- કચ્છડો બારે માસ
- ફિલ્મની વાર્તામાં મહિલા શિક્ષણ, સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સશકિતકરણ જેવા પાસાઓ વર્ણવાયા: દેશપ્રેમ પણ જોવા મળશે
- અબતકની મુલાકાતે રણભૂમિ ફિલ્મના લેખક દિગ્દર્શક નિલેશ ચોવટિયા કલાકાર હર્ષલ માંકડ, શીતલ પટેલ, ચેતસ ઓઝાએ ફિલ્મ વિશે કરી ચર્ચા
ગુજરાત એટલે એવું રાજ્ય કે જ્યાંના લોકો સૌથી વધુ ફરવાના અને ઉત્સવો ઉજવવાના શોખીન હોય. યુનેસ્કો એ જ્યાંના નૃત્ય ગરબા ને અમૂર્ત વારસો જાહેર કર્યો અને જે પ્રજા પોતાની ભાતિગળ વિવિધતા અને પહેરવેશ તેમજ ભાષાના વિશેષ ઉચ્ચારણ માટે વિશ્વપ્રસિદ્ધ છે એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રસરાયેલ પ્રજાતિ એટલે ગુજરાતી. આ ઉત્સવપ્રિય રાજ્યમાં પ્રતિવર્ષ વિવિધ પ્રકારના વિષયો સાથેની અનેક ગુજરાતી ફિલ્મો પણ પ્રેક્ષકો સુધી થિએટર તેમજ ઓટીટીના માધ્યમથી પીરસવામાં આવે છે.
સામાન્ય રીતે વૈવિધ્યસભર મનોરંજન અનેક વ્યક્તિને આકર્ષે છે પણ કેટલીક ફિલ્મો એવી હોય છે જે દરેક વ્યક્તિને પોતાની લાગી શકે છે. આવી જ એક ફિલ્મ રણભૂમિ આવતીકાલે ગુજરાતના સિનેમાઘરોમાં આવી રહી છે.
આ ફિલ્મની વાત એ કચ્છ જિલ્લાના એક ગામ પર આધારિત છે જયાંના લોકોનું જીવન અને આજીવિકા પ્રવાસીઓ પર આધારિત છે. આ ફિલ્મની વાર્તામાં મહિલા શિક્ષણ, સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સશક્તિકરણ જેવા પાસાઓને સુંદર રીતે વણવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ કચ્છના જાણીતા પર્યટન સ્થળો, ધોરડો ટેન્ટ સિટી, રોડ ટુ હેવન તેમજ રાજકોટમાં ત્રંબા ગામ પાસે પણ કરવામાં આવ્યું છે.
રણભૂમિ ફિલ્મ વિશે ચર્ચા કરવા લેખક દિગ્દર્શક નિલેશ ચોવટિયા, કલાકાર હર્ષલ માંકડ, શીતલ પટેલ, ચેતસ ઓઝાએ અબતક મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
ફિલ્મમાં જાણીતા ચહેરાઓ માં અભિનેતા મેહુલ બૂચ, વિપુલ વિઠલાણી, મિત્રેશ વર્મા, પૂજા સોની, રાજીવ પંચાલ, ચેતસ ઓઝા,માનીન ત્રિવેદી,વગેરે કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મનું માર્કેટિંગ તેમજ પ્રમોશન અભિલાષ ઘોડા (તિહાઇ- ધ મ્યુઝિક પીપલ)સંભાળે છે. જ્યારે ફિલ્મનું નિર્માણ આર્ટ કોર્પોરેશન દ્વારા કરવા આવ્યું છે.
આ ફિલ્મ આવતીકાલથી રાજ્યના સિનેમાગૃહોમાં રીલિઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના અભિનેતા તથા કાસ્ટીંગ ડાયરેક્ટર ચેતસ ઓઝા એ હળવી ટકોર સાથે કહેલું કે બોલીવુડ કે અન્ય કોઈ પ્રાદેશિક ફિલ્મના કલાકારોને આપણે અંગત રીતે ઓળખતા પણ નથી હોતા છતાં એમનું ફિલ્મ જોવા જતા હોઈએ તો જયારે સ્થાનિક, પોતાના પરિચીત ગુજરાતી ભાષાના અભિનેતા, અને કલાકારો ફિલ્મ લઈને આવ્યા છે ત્યારે રણભૂમિ ફિલ્મને વધાવવા તો ચોક્કસથી બધાએ જવું જ જોઈએ.
ફિલ્મમાં શાસ્ત્રની સાથે શસ્ત્રની અગત્યતા સમજાવવાનો પ્રયાસ: નિલેશ ચોવટિયા :આ જ સંદર્ભે પ્રકાશ પાડતા રણભૂમિના લેખક દિગ્દર્શક નિલેશ ચોવટિયા એ કહ્યું હતું કે ફિલ્મના માધ્યમથી લોકો અનેક બાબતો શીખે છે. માણસની હેરસ્ટાઇલ થી માંડીને લાઇફસ્ટાઇલ સુધીની અનેક બાબતો પ્રેક્ષકો ફિલ્મ જોઈને શીખે છે ત્યારે આ ફિલ્મના માધ્યમથી સમાજના તમામ લોકોમાં દેશપ્રેમ, એકતા અને અખંડિતતા તેમજ શાસ્ત્રની સાથોસાથ શસ્ત્રની અગત્યતા સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ફિલ્મ મેં પાંચ વર્ષ પહેલા લખી હતી. પહેલા ફિલ્મનું નામ પ્રેમલીલા રાખ્યું હતુ ધીમેધીમે ફિલ્મોમાં ફેરફાર કરીને રણભૂમિ નામ રાખ્યું છે. આ ફિલ્મ પારિવારીક ફિલ્મ છે. અને ફિલ્મમાં સંદેશો પણ મળશે.
સ્ત્રી સશકિતકરણને આધારિત અમારી ફિલ્મ દર્શકોને પસંદ પડશે: હર્ષદ માંકડ
ફિલ્મ રિલીઝ વિશે વાત કરતાં લીડ અભિનેતા હર્ષલ માફડ જણાવે છે કે ગુજરાતી ફિલ્મો બનાવવા કરતા પણ ચલાવવી વધુ અધરી છે. આજના સમયમાં જ્યારે મલ્ટીપ્લેક્સ થિએટર થઈ ગયા છે ત્યારે ગળાકાપ સ્પર્ધા હોવા છતાં અન્ય ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોને પ્રાધાન્ય થિએટર તરફથી મળતું નથી, તો બીજી તરફ સારું ક્ધટેન્ટ ન મળે ત્યારે પ્રેક્ષકોની ઉદાસીનતા પણ સ્વીકારી અને વધુમાં વધુ લોકોને ગમે એવું સ્વચ્છ મનોરંજન પીરસવું અગત્યનું છે.
રણભૂમિ ફિલ્મ કચ્છ જિલ્લાના એક ગામ પર આધારિત છે. આ ફિલ્મમાં દેશપ્રેમ અને મહિલા શિક્ષણ, સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સશકિતકરણ જેવા પાસાઓને સુંદર રીતે વર્ણવવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં અત્યારનું કચ્છ અને પહેલાના કચ્છને પણ બતાવવામા આવ્યું છે. રાજકોટનાં ત્રંબા ગામમાં સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલે સેટમાં કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો હતો. રણભૂમિ ફિલ્મની તમામ ટીમનો ખૂબ સપોર્ટ રહ્યો છે.
આ ફિલમમાં કચ્છના એક ગામમાં એક જવાન શહીદ થાય છે. તેની વિધવાને દિકરીનો જન્મથાય છે. ગામમાં વિધવાને ત્યાં દિકરીને દુધ પીતી કરવાની વાતો વચ્ચે માતા અને પુત્રીને ગામ બહાર કાઢવામાં આવે છે દિકરી ભણીગણી મોટી થઈ પોતાના ગામના ડેવલોપ કરવા ફરી ગામમાં આવે છે. અને પોતાની બહેનપણીઓ સાથે બદલાવ લાવવાના પ્રયાસો કરે છે. અને તેને દેશ અને પ્રેમમાંથી નકકી કરવાનુંં આવે ત્યારે દેશને ચુઝ કરે છે.
પરિવાર સાથે બેસીને ફિલ્મને નિહાળી શકશો: શીતલ પટેલ
ફિલ્મમાં મુખ્ય હિરોઈન ભજવી રહેલા અભિનેત્રી શીતલ પટેલનું આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. તેઓએ રાજીપો વ્યક્ત કરતા જણાવેલું કે કે તેમના વ્યક્તિગત જીવનમાં તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે ત્યારે આ ફિલ્મમાં કરવા કામ કરવા માટે તેમણે ખાસ એમના વડા પોલીસ કમિશ્નરની પૂર્વ મંજૂરી મેળવી હતી અને જ્યારે તેમણે આ ફિલ્મની વાર્તા સાંભળી હતી ત્યારથી અંત સુધી તેમને સમગ્ર પોલીસ વિભાગનો પુષ્કળ સહકાર સાંપડ્યો છે. તેમનું માનવું છે કે આજની દરેક નારી માટે સ્વરક્ષણ અને નેશન
ફર્સ્ટના અભિગમને અગ્રતા આપવું ખૂબ જ આવશ્યક છે.
હું ગુજરાત પોલીસમાં ફરજ બજાવું છું મારી પ્રથમ ફિલ્મમાં મને બધાનો ખૂબજ સાથ સહકાર રહ્યો છે. રણભૂમિ ફિલ્મ પારિવારીક ફિલ્મ છે. ફિલ્મમાં મહિલા શિક્ષણ, સ્વાતંત્ર્ય, સ્વાભિમાન અને સ્ત્રી શકિતકરણ જેવા પાસાઓને સુંદર રીતે પ્રસ્તુત કરાયો છે. દર્શકોને અનુરોધ છે કે ફિલ્મ અચૂકથી જોવા જજો તમને પસંદ પડશે જ.