ્કળ પ્રમાણમાં વેંચાણ થતું હોય છે. પરંતુ આ વખતે અથાણાની કેરીનું બજારમાં મોડું આગમન થયું છે.
માત્ર વલસાડ તરફથી પચાસેક બોક્સ રાજકોટ આવ્યા છે. આગામી પંદર દિવસ પછી બેંગ્લોર અને મહારાષ્ટ્રમાંથી મોટી માત્રામાં અથાણાની કેરીનું આગમન થશે. હાલ બજારમાં અથાણાની કેરીનું છૂટક-છૂટક આગમન થઇ ગયું છે. જે દર વર્ષે પુષ્કળ પ્રમાણમાં અથાણાની કેરી આવવી જોઇએ. તેવી હજુ ઉપલબ્ધ નથી. કેસર કેરી માટે વિશ્ર્વ વિખ્યાત જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં કોઇ જગ્યાએ અથાણાની કેરી જેવી કે રાજાપુરી, દેશી કેરીનું ઉત્પાદન થતું નથી.
અથાણાની કેરી વલસાડ, બેંગ્લોર અને મહારાષ્ટ્રમાંથી જ આવે છે. રાજકોટમાં છૂટક અથાણાની કેરીનું વેંચાણ કરનારા વેપારીએ રૂ.40 થી 60ના ભાવે કિલો કેરીનું વેંચાણ કરી રહ્યા છે. હજુ જેવી અથાણાની કેરી આવવી જોઇએ તેટલાં પ્રમાણમાં આવી નથી. થોડા દિવસોમાં આવી જશે.
વિવિધ પ્રકારનો સ્વાદિષ્ટ અથાણાં
- કાચી કેરીનું અથાણું
- કેરડાનું અથાણું
- ગાજર મૂળા મરચાનું અથાણું
- ગુંદાનું અથાણું
- ચણા મેથીનું અથાણું
- લીંબુનું અથાણું
- આંબડાનું અથાણું
- ગરમરનું અથાણું
અનેક બીમારીઓમાં રાહત આપે છે ‘ગરમર’
ગરમર ખાવાથી પાચનક્રિયા સુધરે છે
આજની સ્થિતિમાં ઘણા લોકો સુગરથી પીડિતા હોય છે. તેને મટાડવા અનેક દવાઓ અને નુસ્ખાઓ અજમાવતા હોય છે. ઘણા લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે. પરંતુ આયુર્વેદિક પદ્વતિઓ દ્વારા પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ગરમર આ માટે બેસ્ટ ઓપ્શન છે.
આરોગ્ય માટે ગુણકારી ગુંદા
સામાન્ય રીતે ગુંદાનો ઉપયોગ આપણે અથાણામાં કરતા હોઇએ છીએ. ગુંદાનું અથાણું અને આથેલા ગુંદા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથેસાથે ગુંદામાં ઘણા આર્યુવેદિક ગુણો સમાયેલા છે. તેને ખાવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે. ગુંદા શરીરને મજબૂત બનાવે છે. ગુંદામાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા ભરપૂર જોવા મળે છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે જ હાડકાં પણ મજબૂત બને છે. પિત્ત અને કફને દૂર કરવામાં ગુંદાનું સેવન કરવું જોઇએ. ગુંદાનું સેવન કરવાથી પેટને લગતી બિમારીઓમાં રાહત મળે છે.
આ વર્ષે કાચી કેરી, ગુંદાનું આગમન મોડું થયું: પ્રેમજીભાઇ સાકરીયા
‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચિતમાં લાખાજીરાજ શાક માર્કેટ એશો.ના પ્રમુખ પ્રેમજીભાઇ સાકરીયાએ જણાવ્યું હતું કે હાલ બજારમાં અથાણાં માટેની કાચી કેરી, ગુંદા, કેરડાં, ગરમર, આમળાનું વેંચાણ શરૂ થઇ ગયું છે. આ વખતે અથાણાંની કેરીની આવક મોડી શરૂ થઇ છે. હાલ કાચી કેરીના કિલોના 50 થી 120 રૂ., ગુંદાના કિલોના રૂ.80 થી 120 રૂ., કેરડાંના કિલોના 200 થી 300 રૂ. તથા ગરમરના 120 થી 200 રૂ.નો ભાવ છે.
હાલ વલસાડમાંથી જ કાચી કેરીનું આગમન થયું છે. હજુ પંદર દિવસ બાદ બેંગ્લોર અને મહારાષ્ટ્રમાંથી કેરી આવશે. અત્યારે અથાણાં બનાવવા માટે કાચી કેરી, ગુંદા, ગરમર, કેરડાંની ગૃહિણી ખરીદી કરી રહ્યાં છે.
પાચનતંત્ર અને પેટના રોગો માટે અક્સીર, કેરડાનું અથાણું
ઉનાળો એટલે અથાણો બનાવવાની સિઝન… કેરડા મરૂભૂમિનું વૃક્ષ ગણાય છે અને તે કાંટાવાળું ઝાડ છે. એને પાદડાં હોતા નથી. ફૂલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે. ફળ પાકે ત્યારે લાલ થઇ જાય છે. લીલા રંગના કાચા ફળોનું અથાણું
અને શાક થાય છે. એનાં ફળને કેરડાં કહેવામાં આવે છે. કેરડાં આરોગ્યવર્ધક હોવાથીએ કડવા, તીખા, તુરા, ગરમ. કેરડો સ્વાદમાં કડચા, કફ, વાયુ, સોજો, મળ-વાછૂટની દુર્ગંધ મટાડનાર છે. હૃદ્ય માટે સારો, પ્રમેહ, હરસ-મસામાં ખૂબ જ ઉપયોગી છે. કેરડાને સૂકવીને બનાવેલું એક ચમચી ચૂર્ણ દહીંમાં ભેળવી ખાવાથી હરસ મડે છે. કેરડાનું અથાણું પાચનતંત્ર અને પેટના રોગો માટે અક્સીર માનવામાં આવે છે.