આધુનિક બેઠક વ્યવસ્થા, જમવાની સુવિધા, વાઈફાઈ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દ્વારકા સ્ટેશન ખાતે પ્લેટ ફોર્મ નં.૧ પર બનાવવામા આવી રહેલ એકઝીકયૂટિવ લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન સાંસદ પુનમ બેન માડમ દ્વારા કરવામાં આવ્યું. અત્રે એ નોંધપાત્ર છે કે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત યુનિટે (ટીસીજીએલ)ના સહયોગથી ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંકલનમાં આ એકઝીકયુટિવ લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું નિર્માણ અંદાજે રૂ.૨.૨૮ કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.
જેનો ખર્ચ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવેએ આ પ્રસંગે જણાવ્યું કે, આ એકઝીકયુટીવ લોન્ચ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રના પ્રારંભથી દ્વારકા આવનાર પ્રવાસીઓને આધુનિક બેઠક વ્યવસ્થા, વાઈફાઈ સુવિધા મળશે તથા ૭ એસી રિટાયરીંગ રૂમ પણ બનાવામાં આવશે. જેથી પ્રવાસીઓને લાભ મળશે. તેમણે જણાવ્યું કે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રહીને દ્વારકા સ્ટેશન ખાતે બનનારી આ એકઝીકયુટીવ લોન્જમાં સીસીટીવી કેમેરા લગાવવામા આવશે.
નિનાવેએ સાંસદ પૂનમબેન માડમને તેમના વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવામાં કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વરિષ્ઠ એન્જીનીયર (સમનવય) ધીરજકુમાર, ડિવિઝનલ એન્જીનીયર ઈન્દ્રજીત કૌશિક સહિત સિનિયર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં બધા જ ઉપસ્થિત અતિથીઓનો વરિષ્ઠ ડિવિઝનલ મેનેજર રવિન્દ્ર શ્રી વાસ્તવ દ્વારા ધન્યવાદ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી કર્યું હતુ.