રોજગાર તાલીમ અને બેકારી ભથ્થા યોજના પાછળ રાજય સરકાર રૂપીયા ૩૫૦ કરોડ વાપરશે
ગુજરાત રાજયનાં શ્રમ અને રોજગાર ખાતાના મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતુ કે રાજય સરકારે જરૂરતમંદ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપીને તેમને નોકરી મેળવવા લાયક બનાવવાની યોજના તૈયાર કરી છે. આ યોજનાના પ્રથમ વર્ષે આશરે ૧ લાખ યુવાનોને તાલીમ આપશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ટેકનિકલ અને ફાઈનાન્સીયલ મદદ કરશે.
આ સિવાય લાભાર્થી બેરોજગારોને માસિક ભથ્થુ પણ અપાશે. જેની રકમ લાભાર્થીની લાયકાત મુજબ માસિક રૂપીયા ૩૦૦૦થી રૂપીયા ૧૦૦૦૦ સુધી હોઈ શકે છે. ગુજરાતનાં આગામી બજેટમાં રોજગાર તાલીમ અને બેકારી ભથ્થા યોજના માટે ખાસ ભંડોળ ફાળવવામા આવશે.
પ્રસ્તાવીત યોજના પાછળ ગુજરાત સરકાર આશરે રૂપીયા ૩૫૦ કરોડ વાપરશે. રાજયમાં બેકારી રેશિયો ઘટાડવા સરકાર કટીબધ્ધ છે. સાથોસાથ બેકાર યુવાનો આર્થિક સંકટમાં આવીને કોઈ ખોટુ પગલુ ન ભરે અથવા ગુનાખોરી ન આચરી બેસે તેવા શુભ હેતુસર સરકાર તેમને બેકારી ભથ્થુ આપશે તેમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતુ.