અલગ-અલગ વિસ્તારોમાં ૧૪ મિલકતોને તાળા: ૧૬ મિલકતને ટાંચ જપ્તીની નોટિસ
મોબાઈલ કંપનીઓને વેરા પેટે બાકી નિકળતી રકમ ૧૫મી માર્ચ સુધી ભરી દેવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાની સાથે જ ટેકસ બ્રાંચે સપાટો બોલાવ્યો છે. આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જીટીએલ કંપનીના ૯ સહિત કુલ ૧૦ મોબાઈલ ટાવરો સીલ કરી દેવામાં આવ્યા હતા.
આજે બાકી વેરો વસુલ કરવા માટે કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા નિલકમલ પાર્કમાં રૂપ કોમ્પ્લેક્ષ, પુનિતનગર સોસાયટી, પુનિતનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, મવડીમાં કૃષ્ણ વલ્લભાચાર્ય, સ્વાગત આર્કેડ, કૃષ્ણનગરમાં શુભ કોમ્પ્લેક્ષમા, ઉમાકાંત ઉધોગનગર, ન્યુ મેઘાણીનગર અને સોરઠીયાવાડી વિસ્તારમાં જીટીએલ કંપનીના ૯ મોબાઈલ ટાવર સીલ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૈદવાડી વિસ્તારમાં જયોતિ કોમ્પ્લેક્ષમાં પણ એક મોબાઈલ ટાવર સીલ કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૭,૧૩,૧૪ અને ૧૭માં હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત ૧૪ મિલકતોને સીલ કરવામાં આવી છે જયારે ૧૬ મિલકતોને જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. જયારે વેસ્ટ ઝોન કચેરીમાં રીકવરી દરમિયાન બપોર સુધીમાં ૨૫ લાખની વસુલાત થવા પામી છે. બાકી વેરો નહીં ભરનાર મોબાઈલ કંપનીઓસામે આકરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને ટાવરો સીલ કરી દેવાશે.