હવે સ્વાસ્થ્ય પ્રેમીઓ છુટથી બાગ બગીચામાં જઈને કસરતનો આનંદ લૂંટી શકશે: જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા સત્તાવાર પ્રસિધ્ધ કરાયું જાહેરનામુ: બાગ-બગીચાઓ ખોલવાને આજથી મંજૂરી
રાજકોટ શહેર અને જિલ્લામાં અંતે સાડા પાંચ મહિનાના લાંબા સમય બાદ બાગ-બગીચાઓ ખોલવામાં આવનાર છે. આજરોજ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર બન્ને દ્વારા જિલ્લા અને શહેરી વિસ્તારમાં ગાર્ડન ખોલવાની મંજૂરી આપતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી હવે સ્વાસ્થ્યપ્રેમીઓ છુટથી બાગ-બગીચામાં જઈ કસરતનો આનંદ માણી શકશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગત ૧૮ માર્ચથી ગાર્ડનોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં સૌપ્રથમ નોંધાયેલા કોરોના કેસ બાદ તંત્ર દ્વારા ગાર્ડન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નદીમ નામના દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તુર્ત જ જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસવડાની બેઠક યોજાઈ હતી. જેમાં ગાર્ડનો તેમજ મોલ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ વધુ ન બને તે માટે સાડા પાંચ મહિનાથી ગાર્ડનોને બંધ રાખવામાં આવ્યા હતા.
ગઈકાલે સરકારે અનલોક-૪ની જાહેરાત કરી હતી. જેમાં ગાર્ડનોને ખોલવાની છુટ આપવામાં આવી છે. જેના પરિણામે ગઈકાલે મોડીરાત્રે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા અનલોક-૪નું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જો કે આ જાહેરનામામાં ગાર્ડનો ખોલવાને છુટ આપવામાં આવી ન હોય થોડો સમય માટે ગડમથલ સર્જાય હતી. બાદમાં આજે સવારે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સુધારેલુ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને ગાર્ડનોને આજથી જ ખોલવાની છુટ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેરી વિસ્તાર માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પણ ગાર્ડનોને છુટ આપવામાં આવી છે. બીજીબાજુ મહાપાલિકાના ગાર્ડન વિભાગે પણ આજ સવારથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગાર્ડનમાં ઘાસ કાંપવાથી માંડી દવાના છંટકાવ સુધીની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. બસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે તેની જ રાહ જોવામાં આવી રહી હતી. અંતે સાડા પાંચ મહિનાના સમય બાદ ગાર્ડનો ખુલવાને મંજૂરી મળી છે ત્યારે ગાર્ડન એન્ડ પાર્કના ડાયરેકટર કે.ડી. હાપલીયાએ એવો અનુરોધ કર્યો છે કે, લોકો દરરોજ ગાર્ડનમાં એક સાથે ઉમટી ન પડે હજુ પણ કોરોનાનું સંક્રમણ ફેલાવાનું યથાવત છે માટે તમામ લોકો ખાસ તકેદારી રાખે તેવી અપીલ છે.