ચીનનું પર્યાય બનવા ગુજરાત સજજ
નવી ઔદ્યોગિક નીતિમાં લઘુ, મધ્યમ અને નાના એકમોને વધારે પ્રાધાન્ય આપીને રોજગાર નિર્માણનો ભરપૂર પ્રયાસ : પછાત વિસ્તારોમાં ખાસ લાભ
કોરોનાનો માર સહન કરી રહેલા ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા રાજ્ય સરકારે કમર કસી છે. તેમાં પણ ચીનના પર્યાય બનવા તરફ ગુજરાતના ઉદ્યોગોને દોટ મુકાવવા સરકારે લીલીઝંડી આપી દીધી છે. આ માટે સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે. જેમાં લઘુ, મધ્યમ અને નાના એકમોને વધારે પ્રાધાન્ય આપીને રોજગાર નિર્માણનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે.અને પછાત વિસ્તારોમાં ખાસ લાભ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ની જાહેરાત કરી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને દરકિનારે કરી રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને આગળ વધારવા, નવી રોજગારીની તકોના સર્જનને લક્ષ્યમાં રાખી આધુનિક ગુજરાત થકી આધુનિક ભારતના નિર્માણનું વિઝન સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે.વન નેશન, વન ટેક્સ એટલે કે વેટ રિજીમ લાગુ થયા પછી જાહેર થયેલી વિલંબિત ઔદ્યોગિક નીતિમાં રાજ્ય સરકારે તમામ રોકડ લાભોને બંધ કરી દીધા છે અને એની સામે હવે એસજીએસટીના સાપેક્ષમાં લાભ આપવાનો મોર્ડન વિકલ્પ રજૂ કર્યો છે. આવું પગલું ભરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાંમાહિતી આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ કદનું એકમ સ્થાપનારને એના કેપિટલ ખર્ચના ૧૨ ટકાની મર્યાદામાં રોકડ વળતર ચૂકવાશે. આ સિવાયના એસજીએસટીના સાપેક્ષમાં અપાતા વળતરો ડિ લિન્ક કરી દેવાયા છે. આ લાભ રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદામાં મહત્તમ ૧૦ વર્ષ સુધી ચુકવાશે. આમાં કોઇપણ ઔદ્યોગિક એકમને લાભ મળશે એ મેગા એકમ, મધ્ય કે સુક્ષ્મ હશે દરેકને એના કેપિટલ ખર્ચના લેખે લાભ મળશે. આ જ રીતે નવા ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માફીને પાંચ વર્ષ સુધી લાભ મળશે.
વિવિધ નવ ટાસ્ક ફોર્સની રચના કરી વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મેળવીને તૈયાર કરાયેલી આ નવી નીતિમાં નવી રોજગારીની તકો, વિવિધ ક્ષેત્રમાં વેલ્યુ એડિશન, આધુનિક ટેકનોલોજી અપનાવી ૪.૦ ઔદ્યોગિક ઉત્પાદક્તામાં વધારો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ભાર મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મુક્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યનો વિકાસ હાલની સ્થિતિ મુજબ યથાવત્ રહે તો નવી ઔદ્યોગિક નીતિમાં સરેરાશ રૂ.૮૦૦૦ કરોડનો આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અંદાજ છે.
વૈશ્વિક રોકાણોના વલણો, સર્વાંગી મુલ્યવૃદ્ધિત ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિઓને ધ્યાને રાખી વિવિધ પંદર ક્ષેત્રને થ્રસ્ટ એરિયા તરીકે પસંદ કર્યા છે, તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, આ પંદર થ્રસ્ટ એરિયાને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ તરીકે બે ભાગમાં વિભાજિત કર્યા છે.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું હબ છે એટલે એમાં આવતા ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, નિયત વિસ્તારમાં કેમિકલ્સ વગેરે ક્ષેત્રોને કોર સેક્ટરમાં સમાવેશ કરાયો છે જ્યારે ટેકનોલોજીકલ પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપી શકે અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે તેવા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ્સ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને નિકાસ આધારિત એકમોને સનરાઇઝ સેક્ટરમાં સમાવિષ્ટ કર્યા છે. આ થ્રસ્ટ સેક્ટર્સને ઔદ્યોગિક નીતિના એક હિસ્સા તરીકે ઇન્ક્રિમેન્ટલ ઇન્સેન્ટીવ આપવામાં આવશે.
નવા એકમોને સરકારી જમીન નિયત સ્થળે ઉપલબ્ધતાના આધારે ફાળવશે. આ જમીન પચાસ વર્ષ માટે લીઝ ઉપર અપાશે અને એનું બજાર કિંમતના ૬ ટકા લેખે ઉદ્યોગકારે ભાડું ચુકવવાનું રહેશે. સરકાર આવા એકમોને બેંકમાંથી લોન લેવા માટે પણ મદદ કરશે, તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નીતિમાં લઘુ, મધ્ય અને સુક્ષ્મ, નાના એકમોને પણ વિશેષ લાભ થાય એમનો પણ પ્રોત્સાહન મળે એની કાળજી રાખવામાં આવી છે. આવા એકમોને ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચૂકવાશે. એમને પેટન્ટ આધારિત ટેકનોલોજી મેળવવા માટે પહેલી વખત સરકાર આ નીતિ હેઠળ આર્થિક સહાય ચૂકવશે.
ઉદ્યોગોને મળનારા મહત્વના લાભો
- હવે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટેમેન્ટ ઉપર ૧૨ ટકા લેખે રોકડ વળતરનો નવા ઉદ્યોગોને લાભ મળશે
- પાંચ વર્ષ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી માફી
- સરકારી જમીન ૫૦ વર્ષ માટે લીઝ ઉપર અપાશે, ઉદ્યોગકારો દર વર્ષે બજાર કિંમતના ૬ ટકા લેખે ભાડું ચુકવવાનું રહેશે
- ખજખઊને પાત્ર ધિરાણ રકમના ૨૫ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની મર્યાદામાં કેપિટલ સબસિડી ચૂકવાશે, ટર્મ લોન ઉપર પ્રતિ વર્ષ ૭ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની વ્યાજ સબસિડી પણ મળશે
- મોટા ઉદ્યોગોને એસજીએસટીના લાભો બંધ કરી તાલુકાની કેટેગરી મુજબ રોકાણ સામે ૪થી ૧૨ ટકા રોકડ સબસીડી, પછાત તાલુકામા વધુ અને વિકસિત તાલુકાઓમાં ઓછી સબસીડી અપાશે