ગરમીમાં ઠંડક મેળવવા માટે છાશથી ઉત્તમ પીણું કોઈ જ નથી. ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા માટે છાશ અકસીર ઈલાજ છે. ગુજરાતીઓનું ઑલટાઈમ ફેવરિટ પીણું એટલે છાશ. કોઈપણ પ્રસંગ હોય કે ઘરનું જમવાનું, છાશ વગર બધું અધુરું છે. છાશ પીવાના અનેક ફાયદાઓ છે. એટલે જ છાશને અમૃતનો દરજ્જો આપવામાં આવ્યો છે.
શા માટે છાશ છે અમૃત?
છાશ દહીં અને પાણીથી બને છે. સાથે તેમાં જરૂર પ્રમાણે મસાલા, નિમક પણ ઉમેરવામાં આવે છે. છાશમાં ભરપૂર માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. સાથે તેમાં રહેલા હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઈડ્રેટ્સ ફાયદાકારક છે.
શું છે છાશના ફાયદા?
ભોજપ સાથે કોઈ પ્રવાહી લેવું જરૂરી છે. જેથી ભોજન પચવામાં સરળતા રહે છે. ભોજન સાથે છાશ લેવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. અને ગરમીથી બચવા માટે છાશ રામબાણ ઈલાજ છે. છાશ શરીરને ઊર્જા આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ગરમીમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ સૌથી વધારે સામે આવતી હોય છે. ત્યારે ગરમીમાં છાશનું સેવન શરીરમાં પ્રવાહીની માત્રાને જાળવી રાખે છે.